અમૃતા ફડણવીસને એક કરોડની લાંચ આપવાના કેસમાં કોર્ટે આરોપીને આપી ૨૧ માર્ચ સુધીની કસ્ટડી

પોલીસે પણ દેવેન્દ્ર ફડણવીસને ટ્રેપમાં લેવાનું કાવતરું હોવાનું કોર્ટને કહ્યું
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને ડિઝાઇનર અનીક્ષા જયસિંઘાની દ્વારા તેના પિતા સામેના ક્રિમિનલ કેસમાં મધ્યસ્થી કરવા માટે લાંચ ઑફર કરવા તેમ જ ધમકાવવા બદલ મુંબઈ કોર્ટે ગઈ કાલે ૨૧ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.
અનીક્ષા સાથે તેના પિતા પણ આ કેસમાં આરોપી છે અને તેઓ હજી પણ ફરાર છે. મલબાર હિલ પોલીસ સ્ટેશને ૨૦ ફેબ્રુઆરીએ અમૃતા ફડણવીસની ફરિયાદને પગલે અનિષ્કા સામે એફઆઇઆર નોંધ્યો હતો.
પોલીસ વતી ચીફ પબ્લિક પ્રોસિક્યુટર જયસિંહ દેસાઈએ આ સામાન્ય બાબત ન હોવાનું જણાવીને સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે ૨૧ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અમૃતા ફડણવીસે ફરિયાદ કરી હતી કે અનીક્ષા જયસિંઘાએ તેના પપ્પા સામેનો કેસ પાછો ખેંચી લેવા એક કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ તેમને ટ્રેપમાં ફસાવવાનું કાવતરું હોવાનું ગુરુવારે કહ્યું હતું, જે ગઈ કાલે આરોપીની કસ્ટડી માગતી વખતે પોલીસે પણ કહ્યું હતું.