Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક પિતા છું એટલે સમજી શકું છું કે મા-બાપ પર શું વીતે જ્યારે તેમનું સંતાન ખોવાય

એક પિતા છું એટલે સમજી શકું છું કે મા-બાપ પર શું વીતે જ્યારે તેમનું સંતાન ખોવાય

Published : 04 April, 2026 06:15 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કદાચ આ જ કારણ છે કે કાયદો અને વ્યવસ્થાના મુંબઈના જૉઇન્ટ પોલીસ-કમિશનર સત્યનારાયણ ચૌધરીએ છેલ્લાં બે વર્ષમાં ખોવાયેલાં બાળકોને શોધી કાઢવાની ગજબનાક ઇકો-સિસ્ટમ ઊભી કરી અને ૯૮ ટકા બાળકોનો પાછો પોતાના પેરન્ટ્સ સાથે ભેટો પણ કરાવી આપ્યો.

ગુમ થયાના છ મહિનામાં મુંબઈ પોલીસે છેક વારાણસીથી શોધી કાઢેલી ચાર વર્ષની આરોહી

ગુમ થયાના છ મહિનામાં મુંબઈ પોલીસે છેક વારાણસીથી શોધી કાઢેલી ચાર વર્ષની આરોહી


કદાચ આ જ કારણ છે કે કાયદો અને વ્યવસ્થાના મુંબઈના જૉઇન્ટ પોલીસ-કમિશનર સત્યનારાયણ ચૌધરીએ છેલ્લાં બે વર્ષમાં ખોવાયેલાં બાળકોને શોધી કાઢવાની ગજબનાક ઇકો-સિસ્ટમ ઊભી કરી અને ૯૮ ટકા બાળકોનો પાછો પોતાના પેરન્ટ્સ સાથે ભેટો પણ કરાવી આપ્યો. બાળક ગુમ થાય એટલે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હિદાયત પેરન્ટ્સને આપતા આ પોલીસ-ઑફિસર પાસેથી જ જાણીએ કે ગુમ થયેલા બાળકને શોધવાની કઈ સિસ્ટમે આવી ઐતિહાસિક સફળતા અપાવડાવી છે...

થોડાક મહિના પહેલાંની જ વાત છે. મુંબઈ પોલીસના એક કામે ઇન્ટરનેટ પર દેકારો બોલાવી દીધો હતો. ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આનંદ મહિન્દ્ર પણ એ ઘટના માટે મુંબઈ પોલીસનાં વખાણ કરતાં જાતને રોકી નહોતા શક્યા. બન્યું એવું કે સોલાપુરમાં રહેતો એક પરિવાર મુંબઈ આવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પરથી તેમની ૪ વર્ષની દીકરી આરોહી અચાનક તેમની આંખ સામેથી ગાયબ થઈ ગઈ. આરોહીના પપ્પાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે પરિવાર મુંબઈ આવ્યો હતો અને CSMT પર આરામ કરી રહ્યો હતો. દીકરીને આજુબાજુમાં શોધી પણ કોઈ ખબર ન મળી એટલે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. મુંબઈ પોલીસે મોટા પાયે સર્ચ-ઑપરેશન શરૂ કર્યું. મુંબઈના હજારો CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં. ફુટેજમાં દેખાયું કે અપહરણકર્તા બાળકીને લઈને રેલવે-સ્ટેશન તરફ જઈ રહ્યો છે. પોલીસટીમે જોયું કે તે વ્યક્તિ કઈ ટ્રેનમાં બેઠો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રથી લઈને ઉત્તર પ્રદેશ સુધીના દરેક મુખ્ય સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં. તપાસનો છેડો વારાણસી સુધી પહોંચ્યો. તાત્કાલિક એક સ્પેશ્યલ ટીમ વારાણસી મોકલવામાં આવી. આ ટીમે ત્યાં સતત ૧૫ દિવસ સુધી અન્ડરકવર રહીને કામ કર્યું. સ્થાનિક હિન્દી પત્રકારો અને આશ્રમોની મદદ લીધી. જુદાં-જુદાં શહેરોમાં પોસ્ટર્સ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યાં. જુદા-જુદા સ્ટેટ સાથે કો-ઑર્ડિનેટ કરવામાં આવ્યું. ઘણાબધા પોલીસ-ઑફિસરો આ કામમાં લાગેલા હતા. આખો મામલો ત્યારે ઉકેલાયો જ્યારે આ પ્રયાસો વચ્ચે વારાણસીના એક પત્રકારે એક નાનકડી દીકરીને મરાઠીમાં વાત કરતી જોઈ. આ દીકરીનો મિસિંગ ચાઇલ્ડ તરીકેનો ફોટો આ પત્રકારે જોયો હતો. તેણે તરત જ પોલીસમાં ઇન્ફૉર્મ કર્યું. પચાસ પોલીસ-અધિકારીઓના ઇન્વૉલ્વમેન્ટ સાથે લગભગ છ મહિનાની તપાસ બાદ આ દીકરીની ખબર પડી અને પેરન્ટ્સ સાથે તેનું રીયુનિયન થયું. કિડનૅપર આ બાળકીને અનાથાશ્રમમાં મૂકી ગયો હતો જેનું ત્યાં કાશી નામ રાખી દેવામાં આવ્યું હતું. જોકે મુંબઈ પોલીસ કાશી સુધી પહોંચી ગઈ. મિશનમાં સામેલ અધિકારીઓને ખુદ જૉઇન્ટ પોલીસ-કમિશનર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આવો જ એક લેટેસ્ટ કિસ્સો બન્યો જેમાં ૧૫ વર્ષના બબલુ ગુપ્તાનું અપહરણ થયું. છેલ્લા ૬ મહિનાથી તેની શોધખોળ ચાલી રહી હતી. તપાસ દરમ્યાન તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઑપરેટ કર્યું હતું એની ખબર પડી. એ આધારે ટેક્નિકલ માહિતી મેળવતાં જાણવા મળ્યું કે આ છોકરો કાનપુર ખાતે છે. માહિતી મળતાં જ દિંડોશી પોલીસની એક ટીમ તાત્કાલિક કાનપુર રવાના કરવામાં આવી. કાનપુરમાં તપાસ કરતાં ખબર પડી કે તે ત્યાંથી ૩૦૦ કિલોમીટર દૂર એક ગામમાં ગયો છે. ટીમ ત્યાં પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી શોધખોળ કરવામાં આવી. આ તપાસમાં છોકરો ઉત્તર પ્રદેશથી સહીસલામત મળી આવ્યો હતો. કાયદેસરની તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ છોકરાને તેના વાલીઓને સોંપવામાં આવ્યો છે. ઑપરેશન શોધ અંતર્ગત આવા એકલ-દોકલ નહીં પણ સેંકડો કેસ સૉલ્વ થયા છે. મુંબઈ પોલીસના કાયદો અને વ્યવસ્થાના જૉઇન્ટ પોલીસ-કમિશનર સત્યનારાયણ ચૌધરીએ શરૂ કરેલી આખી સિસ્ટમનું આ પરિણામ છે. મુંબઈ પોલીસની શાખ આખી દુનિયામાં વધારવાનું કામ જેણે કર્યું છે એવી આ સિસ્ટમ શું છે અને કઈ રીતે કામ કરે છે એ વિષય પર ચર્ચા કરીએ.

મુખ્ય કારણ
મુંબઈમાં મિસિંગ ચાઇલ્ડનું મળવું મોસ્ટ્લી મુમકિન જેવું બન્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલાં કુલ ૨૧૮૪ બાળકોમાંથી ૨૧૬૮ બાળકોને શોધી કાઢવામાં આવ્યાં છે. એટલે કે ૯૮ ટકાથી વધુ સક્સેસ-રેટ છે. મુંબઈ જેવા બે કરોડની વસ્તી ધરાવતા મહાનગરમાં જ્યાં રેલવે-સ્ટેશનો પર લાખો લોકોની ભીડ હોય અને ગલીઓનો કોઈ અંત ન હોય ત્યાં એક ગુમ થયેલા બાળકને શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા સમાન છે. જોકે મુંબઈ પોલીસે આને મિશન બનાવી દીધું છે. આ આખી સિસ્ટમના કેન્દ્રમાં છે ૨૦૦૪ બૅચના IPS મૂળ રાજસ્થાનના સત્યનારાયણ ચૌધરી. મુંબઈના આ જૉઇન્ટ પોલીસ-કમિશનરે મિસિંગ ચાઇલ્ડના કેસને ટૉપ પ્રાયોરિટી બનાવી દીધી છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ‘મારાં પોતાનાં બે ટ્વિન્સ બાળકો છે અને મને ખબર છે કે મારાં પોતાનાં સંતાનો જો સ્કૂલ કે ક્લાસમાંથી એક કલાક પણ મોડાં પડે તો અમારી પેરન્ટ્સ તરીકે શું હાલત થતી હોય છે. સંતાનોનું ગુમ થવું એ પેરન્ટ્સ માટે બહુ જ મોટી દુખદ ઘટના છે અને એમાં પોલીસ જો તેમની વહારે ન આવે તો કોણ આવશે? આ જ ઍન્ગલથી અમે રાષ્ટ્રીય સ્તરે પહેલેથી ચાલતા મિશન મુસ્કાનને થોડુંક આગળ વધાર્યું અને ઑપરેશન શોધ શરૂ કર્યું. એમાં અમે બધી જ ઍડ્વાન્સ ટેક્નૉલૉજી અને ઇન્ટર્નલ કનેક્ટિવિટીને સામેલ કરી છે.’

શું છે આખી સિસ્ટમ?
૧૧,૦૦૦થી વધુ કૅમેરા દ્વારા એ જોવામાં આવે છે કે બાળક કયા પ્લૅટફૉર્મ પર ગયું અને કઈ ટ્રેનમાં બેઠું. ઘણી વાર ટ્રેન આગલા સ્ટેશને પહોંચે એ પહેલાં જ પોલીસ ત્યાં હાજર હોય છે. એ સિવાય મુંબઈના ૯૩ પોલીસ-સ્ટેશનોમાં જો કોઈ કેસ ૭ દિવસથી વધુ પેન્ડિંગ રહે તો એ સીધો હેડક્વૉર્ટરના રડાર પર આવી જાય છે. સત્યનારાયણ ચૌધરી કહે છે, ‘હું પોતે સતત દરેક પોલીસ-સ્ટેશન સાથે આ પ્રકારના કેસમાં ટચમાં રહું છું અને વીકલી રિપોર્ટ પર પણ ધ્યાન આપું છું. તપાસને વધુ સચોટ બનાવવા માટે પોલીસે વયમર્યાદા મુજબ પાંચ કૅટેગરી બનાવી છે. ૦થી પાંચ વર્ષ, પાંચથી ૧૦ વર્ષ, ૧૦થી ૧૪ વર્ષ, ૧૪થી ૧૬ વર્ષ, ૧૬થી ૧૮ વર્ષ. પાંચ વર્ષથી નાનાં બાળકો પોતાનું નામ કે ઘરનું સરનામું સરખું કહી શકતાં નથી એટલે તેમની તપાસ વધુ મહત્ત્વની બને છે. આ કૅટેગરીમાં અમે સતત ૧૦૦ ટકા રિકવરી-રેટ જાળવી રાખ્યો છે. ગયા વર્ષે નોંધાયેલા આવા ૨૩ કેસમાંથી બાવીસ બાળકો હેમખેમ પાછાં આવ્યાં છે. એક કેસમાં દુર્ઘટનાવશ બાળકનું ગટરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ૨૦૨૬ના શરૂઆતના મહિનાઓમાં પણ પાંચ વર્ષથી નીચેનાં ૭ બાળકો ગુમ થયાં હતાં અને અમે તમામ સાતને હેમખેમ શોધી કાઢ્યાં છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે ગુમ થવાની ફરિયાદ પોલીસ ૨૪ કલાક પછી જ લે છે, પણ એ હકીકત નથી. બાળક ગુમ થાય એટલે તરત જ ફરિયાદ નોંધાવવી અનિવાર્ય છે. પોલીસ એને કિડનૅપિંગનો કેસ ગણીને જ તપાસ શરૂ કરે છે. આ માટે ખાસ ડેડિકેટેડ ઑફિસર્સની નિમણૂક કરવામાં આવે છે, જેમને અન્ય કોઈ ડ્યુટી સોંપવામાં આવતી નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય બાળકને શોધવાનું હોય છે. ૨૦૨૬ના વર્ષમાં અત્યાર સુધીમાં ૧૭૮ બાળકો ગુમ થવાની ફરિયાદ મળી હતી જેમાંથી ૧૬૧ બાળકોને શોધી લેવામાં આવ્યાં છે. જે ૧૭ બાળકો હજી બાકી છે તે તમામ ૧૬થી ૧૮ વર્ષની વયનાં છે અને તેમના માટે પણ સ્પેશ્યલ ટીમો કાર્યરત છે.’

સંવેદનશીલતા મહત્ત્વની
મુંબઈ પોલીસની આ કાર્યશૈલીમાં માત્ર ટેક્નૉલૉજી નથી, સંવેદનશીલતા પણ છે. પોલીસ-સ્ટેશનમાં જ્યારે કોઈ બાળક રડતું-કકળતું આવે અથવા કોઈ ગુમ થયેલું બાળક મળે ત્યારે પોલીસનો પહેલો ધર્મ તપાસ નથી હોતો પણ સાંત્વન હોય છે. ઘણી વાર મુંબઈ પોલીસના જવાનો પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને બાળકને તેની પસંદગીની ચૉકલેટ કે આઇસક્રીમ ખવડાવે છે અથવા રમકડું અપાવે છે જેથી તેનો ડર દૂર થાય. સત્યનારાયણ ચૌધરી કહે છે, ‘જો કોઈ ટીમ અન્ય રાજ્યમાં બીજા ગુનાની તપાસ માટે ગઈ હોય અને ત્યાં કોઈ ગુમ થયેલા બાળકની લીડ મળે તો તેમને તાત્કાલિક એ કેસમાં ડાઇવર્ટ કરવામાં આવે છે. અંતે તો અમારા માટે દરેક ગુમ થયેલું બાળક કોઈ ફૅમિલીનું આખું વિશ્વ છે અને એ વિશ્વને સુરક્ષિત પાછું લાવવું એ જ અમારો ધર્મ છે. ગુમ થયેલાં બાળકોના ડેટાબેઝ સાથે મેળ ખાતા ચહેરાઓ ઓળખવા ટેક્નૉલૉજી વાપરીએ છીએ.  રાષ્ટ્રીય પોર્ટલ પર ડેટા અપડેટ કરીને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીએ. દરેક રીજનમાં ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ બનાવીને બાળકોની તસ્કરી રોકવા પર ભાર મૂકીએ છીએ.’

બે કરોડ મુંબઈકરો પર પોલીસની આંખ
મુંબઈ પોલીસનું ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ દુનિયાભરમાં જાણીતું છે. જ્યારે પોલીસ કોઈ મિસિંગ પોસ્ટ શૅર કરે છે ત્યારે લાખો મુંબઈકરો એને રીશૅર કરે છે. ઘણી વાર ફુટપાથ પર કે સિગ્નલ પર એકલા દેખાતા બાળકનો ફોટો પાડીને જાગૃત નાગરિકો પોલીસને ટૅગ કરે છે. ૨૦૨૬ના ફેબ્રુઆરીમાં જ એક ટ્વિટર યુઝરની સતર્કતાને કારણે માહિમથી ગુમ થયેલું બાળક માત્ર બે કલાકમાં મળી આવ્યું હતું. મુંબઈની લાઇફલાઇન એટલે લોકલ ટ્રેન ગુનેગારો માટે ભાગવાનો રસ્તો છે. બાળક ગુમ થતાં જ મુંબઈ પોલીસનું રેલવે નેટવર્ક ઍક્ટિવ થઈ જાય છે. મુંબઈ પોલીસનાં વૉટ્સઍપ ગ્રુપ્સ દ્વારા ગણતરીની સેકન્ડોમાં બાળકની તસવીર તમામ સ્ટેશન-માસ્ટરો, ટ્રેનગાર્ડ્સ અને પ્લૅટફૉર્મ પરના જવાનોને પહોંચી જાય છે.

પેરન્ટ્સ માટે મુંબઈ પોલીસની ખાસ સલાહ
- નાના બાળકના ખિસ્સામાં હંમેશાં તમારો મોબાઇલ-નંબર લખેલી એક નાની ચિઠ્ઠી રાખો.
- મોબાઇલમાં હંમેશાં બાળકનો એક લેટેસ્ટ ફોટો રાખો, જેથી જરૂર પડે ત્યારે પોલીસને તરત આપી શકાય.
- જો બાળક ગુમ થાય તો ૨૪ કલાકની રાહ જોયા વગર તરત ૧૦૦ અથવા ૧૧૨ નંબર ડાયલ કરો. મોડું કરવાથી લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 06:15 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK