દહિસરનું જમ્બો કોવિડ સેન્ટર પાંચ દિવસ બાદ શરૂ થતાં રસી મુકાવવા લોકોએ પડાપડી કરતાં પોલીસે આવીને મામલો થાળે પાડવો પડ્યો : આ બધામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોની તો ટોટલ ઐસીતૈસી કરાઈ
દહિસરમાં આવેલું જમ્બો કોવિડ વૅક્સિનેશન સેન્ટર ગઈ કાલે શરૂ થતાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
મુંબઈમાં વૅક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ ન હોવાથી ગયા શુક્રવારથી દહિસરમાં આવેલું જમ્બો કોવિડ વૅક્સિનેશન સેન્ટર બંધ પડ્યું હતું. સેન્ટરની બહાર કોઈ માહિતી આપવામાં આવી ન હોવાથી લોકો છેલ્લા ચાર-પાંચ દિવસથી સેન્ટર પર આવી ચક્કર મારી નિરાશ થઈને જતા રહેતા હતા. જોકે ગઈ કાલે ઘણા દિવસો બાદ વૅક્સિન સેન્ટર બપોરથી શરૂ કરવામાં આવ્યું હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અડધો કિલોમીટરથી વધુ લાંબી લાઇન લગાવીને લોકો ઊભા હતા. સેન્ટરના ગેટ પાસે લોકો એકઠા થતાં પોલીસે તેમને દૂર કરવા આવવું પડ્યું હતું. જાણકારીના અભાવે ભીડ જોવા મળી હતી અને અનેક લોકોએ પાછા જવું પડ્યું હતું. વૅક્સિન લેવાના ચક્કરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. બીકેસી વૅક્સિનેશન સેન્ટરમાં પણ લોકોની ખાસ્સીએવી ભીડ જોવા મળી હતી.
દહિસરના વૅક્સિનેશન સેન્ટરમાં બપોરે ૧૨ વાગ્યા બાદ ડોઝ આપવામાં આવી રહ્યો હોવા છતાં લોકો સવારે આઠ વાગ્યા પહેલાં જ લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. સેન્ટરમાંથી ૩,૦૦૦ ટોકન અપાયા હતા જેમાંથી બે હજાર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરેલા નાગરિકો હતા. ૪૫ વર્ષથી વધુ વયજૂથના લોકોને પહેલો કે બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. રજિસ્ટ્રેશન કર્યા વગર લોકો કાંદિવલી અને મલાડથી પણ આવી રહ્યા હોવાથી વધુ ભીડ ઊમટી હતી. હવે આજે સવારે સાત વાગ્યે લાઇનમાં ઊભા રહેલા લોકોને સવારે નવ વાગ્યે ટોકન મળવાના છે.
કાંદિવલીથી આ સેન્ટર પર આવેલા રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે ‘મારી ઉંમર ૬૬ વર્ષની છે. હેલ્પલાઇન નંબર ન લાગતાં મારે એકલા અહીં સુધી આવવું પડ્યું હતું. અહીં પહોંચ્યા બાદ જાણકારી મળી કે ટોકન સવારના આપી દીધા હતા. હવે આજે સવારના સાત વાગ્યાથી લાઇન લગાવવાની અને નવ વાગ્યે ટોકન આપવાનું શરૂ થશે. એટલે આજે ફરી આવવું પડશે. એ પછી પણ ખબર નથી કે ટોકન મળશે કે નહીં. આ ઉંમરે લાઇનમાં પણ કેવી રીતે ઊભો રહીશ એ સમજાતું નથી.’
ADVERTISEMENT
સિનિયર સિટિઝન અને દિવ્યાંગ લોકો મોટી સંખ્યામાં સેન્ટર પર પહોંચ્યા હતા.
ઓમપ્રકાશ પોતાની માતાને લઈને આ સેન્ટરમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘મને સમજાતું જ નથી શું કરવાથી મમ્મીને વૅક્સિન મળશે. મારાં મમ્મીની ઉંમર ૭૩ છે. સેન્ટર બહારની પરિસ્થિતિ જોઈને લાગે છે કે બધા કોરોનાથી બચવા વૅક્સિન લેવા આવ્યા છે, પણ અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગનું જરાય પાલન કરવામાં આવી રહ્યું નથી. મમ્મીને લઈને આવી લાઇનમાં ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે.’
દહિસરમાં રહેતાં ૭૨ વર્ષના બિપિન દેસાઈ નિવૃત્ત બૅન્ક અધિકારી છે. તેમણે જણાવ્યું હતું કે ‘છેલ્લા અનેક દિવસથી બીજા ડોઝની રાહ જોઈ રહ્યો છું. બોરીવલીની ભગવતી હૉસ્પિટલમાં વહેલી સવારે ટોકન આપવામાં આવે છે અને એ પણ મર્યાદિત. દહિસર વૅક્સિનેશન સેન્ટર પર ગયો તો છેલ્લા ચાર દિવસથી એ પણ બંધ હતું અને હેલ્પલાઇન નંબર પણ સતત પ્રયત્ન કરવા છતાં લાગતો નથી આ ઉંમરે કોવિડના ભય હેઠળ આટલે સુધી જવામાં પણ તકલીફ પડે છે. ગઈ કાલે સેન્ટર પર ગયો હતો, પરંતુ લાંબી લાઇન જોઈને જ ઊભા રહેવાની હિંમત થઈ નહોતી. પ્રથમ ડોઝ લીધો ત્યારે કેટલા દિવસ પછી બીજો ડોઝ લેવાનો એની સૂચના આપી હતી એથી લોકોને એમ થયું કે સમય પર બીજો ડોઝ નહીં લેવામાં આવે તો પહેલા ડોઝનો કોઈ અર્થ નહીં રહે. આ કારણે અહીં ભીડ જોવા મળી રહી છે.’
દહિસરમાં રહેતાં જ્યોતિ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પગની તકલીફ છે અને કોરોનાનો ડર પણ છે. આ સમયે વૅક્સિન સેન્ટર સુધી જઈએ ત્યારે જાણકારી મળે કે એ બંધ છે. ગઈ કાલે સેન્ટર શરૂ થવાની વાત સાંભળતાં ખૂબ આશા લઈને ગઈ, પરંતુ ભીડ એટલી હતી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ જરાય ન હોવાથી પાછા ઘરે જવું વધુ સુરિક્ષત લાગ્યું હતું. સિનિયર સિટિઝનો અને શારીરિક તકલીફ હોય તેમને સગવડ આપવી જોઈએ.’ દહિસર જમ્બો કોવિડ સેન્ટરમાંથી ગઇ કાલે વૅક્સિનેશન માટે 3000 ટોકન અપાઈ હતી.

