રહેવાસીઓ ગલીઓના ખૂણામાં કચરો ફેંકવાનું બંધ ન કરી શકવાથી પોતાને નિ:સહાય અનુભવે છે જેને કારણે સાયનની ગલીઓ ‘બ્લૅક સ્પૉટ્સ’ બની ગઈ છે.
સાયનની ગલીઓમાં જમા થયેલી ગંદકી.
સાયનની ગલીઓમાં ઘણા ખૂણાઓ પર કચરાના ઢગલાથી આ વિસ્તાર બ્લૅક સ્પૉટ બની ગયો છે. જોકે આજથી સાયનની એક બિનસરકારી સંસ્થા મુંબઈ સસ્ટેનેબિલિટી ફોરમે સાયનના વિસ્તારોને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે અને રહેવાસીઓમાં આ મુદ્દે જાગરૂકતા લાવવા માટેની પહેલ કરી છે. સાયનને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આ સંસ્થાએ આજે સાયન જૈન સોસાયટીના સ્થાનકવાસી જૈન ભુવનની સામે બ્લૅક સ્પૉટને તેમના પ્રથમ પ્રોજેક્ટ તરીકે લીધો છે જેના માટે તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે જૈન ભુવન પાસે એક મીટિંગ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં તેઓ દ્વારા શા માટે રહેવાસીઓ કચરો અને ગંદકી ગલીના ખૂણાઓ પર નાખે છે એનાં કારણો પર ચર્ચા કરવામાં આવશે.
આ બાબતની માહિતી આપતાં મુંબઈ સસ્ટેનેબિલિટી ફોરમના સક્રિય સભ્ય અને વેસ્ટ મૅનેજમેન્ટની સ્પેશ્યલિટી ધરાવતા સ્થાનિક રહેવાસી સૌરભ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયનની ગલીઓમાં કચરાના ઢગલા જોઈને લોકો નિરાશ થાય છે. રહેવાસીઓ ગલીઓના ખૂણામાં કચરો ફેંકવાનું બંધ ન કરી શકવાથી પોતાને નિ:સહાય અનુભવે છે જેને કારણે સાયનની ગલીઓ ‘બ્લૅક સ્પૉટ્સ’ બની ગઈ છે. લોકો પોતાનો કચરો રોડ પર ફેંકતા પહેલાં બે વાર પણ વિચારતા નથી. સ્વચ્છ સ્થાનને સ્વચ્છ રાખવું અને ગંદા સ્થાનને ગંદું બનાવવું એ માનવીય સ્વભાવ છે. અમારી ફોરમે આથી બ્લૅક સ્પૉટ્સની ઓળખ, ત્યાં કચરો ફેંકવાનાં કારણો અને એનો કાયમી ઉકેલ શોધવા માટે રહેવાસીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કામ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જોકે આ પ્રોજેક્ટમાં સ્થાનિક રહેવાસીઓના સાથસહકાર વગર સફળ થવું અશક્ય છે. આથી જ અમે સ્થાનિક રહેવાસીઓ સાથે આજે સ્થાનકવાસી જૈન ભુવન પાસે એક સંવાદ-મીટિંગનું આયોજન કર્યું છે જેમાં હાજર રહેલા લોકો આ મુદ્દે તેમના વિચારો રજૂ કરશે. સુધારણા માટે તેમના સમર્થન સાથે ઉકેલની પણ ચર્ચાવિચારણા કરશે. અમારી ફોરમનું નેતૃત્વ નિવૃત્ત IAS ઑફિસર સંજય ઉભાલે અને IIT-બૉમ્બેના પ્રોફેસર કવિ આર્ય જેવી જાણીતી વ્યક્તિઓ કરી રહી છે.’

