Mumbai News: આ ઘટના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) નજીક નમાજ સમિતિ મસ્જિદ પાસેના ભારત નગર વિસ્તારમાં સવારે ૫.૫૬ કલાકેબની હતી.
ઘટનાસ્થળ (સૌજન્ય: સમીર આબેદી)
મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં આજે વહેલી સવારે દુર્ઘટના બની હતી. અહીં ત્રણ માળની એક ચાળમાં મકાન ધરાશાયી (Mumbai News) થયું હતું. આ દુર્ઘટનામાં ૧૦ જેટલાં લોકો કાટમાળ નીચે દબાઈ ગયાં હોવાની શંકા છે. સિવિક અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું કે આ ઘટના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) નજીક નમાજ સમિતિ મસ્જિદ પાસેના ભારત નગર વિસ્તારમાં સવારે ૫.૫૬ કલાકેબની હતી.
જે મકાનનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે તે અંગે વાત કરીએ તો ચાળ નં. ૩૭માં એક ગ્રાઉન્ડ-પ્લસ-ત્રણ માળનું રહેણાંક મકાન હતું તે ધરાશાયી થયું છે. હાલમાં અહીં મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાસ્થળે આઠ ફાયર એન્જિન, રેસ્ક્યૂ વૅન અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ સ્થળનાં દૃશ્યો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે જેમાં અધિકારીઓ બચાવ કામગીરીમાં જોતરાયેલા જોપવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
જોકે આ મકાનના ધરાશાયી (Mumbai News) થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાયું નથી. ચોમાસાની મોસમ દરમિયાન મુંબઈમાં આવી ઘટનાઓ પહેલાં પણ બનતી જ આવી છે. ખાસ કરીને જૂની ઇમારતોમાં આવી ઘટનાઓનો ભોગ બને છે.
હાલ સુધીમાં કાટમાળ નીચેથી સાત લોકોને બચાવી લેવાયાં છે
અત્યાર સુધીમાં સાત વ્યક્તિઓને કાટમાળ (Mumbai News) નીચેથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા છે અને બાંદ્રાની સિવિક સંચાલિત ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્વાસ્થ્યસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
વિવિધ એજન્સીઓ દ્વારામોટા પાયે બચાવ કામગીરી
મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી), મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએચએડીએ), પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી) સહિતની અનેક ટીમો અને પ્રાઇવેટ ગ્રુપ અદાણીના ઇમરજન્સીનાં કર્મચારીઓ પણ બચાવ કામગીરીમાં જોતરાયા છે. સ્થાનિક બિલ્ડિંગ સ્ટાફ પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. એક સિનિયર ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, "લોકોને કાટમાળ નીચેથી શોધવાની અને બચાવ કામગીરી (Mumbai News) હજુ પણ ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કારણ કે ટીમો કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે."
અન્ય એક ઘટના: થાણેમાં છઠ્ઠા માળના બેડરૂમનો સ્લેબ નીચેના ફ્લેટ પર પડ્યો, કોઈને ઈજા થઈ નથી
થાણે વેસ્ટમાં ગ્રાઉન્ડ-પ્લસ-સેવન રહેણાંક બિલ્ડિંગમાં એક ફ્લેટના બેડરૂમનો સ્લેબ ગુરુવારે સાંજે નીચેના ફ્લેટ પર પડી ગયો હતો, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, એમ એક સિવિક અધિકારીએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટના ઉથલસર નાકામાં અનિકેત સોસાયટી ખાતે સાંજે ૭.૪૫ કલાકે બની હતી.

