ભારે વરસાદને પગલે પોલાદપુરથી મહાબળેશ્વરનો રસ્તો બંધ : આગામી ચાર દિવસમાં વરસાદનું જોર વધવાની આગાહી
પોલાદપુરથી મહાબળેશ્વર જતા રસ્તામાં આંબેનાળ ઘાટ પર પથ્થર-કીચડ રસ્તા પર ધસી આવ્યાં હતાં, જેને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આ ચોમાસામાં ગયા અઠવાડિયે મધ્યમ વરસાદ હતો ત્યારે મોટી સંખ્યામાં મુંબઈગરાઓએ તેમનાં ફેવરિટ હિલ સ્ટેશનો મહાબળેશ્વર અને લોનાવલા જઈને ચોમાસાની મજા માણી હતી. આ વીક-એન્ડમાં જો તમે એવો પ્લાન કર્યો હોય તો અધવચ્ચે ફસાઈ જાઓ કે હિલ સ્ટેશન પર પહોંચીને પણ બહાર નીકળી ન શકો એવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે, કારણ કે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મહાબળેશ્વરમાં ગઈ કાલે ૨૫૦ એમએમથી વધુ તો લોનાવલામાં સતત બીજા દિવસે પણ ૨૧૦ એમએમ વરસાદ નોંધાયો હતો. મુંબઈ નજીકના માથેરાનમાં તો ૩૪૨ એમએમ એટલે કે ૧૩.૬ ઇંચ વરસાદ પડ્યો હતો એટલે અહીં પણ જવા જેવું નથી.
કોંકણ અને સહ્યાદ્રિના ઘાટમાં આવતા મહાબળેશ્વર ખાતે મંગળવારે રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો, જેને પગલે અહીંના પોલાદપુરથી મહાબળેશ્વરના માર્ગમાં આવતા આંબેનળી ઘાટમાં પથ્થરો ખસકીને રસ્તામાં આવી ગયા હતા. સ્થાનિક મહાડ પ્રશાસને ચારેક કલાક મહેનત કરીને આ પથ્થરો અને કીચડ રસ્તામાંથી હટાવ્યાં હતાં ત્યારે ગઈ કાલે સવારના ફરી પથ્થર અને કીચડ રસ્તામાં ધસી આવ્યાં હતાં. આથી પોલાદપુરથી મહાબળેશ્વરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાયગડ અને મહાડ પ્રશાસન દ્વારા મહાબળેશ્વર તરફ જવા માગતા લોકો રસ્તામાં અટવાઈ ન જાય એ માટે રસ્તો ગઈ કાલે સવારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. પાંચેક કલાકના અંતરે અહીં બે વખત પથ્થર અને કીચડ રસ્તામાં ધસી આવવાથી અનેક વાહનો બંને દિશામાં અટવાઈ ગયાં હતાં. રાયગડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ઇન્ચાર્જ સાગર પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવામાન વિભાગની આગાહી કરતાં પણ વધુ પ્રમાણમાં અહીં વરસાદ થવાથી મહાબળેશ્વર જવા માટેના પોલાદપુર રસ્તામાં બે વખત પહાડ પરથી પથ્થર અને કિચડ ધસી આવ્યાં હતાં. આથી વાહનવ્યવહાર અટવાઈ ગયો હતો. સ્થાનિક પ્રશાસન દ્વારા રસ્તો સાફ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ ભારે વરસાદ ચાલુ છે અને આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે એટલે સાવચેતી ખાતર આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. આથી મહેરબાની કરીને કોઈ આ રસ્તે મહાબળેશ્વર તરફ ન જતા. ઘાટ વિસ્તાર ચોમાસામાં જોખમી બની જાય છે એટલે પણ લોકોએ ભારે વરસાદ થતો હોય ત્યારે બહાર નીકળવું ન જોઈએ. મહાડ, પોલાદપુર અને મહાબળેશ્વરમાં એક રાતમાં જ ૨૫૦ એમએમ એટલે કે દસ ઇંચ વરસાદ નોંધાયો છે.’


