મેટ્રો-3નાં તમામ સ્ટેશનો પર આ ઍપથી ફ્રી વાઇફાઇ મળશે
ફાઇલ તસવીર
મુંબઈની પહેલી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3ની શરૂઆત સાથે સૌથી પહેલી ફરિયાદ નેટવર્ક ન મળતું હોવાની થઈ હતી. હવે મેટ્રો સ્ટેશનોના કૉન્કૉર્સ એરિયામાં ફ્રી વાઇફાઇ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ‘મેટ્રો કનેક્ટ 3’ ઍપ દ્વારા ફ્રી વાઇફાઇ મેળવી શકાશે, જેને લીધે મેટ્રો-3 માટે ઑનલાઇન ટિકિટ બુકિંગ પણ થઈ શકશે.
મેટ્રો-3 અન્ડરગ્રાઉન્ડ હોવાને કારણે મોબાઇલ નેટવર્ક મળતું નહોતું, જેને કારણે મુસાફરો મોબાઇલનો ઉપયોગ નહોતા કરી શકતા. એને કારણે સૌથી મોટી સમસ્યા ટિકિટ કાઉન્ટર પર થઈ હતી જ્યાં લોકોને માત્ર રોકડ રૂપિયામાં જ ટિકિટ લેવાની ફરજ પડી હતી. આ બધી સમસ્યા મેટ્રો-3ના શરૂઆતના બન્ને ફેઝ વખતે પણ સામે આવી હતી એથી મેટ્રો-3નાં બધાં જ સ્ટેશનોને આવરી લેતી યુઝર-ફ્રેન્ડ્લી ઍપ લૉન્ચ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વાઇફાઇ ઍક્સેસ થતાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ પણ કરી શકાશે. મુંબઈના બધા જ ટ્રાન્સપોર્ટ વિકલ્પોને જોડતી ટિકિટ બુકિંગ ઍપ મુંબઈ વન ઍપ પણ ઇન્ટરનેટની મદદથી યુઝ કરી શકાશે. એટલે પ્રવાસીઓ મુંબઈ વન ઍપ અથવા વૉટ્સઍપ ચૅટ બૉક્સની મદદથી પણ મેટ્રોની ટિકિટ કઢાવી શકશે.
૩૦,૦૦૦ લોકોએ મુંબઈ વન ઍપ ડાઉનલોડ કરી
મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMOCL)એ લૉન્ચ કરેલી મુંબઈ વન ઍપ બુધવારે સવારે પાંચ વાગ્યાથી ડાઉનલોડ માટે અવેલેબલ હતી. પહેલા દિવસે ૩૦,૦૦૦થી વધુ મુંબઈગરાઓએ ઍપ ડાઉનલોડ કરી હતી. ઍપ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી હોય એવી અનેક ફરિયાદ પ્રવાસીઓએ સોશ્યલ મીડિયા પર કરી હતી. એની કેટલીક ટેક્નિકલ ખામી ઉકેલ્યા બાદ શુક્રવારે ઍપ સહેલાઈથી ચાલતી હોવાનું MMOCLએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું. આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધીનો મેટ્રો-3નો અંતિમ તબક્કો શરૂ થયાના પહેલા દિવસે મેટ્રો વન ઍપમાં નવાં ૧૧ સ્ટેશનો દેખાતાં જ નહોતાં એટલે આ સ્ટેશનો માટે ઍપથી ટિકિટ કઢાવી શકાઈ નહોતી, પણ શુક્રવારે ઍપની ટેક્નિકલ ખામી દૂર કરીને નવાં ૧૧ સ્ટેશનો ઉમેરવામાં આવ્યાં હતાં.
પહેલા જ દિવસે અનેક ફ્લૅપ-બૅરિયર જૅમ થયાં
મેટ્રો-3 સ્ટેશનમાં જવા-આવવા માટેનાં ફ્લૅપ-બૅરિયર જૅમ થઈ જતાં પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. ચર્ચગેટ સ્ટેશન પર પહેલા જ દિવસે સાંજે પીક-અવર્સમાં સર્જાયેલી ખામીને કારણે મેટ્રોના કર્મચારીઓએ મૅન્યુઅલી ફ્લૅપ ઓપન કરવાં પડ્યાં હતાં, કેમ કે એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પર પ્રવાસીઓની લાંબી લાઇન લાગી ગઈ હતી.


