મુંબઈને ગેરકાયદે બૅનરો-પોસ્ટરોથી મુક્ત કરાવવા મેદાનમાં ઊતર્યાં મેયર રિતુ તાવડે, શરૂઆત પોતાના જ વૉર્ડમાં અને પોતાના જ પક્ષનાં બૅનર હટાવીને કરી
પોતાનો જ ફોટો ધરાવતું BJPનું બૅનર કઢાવતાં અને પોસ્ટર ફાડતાં રિતુ તાવડે.
મુંબઈને ગેરકાયદે બૅનરોથી મુક્ત બનાવવા માટે BMC દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મુંબઈનાં મેયર રિતુ તાવડે ગઈ કાલે સવારે રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને કડક કાર્યવાહી કરી હતી. તેમણે ‘શાડૂબાપ્પા ૧૦ દિવસ, ‘ફ્લેક્સમુક્ત મુંબઈ’ 365 દિવસ’ના સંકલ્પ સાથે આ ઝુંબેશની શરૂઆત પોતાના જ વૉર્ડમાંથી કરી હતી. રિતુ તાવડે ઘાટકોપર-ઈસ્ટના વૉર્ડ-નંબર ૧૩૨નાં કૉર્પોરેટર છે. મેયરે BJPના નવા મતદાતા નોંધણી કાર્યક્રમનાં ગેરકાયદે ફ્લેક્સ અને પોસ્ટરો BMCના કર્મચારીઓ સાથે મળીને હટાવ્યાં હતાં. ઘાટકોપરસ્થિત વિક્રાંત સર્કલ અને ગારોડિયાનગર વિસ્તારમાં હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીથી BMCના અધિકારીઓને મોટું બળ મળ્યું છે.
મુંબઈને ફ્લેક્સમુક્ત કરવા માટે BMC દ્વારા કેટલાક કડક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. એમાં અધિકૃત બૅનરો માટે QR કોડ સિસ્ટમ, નિયમોનો ભંગ કરનાર પ્રિન્ટર્સ અને એજન્સીઓને બ્લૅકલિસ્ટ કરવાં તેમ જ ફરિયાદોનું ૭૨ કલાકમાં નિવારણ લાવવું જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મેયરે ભવિષ્યમાં ફરીથી ગેરકાયદે બોર્ડ ન લાગે એ માટે અધિકારીઓને કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. એની સાથે તમામ રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકરો અને નાગરિકોને પક્ષભેદ ભૂલીને મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
રિતુ તાવડેએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે BJP હોય કે વિરોધ પક્ષ, મુંબઈમાં કોઈનાં પણ ગેરકાયદે બૅનરો ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કોઈ પણ પક્ષપાત વગર પોતાના જ પક્ષનાં બૅનરો વિરુદ્ધ કાર્યવાહી કરીને સાબિત કર્યું છે કે આ ઝુંબેશ માત્ર દેખાડો નથી પરંતુ અત્યંત ગંભીર છે.
