Mumbai woman undergoes 8-hour surgery: બિરયાનીમાં રહેલું ચિકન બૉન ગળામાં ફસાઈ જતાં 34 વર્ષીય મહિલાએ સર્જરી કરાવવી પડી. આ ઑપરેશન 8 કલાક ચાલ્યું અને તેના માટે 8 લાખનો ખર્ચ થયો હતો, પરંતુ હોસ્પિટલ દ્વારા આર્થિક સહાય મળતાં 4 લાખમાં સર્જરી પૂર્ણ થઈ.
પ્રતીકાત્મક તસવીર
કુર્લાની 34 વર્ષીય મહિલા, રૂબી શેખ (નામ બદલવામાં આવ્યું છે), માટે બિરયાની ખાવું ભારે પડ્યું. બિરયાનીમાં રહેલું ચિકન બૉન ગળામાં ફસાઈ જતાં તેને 8 કલાક લાંબી સર્જરી કરાવવી પડી. આ ઘટના 3 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી, જ્યારે રૂબી તેના પરિવાર સાથે ભોજન માણી રહી હતી. આ દરમિયાન 3.2 સેન્ટીમીટર લાંબુ ચિકનનું હાડકું ભૂલથી ગળી જવાયું હતું અને ખોટી દિશામાં ફસાઈ જતાં રૂબી માટે ગંભીર તકલીફ ઊભી થઈ.
ગળામાં ફસાઈ ગયેલું હાડકું સર્જરી દ્વારા દૂર કરાયું
ભોજન દરમિયાન ગળામાં હાડકું ફસાઈ જતાં રૂબીને તરત જ ક્રિટિકેર એશિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરોએ એક્સ-રે અને અન્ય ટેસ્ટ કર્યા અને જાણ્યું કે હાડકું ગળાની વચ્ચેના ભાગમાં C4-C5 વરટિબ્રલ ડિસ્ક વચ્ચે ફસાઈ ગયું છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને તાત્કાલિક સર્જરી કરાવવી જરૂરી થઈ પડી હતી.
ADVERTISEMENT
8 કલાકની જટિલ સર્જરી
8 ફેબ્રુઆરીએ ENT સર્જન ડૉ. સંજય હેલાલે અને તેમની ટીમે રૂબીની 8 કલાક લાંબી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. ડૉકટરોએ જણાવ્યું કે, આ પ્રકારના કેસ અસામાન્ય છે અને બહુ ઓછા જોવા મળે છે. સર્જરી દરમિયાન અન્નનળીની હલચલ અથવા એનેસ્થેસિયાના પ્રભાવના કારણે હાડકું ઉપરની તરફ ખસી ગયું હતું. ડૉ. હેલાલે જણાવ્યું કે આ `અસામાન્ય અને અટપટા` કેસને તેઓ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છે.
પરિવાર પર પડ્યો આર્થિક બોજ
રૂબીના પરિવાર માટે આ ઑપરેશન મોટી આર્થિક મુશ્કેલી લઈને આવ્યું. ઑપરેશન માટેનો કુલ ખર્ચ આશરે 8 લાખ રૂપિયા થયો હતો. રૂબીનો પતિ એક લોકલ ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને આટલો મોટો ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ હતો. હૉસ્પિટલ દ્વારા દાનની મદદથી આર્થિક સહાય કરવામાં આવી અને સર્જરીના ખર્ચને અડધો કરી 4 લાખ રૂપિયા કરવામાં આવ્યો.
એક મહિના સુધી આરામ
સર્જરી બાદ ડૉક્ટરોએ રૂબીને એક મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ ઘટના પછી રૂબી શેખે કહ્યું, "હવે હું કદી બિરયાની નહીં ખાઉં. આ અનુભવ એટલો ભયાનક હતો કે હું હવે ક્યારેય બિરયાની બનાવીશ પણ નહીં."
આટલું જ નહીં...
આવી જ એક ચોંકાવનારી ઘટના હૈદરાબાદમાં સામે આવી હતી, જ્યાં એક વ્યક્તિએ કૅડબરી ડેરી મિલ્કની ચૉકલેટમાંથી જીવતો કીડો મળ્યાનો દાવો કર્યો હતો. તે વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વિડિયો શૅર કરતાં તે ઝડપથી વાયરલ થયો. બાદમાં, તેલંગાણા સ્ટેટ ફૂડ લેબોરેટરીએ ચૉકલેટમાં સફેદ કીડાની હાજરીની પુષ્ટિ કરી હતી અને ચૉકલેટને ખાવા માટે અસુરક્ષિત જાહેર કરી હતી. આ પહેલા, 2003માં પણ મુંબઈમાં આવી જ એક ઘટના બની હતી, જે બાદ કૅડબરીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

