મેટ્રો અને મોનોરેલનાં કુલ ૩૧ સ્ટેશનો પર આવી ગયાં છે બૅટરી સ્વૉપિંગ સ્ટેશન
દહિસર મેટ્રો સ્ટેશન પાસેનું બૅટરી સ્વૉપિંગ સ્ટેશન.
મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર છે. જે મુંબઈગરાઓ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાપરે છે તેમનાં વાહનોની ઇલેક્ટ્રિક બૅટરી સ્વૉપ કરવાનો ઑપ્શન અમલમાં મુકાયો છે. એથી જો તેમના ટૂ-વ્હીલરની બૅટરી એક્ઝૉસ્ટ થઈ જાય તો તેમણે એ ચાર્જિંગ પૉઇન્ટ પર ચાર્જ થાય એ માટે કલાકો સુધી રાહ નહીં જોવી પડે. તેઓ નજીકના મેટ્રો કે મોનોરેલ સ્ટેશન સુધી પહોંચી ત્યાં હૉન્ડા કંપનીના લગાડવામાં આવેલા બૅટરી સ્વૉપ સ્ટેશન પર તેમની બૅટરી મૂકીને નવી ચાર્જ કરેલી બૅટરી ઑનલાઇન પેમેન્ટ કરીને ફક્ત બે જ મિનિટમાં લઈ જઈ શકશે. આમ તેમનો સમય પણ બચશે અને પ્રવાસ પણ લાંબો બ્રેક લીધા વગર થઈ શકશે. ખાસ કરીને ડિલિવરી-બૉય અને રોજેરોજ ઈ-બાઇક વાપરનારા અને ફ્લીટ ઑપરેટરો માટે આ ઈ–સ્વૉપિંગ બહુ જ ઉપયોગી સાબિત થશે. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન્સ કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ મુંબઈગરાને આ વિકલ્પ આપીને ક્લીન એનર્જી અને પર્યાવરણને મદદરૂપ થવાની દિશામાં એક કદમ ભર્યું છે.
આ ગ્રીન પહેલ અંતર્ગત મુંબઈનાં ૨૫ મેટ્રો સ્ટેશન અને ૬ મોનોરેલ સ્ટેશન પર હૉન્ડાનાં ઈ-સ્વૉપ બૅટરી સ્વૉપિંગ સ્ટેશન લગાડવામાં આવશે. આમ કરવાથી મુંબઈ હવે એ શહેરોની યાદીમાં જોડાઈ જશે જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ઈ-બૅટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઈ-સ્વૉપિંગ સ્ટેશન ક્યાં-ક્યાં ચાલુ થયાં છે?
મેટ્રો 7 (રેડ લાઇન)નાં સ્ટેશનો : ગુંદવલી, મોગરા, જોગેશ્વરી–ઈસ્ટ, આરે, દિંડોશી, કુરાર, આકુર્લી, પોઇસર, દેવીપાડા અને નૅશનલ પાર્ક
મેટ્રો 2 (યલો લાઇન): દહિસર-ઈસ્ટ, આનંદનગર, કાંદરપાડા, એક્સર, બોરીવલી-વેસ્ટ, શિંપોલી, કાંદિવલી-વેસ્ટ, દહાણુકરવાડી, મલાડ-વેસ્ટ, લોઅર મલાડ, બાંગુરનગર, ઓશિવરા લોઅર, ઓશિવરા, અંધેરી-વેસ્ટ
મોનોરેલ : સંત ગાડગે મહારાજ ચોક, મિન્ટ કૉલોની, નાયગાંવ, વડાલા, ફર્ટિલાઇઝર ટાઉનશિપ અને ચેમ્બુર
સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ટેક્નૉલૉજી સાથે મળીને જનહિતનાં કામ કરશે : દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ હરિત પહેલ બદલ કહ્યું હતું કે ‘અમારી સરકાર આખા મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને ઝડપથી વધારવા પ્રતિબદ્ધ છે. મેટ્રો અને મોનોરેલ સ્ટેશનો પર બૅટરી સ્વૉપિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવાથી ડિલિવરી એજન્ટ, રોજેરોજ ઇલેક્ટ્રિક વેહિકલ વાપરતા લોકો અને ફ્લીટ ઑપરેટર્સને મદદ મળશે. આ એ વાતનું ઉદાહરણ છે કે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ટેક્નૉલૉજી સાથે મળીને કઈ રીતે જનહિતનાં કામ કરી શકે.’


