મુંબઈની હૈદરાબાદ સામેની મૅચમાં રોહિત શર્માની વિકેટની ઉજવણી કરનારનું લાકડી ફટકારીને માથું ફોડી નાખ્યું
માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામેલો ફૅન બંડોપંત તિબિલે અને ઘટનાસ્થળે તપાસ કરી રહેલી પોલીસ.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝન ચાલી રહી છે ત્યારે કોલ્હાપુરમાં એક ક્રિકેટરસિકનો જીવ ગયો હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. બુધવારે મુંબઈ ઇન્ડિયન અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મૅચ રમાઈ હતી. રોહિત શર્મા આઉટ થતાં ચેન્નઈ સુપર કિંગ્સના ૬૩ વર્ષના ફૅન બંડોપંત તિબિલેએ આનંદિત થઈને એની ઉજવણી કરી હતી. ત્યારે તેના પર ઉશ્કેરાઈ ગયેલા મુંબઈ ઇન્ડિયન્સના ફૅન બળવંત મહાદેવ અને સાગર ઝાંજગેએ હુમલો કરીને તેનું માથું ફોડી નાખ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા ચેન્નઈ સુપર કિંગ્સના ફૅનને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં શનિવારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને હુમલો કરનારા મુંબઈ ઇન્ડિયન્સના બન્ને ફૅનની ધરપકડ કરી હતી.

