Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે CCTV કૅમેરા પોતે ફિટ કર્યો એમાં જ જીવલેણ અકસ્માત કેદ થયો આ યુવાનનો

જે CCTV કૅમેરા પોતે ફિટ કર્યો એમાં જ જીવલેણ અકસ્માત કેદ થયો આ યુવાનનો

Published : 14 October, 2026 11:30 AM | Modified : 14 October, 2026 11:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપર-ઈસ્ટમાં નાઇટ-શિફ્ટ દરમ્યાન વિરામ લઈ રહેલા BMCના કૉન્ટ્રૅક્ટ-કર્મચારી વિક્રમ ભાલેકરને એક કાર ટક્કર મારીને ઘસડી ગઈ, પરંતુ કૅમેરાના અસ્પષ્ટ ફુટેજને કારણે પોલીસ હજી સુધી ગાડીની ઓળખ કરી શકી નથી

વિક્રમ ભાલેકર

વિક્રમ ભાલેકર


ઘાટકોપર-ઈસ્ટમાં નાઇટ-શિફ્ટ દરમ્યાન બ્રેક લઈ રહેલા BMCના કૉન્ટ્રૅક્ટરના ૩૬ વર્ષના કર્મચારીને પૂરપાટ ઝડપે આવતી એક ફોર-વ્હીલરનો ડ્રાઇવર ટક્કર મારીને ૧૦-૧૫ ફુટ સુધી ઘસડી ગયો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વિક્રમ ભાલેકરના જીવનની અંતિમ ક્ષણો જે CCTV કૅમેરામાં કેદ થઈ હતી એ તેણે પોતે જ થોડા દિવસો પહેલાં લગાવ્યો હતો.
BMCનાં સફાઈ-વાહનોની બૅટરી અને અન્ય સાધનોની જાળવણીનું કામ કરતા વિક્રમ ભાલેકરનું ૧૦ ઑક્ટોબરે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા સર્વિસ રોડ પર (અદાણી ટાવર પાસે અને ‘સુવિધા’ની સામે) મૃત્યુ થયું હતું. જીવલેણ અકસ્માતનું ફુટેજ હોવા છતાં પોલીસ હજી સુધી વાહન કે તેના ડ્રાઇવરની ઓળખ કરી શકી નથી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભાલેકરની ખોપરી સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. તેના શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીર પર ટાયરના નિશાન પણ જોવા મળ્યાં હતાં.
વિક્રમ ભાલેકર પોતાની પત્ની અને ૬ વર્ષની પુત્રીના ગુજરાન માટે એકસાથે અનેક કામો કરતો હતો. તેના સૌથી મોટા ભાઈ યોગેશે કહ્યું, ‘BMCના સફાઈ-વાહનો સાથેના કામ ઉપરાંત તેણે ઇલેક્ટ્રિશ્યન, 
વાઇ-ફાઇ ઑપરેટર અને ગણપતિની મૂર્તિ સજાવનાર તરીકે પણ કામ કર્યું હતું. તે ઘણી વાર સવાર-સાંજ-રાતની શિફ્ટમાં કામ કરતો હતો જેના કારણે તેને આરામ કરવા માટે બહુ ઓછો સમય મળતો હતો.’ 
પંતનગર પોલીસે આ કેસની તપાસ કરવા અને વાહન તથા એના ડ્રાઇવરને શોધી કાઢવા માટે વિશેષ ટીમો બનાવી છે. પંતનગર 
પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘટનાની અગ્રતાના ધોરણે તપાસ કરવા માટે ૪ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. ‘અમારી ટીમો ઉપલબ્ધ CCTV ફુટેજ દ્વારા દિવસ-રાત તમામ શક્ય પાસાંઓની તપાસ કરી રહી છે. ફુટેજ એટલા અસ્પષ્ટ છે કે અમે વાહન કઈ કંપનીનું છે એ પણ ઓળખી શક્યા નથી છતાં અમે સક્રિયપણે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વાહન અને શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લઈશું.’

પરિવાર ન્યાય અને વળતરની માગણી કરે છે



વિક્રમ ભાલેકરના પરિવાર માટે આ તપાસ માત્ર વાહનની ઓળખ કરવા પૂરતી મર્યાદિત નથી. તેના ભાઈઓ તે વ્યક્તિના મૃત્યુ માટે જવાબદારી નક્કી કરવા માગે છે જેમણે પોતાની નાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે એકસાથે અનેક નોકરીઓ કરી હતી. જિતેન્દ્રએ કહ્યું, ‘છ વર્ષની બાળકી અને તેની મમ્મી હવે તેના એકમાત્ર આધાર વિના રહી ગયાં છે. અમે વિક્રમ માટે ન્યાય અને તેના પરિવાર માટે વળતર ઇચ્છીએ છીએ.’ તેના ભાઈઓએ જણાવ્યું હતું કે ‘મૃત્યુના એક દિવસ પહેલાં વિક્રમ ભાલેકરે તેના વિસ્તારના દેવીના પંડાલને સજાવવામાં અને મૂર્તિની સ્થાપનાની તૈયારીઓમાં મદદ કરી હતી. તેમને ગણપતિ અને દેવીની મૂર્તિઓને સજાવવી ગમતી હતી અને ખૂબ જ કાળજીપૂર્વક એના પર સુશોભન માટેના પથ્થરો તથા સ્ટોન્સ જડતો હતો. 


- ઐશ્વર્યા અય્યર


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK