હજી બેથી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની વેધશાળાની આગાહી
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે હોળી બાદ ગરમીમાં વધારો થાય છે. જોકે ગુરુવારે હોળી છે એ પહેલાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ગઈ કાલે સખત ગરમી અનુભવાતાં મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયા સુધી સામાન્ય રીતે મુંબઈમાં ૩૨ ડિગ્રી જેટલું દિવસનું તાપમાન રહે છે એની સામે અત્યારે ૩૭થી ૩૮ ડિગ્રી એટલે કે પાંચથી છ ડિગ્રી વધુ ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે ગયા શુક્રવારથી મંગળવાર એટલે કે આજ સુધી હીટવેવની આગાહી કરી હતી. એ મુજબ ગઈ કાલે ઉનાળા જેવી લૂ અનુભવાઈ હતી. હવામાન વિભાગે હજી બેથી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે. હીટવેવની આગાહીને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગરમીથી બચવા માટેની ઍડ્વાઇઝરી ગઈ કાલે બહાર પાડી હતી.
તળ મુંબઈ કરતાં મુંબઈ સબર્બ્સમાં ગરમી વધારે નોંધાઈ છે, પણ ગઈ કાલે કોલાબામાં સબર્બ્સ જેટલું જ તાપમાન નોંધાયું હતું. કોલાબામાં દિવસે ૩૬.૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહ્યું હતું, જ્યારે સાંતાક્રુઝમાં ૩૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે બપોરના સમયે સૂરજ આગ ઓકતો હોવાથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો હોય એવો અનુભવ થયો હતો. દિવસની જેમ રાત્રે પણ સામાન્યથી બે ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહ્યું હતું એટલે રાત્રે પણ વધુ ગરમી અનુભવાઈ હતી.
ADVERTISEMENT
BMCએ ગરમીથી બચવા ઍડ્વાઇઝરી બહાર પાડી
ગરમીથી બચવા માટે લોકોને તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી પીવાની, હળવાં-કૉટનનાં કપડાં પહેરવાની, ઘરની બહાર નીકળતી વખતે ટૉપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરવાની, નશીલા પદાર્થ કે કોલ્ડ ડ્રિન્ક પીવાનું ટાળવાની, પાર્ક કરેલા વાહનમાં બાળકો ને પાળેલા પશુ ન મૂકવાની, અશક્તિ લાગતી હોય તો તરત જ ડૉક્ટરને બતાવવાની સલાહ BMCએ આપી છે.

