તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જવાની શક્યતા વેધશાળાએ વર્તાવી છેઃ બપોરના સમયે કંઈ કામ ન હોય તો ઘરની બહાર નહીં નીકળવાની વેધર બ્યુરોની સલાહ
તસવીર : અનુરાગ અહિરે
મુંબઈગરાઓ ઑલરેડી ગરમીથી પરેશાન છે ત્યારે આજથી મંગળવાર સુધીના પાંચ દિવસ પારો ઉપર ચડતો રહેશે અને મુંબઈનાં સબર્બ્સમાં એ ૪૦ ડિગ્રીને વટાવી જાય એવી પણ શક્યતા દર્શાવાઈ છે. હવામાન ખાતાએ આવનાર પાંચ દિવસ માટે મુંબઈ અને થાણે સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં યલો અલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનોને કારણે હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાન ખાતાએ વધી રહેલા પારાને જોતાં લોકોને બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવા જણાવ્યું છે અને સાથે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે એ માટે પાણી પીતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ આ વિશે કહ્યું છે, ‘મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં હવે ગરમ દિવસો અને ઠંડી રાતોનો અનુભવ થશે. દિવસ અને રાત વચ્ચેના તાપમાનમાં ૨૦ ડિગ્રી જેટલો તફાવત પણ જોવા મળી શકે. હાલના હીટવેવને જોતાં મુંબઈ સહિતના કૉસ્ટલ વિસ્તારોમાં પારો ૩૭ ડિગ્રીથી લઈને ૩૯ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે મુંબઈનાં સબર્બ્સ અને થાણેના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન ૩૯ ડિગ્રીથી લઈને ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે.’

