કલ્યાણ રેલવે-સ્ટેશન પરથી મળી આવેલી પાંચ બાળકીઓના વાલીઓની શોધખોળ પોલીસે શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં બાળકો ગુમ થવાના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે ત્યારે આવા બનાવોને રોકવા અને બાળકો પાસે ભીખ મગાવતી ગૅન્ગને શોધવા મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સક્રિય બની છે. બુધવારે કલ્યાણ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને GRP દ્વારા સ્પેશ્યલ ઑપરેશન ચલાવી કલ્યાણ રેલવે-સ્ટેશન પર ભીખ માગતી પાંચ બાળકીઓને રેસ્ક્યુ કરીને તેમનાં મમ્મી-પપ્પાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે બાળકીઓ પાસે ભીખ મગાવતા લોકો સામે ફરિયાદ નોંધીને તમામ બાળકીઓને સુધારગૃહમાં મોકલી આપી છે. બાળકીઓ કેવા સંજોગોમાં ક્યાંથી આવી છે અને તેમને કોણ લાવ્યું છે એ સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મુંબઈમાં બાળકો ગુમ થવાના બનાવો વધી રહ્યા છે અને એમાં આજની તારીખે અનેક સગીરાઓ સહિત બાળકો લાપતા હોવાની ફરિયાદોમાં સતત વધારો જોવા મળ્યો છે એમ જણાવતાં કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘GRP અને સિટી પોલીસે બાળકોની મિસિંગ ફરિયાદોમાં વધારો જોઈને ગુમ થયેલાં બાળકોને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત છેલ્લા એક સપ્તાહથી રેલવે-સ્ટેશન વિસ્તારોમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને જાહેરમાં ભિક્ષાવૃત્તિ કરતાં બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં પ્રથમ તબક્કામાં બુધવારે આખા દિવસમાં પાંચ બાળકીઓ રેલવે-સ્ટેશનની આસપાસ ભીખ માગતી મળી આવી હતી. આ તમામ બાળકીઓને રેસ્ક્યુ કરીને ચાઇલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાળકીઓને રાતના સમયે ડોમ્બિવલીના ઠાકુર્લી વિસ્તારમાં રાખવામાં આવી હતી. તેમનાં મમ્મી-પપ્પા કોણ છે એની માહિતી જાણવાની અમે કોશિશ કરી રહ્યા છીએ.’


