Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦ ટકા જોઈ ન શકતી આ ગુજરાતી ગર્લે ટેન્થમાં કમાલ કરી

૧૦૦ ટકા જોઈ ન શકતી આ ગુજરાતી ગર્લે ટેન્થમાં કમાલ કરી

Published : 23 May, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું મગજ ઉંમર કરતાં ત્રણ વર્ષ પાછળ ચાલશે એવું નિદાન કરનારા ડૉક્ટરોને ભોંઠા પાડીને રિદ્ધિ જેઠવાએ મેળવ્યા ૮૩ ટકા

રિદ્ધિ જેઠવા

રિદ્ધિ જેઠવા


‘દીકરી બ્લાઇન્ડ નહીં, બ્રિલિયન્ટ છે’ એ પાસું જોઈને અક્ષય અને જ્યોત્સ્ના જેઠવાએ રિદ્ધિને ભણાવવામાં અને તેને ઇન્ડિપેન્ડન્ટ બનાવવામાં ખૂબ મહેનત કરી અને દીકરીએ ટેન્થની એક્ઝામમાં ૮૩ ટકા લાવીને પેરન્ટ્સને પ્રાઉડ મોમેન્ટ આપી હતી. દહિસર-ઈસ્ટમાં રહેતી SSCની સેન્ટ જૉન્સ સ્કૂલની વિદ્યાર્થિની રિદ્ધિ જેઠવાએ બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૮૩ ટકા મેળવ્યા છે.

રિદ્ધિ બાવીસ દિવસની હતી ત્યારે તેના પેરન્ટ્સને રિદ્ધિની આઇ-મૂવમેન્ટમાં પ્રૉબ્લેમ હોવાનું જણાયું હતું અને ત્યારથી તે ત્રણ મહિનાની થઈ ત્યાં સુધી અનેક ડૉક્ટરોને બતાવ્યું હતું, પણ દરેક ડૉક્ટર પાસે જઈને રિદ્ધિની આંખમાં ચીપિયા નાખીને ચેકઅપ કરાવીને આ નાની બાળકીને પીડા આપવાનું જ થતું હતું. કોઈ પ્રકારે નિવારણ આવતું નહોતું એમ જણાવતાં ટેલરિંગનું કામ કરતા રિદ્ધિના પપ્પા અક્ષય જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિદ્ધિને ૧૦૦ ટકા બ્લાઇન્ડનેસ હોવા ઉપરાંત તાળવામાં પણ ખામી હતી અને તે બ્રેસ્ટફીડિંગ પણ નહોતી કરી શકતી. અમુક ડૉક્ટરોએ તો ત્રણ મહિનાની આ બાળકીને જોઈને નિદાન કર્યું હતું કે તેનું મગજ તેની ઉંમર કરતાં ત્રણ વર્ષ પાછળ ચાલશે. જોકે ચેન્નઈમાં સંકરા નેત્રાલયના એશિયાના ટૉપમોસ્ટ આઇ-સ્પેશ્યલિસ્ટ ડૉ. લિંગમ ગોપાલે કહ્યું કે આજ પછી આ બાળકીની આંખો માટે દુખી થવાનું છોડી દો, હું તાંબાના પતરા પર લખી આપવા તૈયાર છું કે આ દીકરીનું મગજ ત્રણ વર્ષ પાછળ નહીં આગળ છે, તે બ્રિલિયન્ટ છે, તેને ભણાવી-ગણાવીને સારું જીવન આપજો. ત્યારથી અમે પાછું વળીને જોયું નથી. રિદ્ધિ દરેક રીતે ઇન્ડિપેન્ડન્ટ છે. પોતાનું બધું જ કામ જાતે કરે છે અને તેનાથી ૧૦ વર્ષ નાની તેની બહેન નાવ્યાને તો તેણે જ મોટી કરી છે. નાવ્યાની દરેક વાતનું તે ધ્યાન રાખે અને ઘરમાં પણ એ રીતે રહે કે કોઈ અજાણ્યાને ખબર પણ ન પડે કે રિદ્ધિ જોઈ નથી શકતી. રિદ્ધિ સ્કૂલમાં સિન્ગિંગ કૉમ્પિટિશન અને બીજી અનેક ઇવેન્ટમાં ટ્રોફી જીતી છે. રિદ્ધિ બહુ મીઠા અવાજમાં ભજન ગાય છે એ સાંભળીને અમને ઘણો આનંદ થાય છે.’



અક્ષયભાઈ રિદ્ધિના સ્કૂલ-ઍડ્‍‍મિશનની વાત કરતાં કહે છે, ‘કોઈ સ્કૂલ રિદ્ધિને ઍડ્‍મિશન આપવા તૈયાર નહોતી. સ્કૂલ શરૂ કરવામાં બે વર્ષ મોડું થયું. પછી રિદ્ધિને અત્યારની સેન્ટ જૉન્સ સ્કૂલમાં પણ પ્રિન્સિપાલે કહ્યું કે તેનો ઇન્ટરવ્યુ લેશે અને યોગ્ય લાગશે તો ઍડ્‍‍મિશન આપશે. રિદ્ધિએ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા દરેક પ્રશ્નનો બરાબર જવાબ આપ્યો હતો અને છેલ્લે પ્રિન્સિપાલનો હાથ પકડીને પૂછ્યું, કે સર, તમારે હજી કાંઈ પૂછવું છે? સર હસી પડ્યા અને કહ્યું કે ના, હવેથી તારે અહીં જ ભણવાનું છે અને ખરેખર રિદ્ધિને સ્કૂલ-ટીચર્સે ખૂબ મદદ કરી છે, ભણાવવામાં અને ઇતર પ્રવૃત્તિઓમાં પણ. સાથે જ નૅશનલ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ (NAB) તરફથી રિદ્ધિને બ્રેઇલ લિપિ શીખવવામાં આવી અને એનું મશીન પણ આપ્યું. હું તો ભણ્યો નથી, પણ મારી વાઇફ રિદ્ધિને ભણાવવા માટે બ્રેઇલ લિપિ શીખી. આખો દિવસ તેની સાથે સ્કૂલમાં બેસતી, તેનું ધ્યાન રાખવા ને નોટ્સ બનાવવા. નવમા ધોરણ સુધી મમ્મી પાસે ભણીને રિદ્ધિને ટેન્થમાં ભણવા માટે બિલ્ડિંગના પાડોશી, મારા કસ્ટમરની દીકરી એમ બીજા અનેક લોકોએ મદદ કરી છે.’


રિદ્ધિ સવારે પાંચ વાગ્યે ઊઠીને રાતે ૧૦ વાગ્યા સુધી ભણતી હતી. મોબાઇલમાં PDF રીડર-ઍપની મદદ લઈને તે રિવિઝન કરતી હતી. એક્ઝામમાં તેને રાઇટરની મદદ મળી હતી. અત્યારે તે કમ્પ્યુટર ક્લાસ કરે છે અને બૅન્કમાં જૉબ કરવાની રિદ્ધિની ઇચ્છા છે.

માર્કશીટ


ઇંગ્લિશ         ૭૬

મરાઠી ૮૨

હિન્દી ૯૦

એરિથમેટિક    ૭૬

ફીઝીઓલૉજી હાઇજિન એન્ડ હોમ સાયન્સ     ૯૧

સોશિયલ સાયન્સિસ ૭૦

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK