૨૦૨૩ના વર્ષમાં કુલ ૨૫૬૨ કેસ નોંધાયા હતા એ સામે ૨૦૨૪માં ૯૪૬૨ કેસ નોંધાયા છે
મુંબઈ ટ્રાફિક પોલીસ
મુંબઈમાં ડ્રન્કન ડ્રાઇવિંગના કેસ ન થાય અને અકસ્માત ન થાય એ માટે ટ્રૅફિક-પોલીસ દ્વારા અવારનવાર નાકાબંધી કરવામાં આવે છે. દારૂ પીને વાહન ચલાવતા લોકોને પકડવામાં આવે છે. આમ છતાં એમાં ઘટાડો થવાને બદવે વધારો જ નોંધાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
૨૦૨૩ના વર્ષમાં કુલ ૨૫૬૨ કેસ નોંધાયા હતા એ સામે ૨૦૨૪માં ૯૪૬૨ કેસ નોંધાયા છે. આમ એક જ વર્ષમાં એમાં ચાર ગણા જેટલો વધારો નોંધાયો છે. અમુક ચોક્કસ પૉઇન્ટ પર પોલીસની નાકાબંધી હોય છે એવું જાણી ગયેલા વાહનચાલકો એ નાકાબંધીને ચાતરીને નાની ગલીઓમાંથી પણ નીકળી જતા હતા. આથી ટ્રૅફિક-પોલીસે પણ તેમની સ્ટ્રૅટેજીમાં ફેરફાર કર્યો હતો. પહેલાં વિલે પાર્લેમાં ચેક-પૉઇન્ટ હતો એને બદલીને હવે માહિમ અને સમતાનગરમાં ચેક-પૉઇન્ટ મુકાયા છે, જેનો ફાયદો પણ થઈ રહ્યો છે. જોકે એમ છતાં એમાં થઈ રહેલો વધારો ટ્રૅફિક-પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.


