Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મારું મુંબઈ છે રૂડું, સુરત નહીં રે આવું

મારું મુંબઈ છે રૂડું, સુરત નહીં રે આવું

29 May, 2023 10:05 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

હીરાબજારમાં મુંબઈ v/s સુરત, રાઉન્ડ-ટૂમાં મુંબઈના ડાયમન્ડ ટ્રેડર્સનો જવાબ...

સુરત ડાયમન્ડ બુર્સનું આલીશન કૉમ્પ્લેક્સ

સુરત ડાયમન્ડ બુર્સનું આલીશન કૉમ્પ્લેક્સ


સુરત ડાયમન્ડ બુર્સે હીરાના વેપારીઓ અને દલાલોને આકર્ષવા માટે લલચામણી ઑફરો આપી હોવા છતાં અપવાદરૂપ પાર્ટીઓને બાદ કરતાં કોઈ વેપારી કાયમ માટે સુરત જાય એવી શક્યતા બહુ ઓછી છે : તેમનું કહેવું છે કે રોજનો લાખો અને કરોડો રૂપિયાના હીરાનો વેપાર કરતા વેપારીઓને આવી ઑફરો લલચાવી શકે એમ નથી

મુંબઈના હીરાબજાર બાંદરા - કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)માંથી શિફ્ટ થઈને સુરત ચાલ્યું જાય એવી ગણતરી ધરાવતા સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)એ ફરી એક વખત એની કમિટીમાં નિર્ણય લીધો છે કે જો મુંબઈનો કોઈ હીરાનો વેપારી તેની મુંબઈની ઑફિસ બંધ કરીને એસડીબીમાં આવશે તો તેણે એક વર્ષથી લઈને છ મહિના સુધી મેઇન્ટેનન્સ નહીં આપવું પડે. એટલું જ નહીં, કે વેપારી કે પાર્ટીનું નામ એસડીબીના રિસેપ્શન એરિયામાં કાયમી ધોરણે રાખવામાં આવનારી યાદીમાં સામેલ કરાશે. જોકે મુંબઈના વેપારીઓનું કહેવું છે કે મુંબઈની લાઇફસ્ટાઇલમાં રહેલા વેપારીઓ સુરત જવા માગતા નથી. હા, એસડીબીમાં એકાદ ઑફિસ રાખી ત્યાં ભાઈ-ભત્રીજાને બેસાડીને ધંધો કરશે, પણ અહીંથી ત્યાં કાયમ માટે શિફ્ટ થવું એ હાલના તબક્કે તો શક્ય લાગતું નથી. વળી એસડીબીને હજી જામતાં પણ ખાસ્સો સમય લાગશે એટલે એસડીબીની ઑફરનો બહુ મતલબ રહેતો નથી. કોઈક એવી પાર્ટી હોય પણ ખરી, ખાસ કરીને કાઠિયાવાડી ગ્રુપની, પણ એ અમુક અપવાદરૂપ પાર્ટીઓને બાદ કરતાં કોઈ વેપારી કાયમ માટે સુરત શિફ્ટ થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે.  બીડીબીમાં હીરાનો ધંધો કરતા એક વેપારી (નામ ન આપવાની શરત)એ કહ્યું હતું કે ‘ઑપેરા હાઉસથી બીકેસી આવતાં જ સાડાત્રણ વર્ષ લાગ્યાં. વેપારી ભલે અહીં ધંધો કરે છે, પણ સાથે તેનો પરિવાર અહીં જ ઠરીઠામ થયો છે. તેનું ઘર, બંગલો, બાળકોની સ્કૂલો બધું અહીં જ છે. એથી આખું સોશ્યલ સર્કલ છોડીને ત્યાં ઠરીઠામ થવા વેપારીઓ જાય નહીં. બીજું, મુંબઈની લાઇફસ્ટાઇલમાં રહેવા ટેવાયેલો વેપારી અને તેનો પરિવાર સુરતમાં જલદી સેટ ન થઈ શકે. હંમેશાં લાઇફસ્ટાઇલ ઉપર જાય, જ્યારે સુરત હજી મુંબઈની સરખામણીએ એટલું ડેવલપ ન જ કહેવાય. વળી ત્યાં દારૂબંધી પણ છે. ફૉરેનના ગ્રાહકો આવે તેમને પણ અગવડ પડે. ઉપરાંત બીડીબી અહીં ૨૦ લાખ સ્ક્વેરફુટમાં ફેલાયેલું છે, જ્યારે સુરતમાં જગ્યાની છૂટ હોવાથી એસડીબીએ ૬૦ લાખ સ્ક્વેરફુટની જગ્યા બનાવી નાખી છે. હવે થયું છે એવું કે મૂળમાં સુરત માર્કેટ મુંબઈ કરતાં નાની છે. જો સુરત અને મુંબઈ બંને ભેગાં થાય તો પણ એટલી ઑફિસો કે જગ્યા ભરાવાની નથી. અત્યારે તેમના દ્વારા જ કહેવાયું છે કે ૫૦૦ જેટલી ઑફિસોનું ફર્નિચરનું કામ પૂર્ણતાના આરે છે. એસડીબીની લગભગ ૪,૦૦૦ જેટલી ઑફિસોમાંથી જો ૫૦૦નું કામ ચાલુ હોય તો બાકીની કેટલી ઑફિસો ખાલી હશે એ વિચારી લેવા જેવું છે. મૂળમાં એસડીબીને ઓસી મળ્યું એને આઠ મહિના થઈ ગયા છે એટલે મેઇન્ટેનન્સ પણ ચાલુ થઈ ગયું છે. ત્યારે જેમ બને એમ વધુ ને વધુ ઑફિસો વેચાય એવી એસડીબીની ગણતરી લાગી રહી છે. એટલે જ મુંબઈની પાર્ટીઓને ત્યાં શિફ્ટ થવા લલચામણી ઑફર ફરી-ફરીને અપાઈ રહી છે. બાકી રોજનો લાખો અને કરોડોના હીરાનો વેપાર કરતા વેપારીને આવી ફ્રી મેઇન્ટેનન્સની લાલચ લલચાવી શકે એ વાતમાં માલ નથી.’  


હીરાબજારના જ અન્ય એક વેપારી (નામ નહીં આપવાની શરત)એ કહ્યું હતું કે ‘મુંબઈના હીરાબજારના વેપારીઓને સુરત શિફ્ટ કરવા  બહુ જ ડિફિકલ્ટ છે. મુંબઈ એ મુંબઈ છે. સુરતમાં ગામથી ૧૫ કિલોમીટર બહાર એસડીબી બનાવાયું છે. ત્યાં લોકલ ટ્રાન્સપોર્ટ તરીકે ટૂ-વ્હીલર જ ચલણમાં છે. એથી ત્યાંના જે લોકલ નાની વેપારીઓ છે એ લોકો પણ રોજ ૧૫ કિલોમીટર ટ્રાવેલ કરવા ટેવાયેલા નથી. વળી ત્યાં ઑફિસની સપ્લાય વધુ છે અને ડિમાન્ડ ઓછી છે એથી હાલ માલ ભરાઈ પડ્યો છે. પહેલાં ત્યાં ૬,૦૦૦ રૂપિયા સ્ક્વેરફુટનો ભાવ હતો જે વધીને ૧૫,૦૦૦ અને એ પછી તો ૩૦,૦૦૦ રૂપિયા થઈ ગયો હતો. એ હવે ઘટીને પાછો ૧૫,૦૦૦ રૂપિયા સ્ક્વેરફુટ પર આવી ગયો છે. એવું કહેવાય છે કે પહેલાં એસડીબીમાં એક વાર લીધેલી ઑફિસ વેચવી હોય તો બુર્સને જ સરેન્ડર કરવી પડે એવો નિયમ હતો. હવે કહેવાય છે કે એ નિયમમાં પણ બાંધછોડ કરાઈ છે અને બહારની પાર્ટીને બારોબાર વેચી શકાય એવી છૂટ આપવામાં આવે છે. માર્કેટમાં તો એવું પણ ચર્ચાય છે કે કેટલીક ખમતીઘર પાર્ટીઓએ એસડીબીના પ્લાનિંગ સ્ટેજ વખતે જ એની આજુબાજુની જમીનો ખરીદી લીધી હતી. તેમની એવી ગણતરી હતી કે એસડીબી ધમધોકાર ચાલુ થશે અને અહીંની જગ્યાના ભાવ ઊંચકાશે. જોકે એવું થઈ નથી રહ્યું અને હાલ તો એ ઇન્વેસ્ટમેન્ટ પર ધાર્યો ફાયદો નથી જ મળી રહ્યો. એથી પણ એસડીબીમાં વધુ ને વધુ ઑફિસો વેચાય એમાં તેમને રસ છે.’

આ બાબતે સુરતમાં જ રહીને હીરાનું કામકાજ કરતા એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી એસડીબીને ચાલુ થતાં અને જામતાં વાર લાગશે. વધુ ને વધુ ઑફિસો વેચાય અને ભરાય એ માટે બુર્સ દ્વારા આવી સ્કીમો લાવવામાં આવી રહી છે. હવે તો મેઇન્ટેનન્સ પણ ચાલુ થઈ ગયું છે અને હપ્તા પણ ચાલુ છે, પણ એ સામે કામકાજ ચાલુ નથી થયું. બીજું, સુરતમાં હીરાબજારનાં બે મુખ્ય સેન્ટર છે - મહિધરપુરા અને વરાછા. એ બંને માર્કેટથી એસડીબી બહુ જ દૂર છે. પ્રાઇવેટ વાહન લઈને જ જવું પડે. મોટી કંપનીઓનું ઠીક છે, પણ નાના વેપારીઓ અને ટ્રેડર્સને અગવડ પડે એમ છે. ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને મેટ્રો શરૂ થવાની છે એમ કહેવાય છે, પણ હજી મેટ્રોનું કામ એ બાજુ શરૂ પણ નથી થયું. એથી એ ચાલુ થવામાં વર્ષો નીકળી જશે. અત્યારે એસડીબીમાં જેમણે ઑફિસો લીધી હતી એમાંથી પણ કેટલાક લોકો એ વેચીને બહાર નીકળી રહ્યા છે. એસડીબીએ હવે એ માટે છૂટ આપી છે. બહારની પાર્ટીને ઑફિસ વેચી શકાય છે અને એસડીબી નામ ટ્રાન્સફર કરી આપે છે. આમ એસડીબી ચાલુ થાય અને જામે એમાં ખસ્સો સમય લાગી જશે એમાં કોઈ શંકા નથી.’  


આ બાબતે સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભભાઈ લાખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને આશા છે કે આવતા એક વર્ષમાં મુંબઈના ૯૦ ટકા વેપારીઓ સુરત શિફ્ટ થઈ જશે. મુંબઈ સારું નથી એમ કહેવાનો અમારો જરાય આશય નથી, પણ સુરતમાં ઘણું બેટર છે. ઘર, ટ્રાવેલિંગ, મૅન્યુફૅક્ચરિંગ, ધંધો એ બધું જ સુરતમાં બેટર છે. મુંબઈમાં ૨૦ લાખ રૂપિયામાં એક ખોલી પણ નથી, આવતી જ્યારે અહીં બે બેડરૂમનો ફ્લૅટ આવી જાય. મુંબઈમાં બીકેસી જવા-આવવામાં બેથી ત્રણ કલાક લાગી જાય છે, જ્યારે અહીં પંદર મિનિટમાં પહોંચી શકાશે. વળી દિવાળીથી સુરતમાં રોજની દુબઈની ચાર અને હૉન્ગકૉન્ગની ચાર ફ્લાઇટ ચાલુ થઈ રહી છે. આમ સુરત પણ હવે વર્લ્ડ સાથે કનેક્ટ થાય છે. બીજું, એસડીબીમાં કુલ ૪,૨૦૦ ઑફિસો છે જે મેમ્બરોએ પહેલેથી જ લખાવી છે અને એ બધી જ વેચાઈ ગઈ છે. અમારી પાસે જે થોડીઘણી વધારાની સ્પેરમાં ઑફિસો હતી એ પણ વેચાઈ ગઈ છે. અમારી પાસે હવે કોઈ ઓફિસ બચી નથી એટલે સપ્લાય સામે ડિમાન્ડ ઓછી છે એવું છે જ નહીં.’     

લાભ પાંચમ પછી શરૂ કરવાની જાહેરાત

એસડીબી દ્વારા એવી જાહેરાત કરાઈ છે કે બુર્સને પૂર્ણપણે કાર્યરત કરીને વેપાર શરૂ કરવાની તારીખ ૨૧ નવેમ્બર નક્કી કરાઈ છે. એ દિવસે દિવાળી પછી કારતક મહિનાની નોમ-દસમ આવે છે. આમ દિવાળીના અઠવાડિયાની રજા બાદ ઊઘડતી બજારે એસડીબી ચાલુ કરવાની જાહેરાત કરાઈ છે. બીજું, વૈશ્વિક ધોરણે એસડીબીની નોંધ લેવાઈ છે ત્યારે એનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થાય એવી એસડીબીની ઇચ્છા છે અને એ માટે પ્રયાસો હાથ ધરાયા છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ડિસેમ્બર અથવા જાન્યુઆઆરીમાં તારીખ મળે એવી શક્યતાઓ દર્શાવાઈ છે.

લાસ વેગસના એક્ઝિબિશન પર પણ મંદીની અસર

ડાયમન્ડની ખપતમાં પહેલા નંબરે આવતા અમેરિકાના લાસ વેગસમાં દર વર્ષે ડાયમન્ડ અને ડાયમન્ડની જ્વેલરીનું એક્ઝિબિશન યોજાય છે. આ વર્ષે પણ બીજી જૂનથી એ શરૂ થઈ રહ્યું છે. બજારના જ એક વેપારીના કહેવા મુજબ હાલ વિશ્વસ્તરે ડાયમન્ડ બજારમાં મંદીનું વાતાવરણ છે એટલે લાસ વેગસ પર પણ એની અસર દેખાશે. મુંબઈની કેટલીક પાર્ટીઓએ એમાં ભાગ લીધો હતો અને સ્ટૉલ પણ બુક કરાવ્યા હતા. જોકે હવે એમાંની કેટલીક પાર્ટીએ ભાગ લેવાનું માંડી વાળ્યું છે. એ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું માંડી વાળો તો એમાં ભરેલી ડિપોઝિટની રકમ પાછી મળતી નથી. એ પાર્ટીઓ એ રકમ ભૂલી જવા તૈયાર છે. એમનું કહેવું છે કે ત્યાં જઈ ખર્ચો કરીને સ્ટૉલ તૈયાર કરીને આટલા દિવસ રહેવા-ખાવાનો જે ખર્ચો થાય એની રકમ કદાચ એ ડિપોઝિટથી વધી જાય એમ છે અને સામે એટલો ધંધો મળવાની આશા નહીંવત્ છે એટલે એમાં ભાગ ન લઈએ એમાં જ શાણપણ છે.  

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 10:05 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK