એ સંદર્ભની ફરિયાદ ગઈ કાલે કાપૂરબાવડી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
થાણે-ઈસ્ટના મનોરમા નગરમાં કરિયાણાનો વેપાર કરતા પંચાવન વર્ષના મનજી પટેલની દુકાનમાં રવિવારે રાતે ચોરી કરવા આવેલા યુવકોને કૅશ ન મળતાં તેઓ ૮૫,૦૦૦ રૂપિયાનાં ૧૨૦ કિલો ડ્રાયફ્રૂટ ચોરી ગયા હતા. એ સંદર્ભની ફરિયાદ ગઈ કાલે કાપૂરબાવડી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસને મળેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં રવિવારે રાતે ત્રણ આરોપીઓએ દુકાનનું શટર તોડી ચોરી કર્યાનું જાણવા મળ્યું છે.
મનોરમા નગરના કે. ડી. પાટીલ કમ્પાઉન્ડમાં કેસરીનંદન ટ્રેડિંગ નામે કરિયાણાની દુકાન ધરાવતા મનજી પટેલ રવિવારે રાતે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા કાપૂરબાવડીના પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ ધાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે જ્યારે તેઓ દુકાનમાં આવ્યા ત્યારે દુકાનનું શટર તૂટેલું હતું. અંદર જઈને તપાસ કરતાં તમામ વસ્તુ અસ્તવ્યસ્ત હાલતમાં પડી હતી. વધુ તપાસ કરતાં જણાયું હતું કે દુકાનમાંથી કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસનો ૧૨૦ કિલો જેટલો માલ ચોરાઈ ગયો છે. એ પછી ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં જોવા મળ્યું હતું કે ત્રણ જણે ચોરી કરી છે. અમે એ ત્રણેય આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’

