ગયા અઠવાડિયે મુલુંડમાં બનેલી આ ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ
Crime News
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં રહેતો ૨૪ વર્ષનો ગુજરાતી કિશોર સંબંધીના ઘરે દિવાળી નિમિત્તે જઈ રહ્યો હતો ત્યારે તેના મિત્રોએ તેની પાસેથી પૈસા પડાવવા માટે પહેલાં જોરદાર માર માર્યો હતો, એ પછી તેને બાંધી રાખીને જબરદસ્તી કરી તેના બીજા મિત્ર પાસેથી આશરે ૨૦૦૦ રૂપિયા ઑનલાઇન મગાવ્યા હતા. ઘટના બાદ કિશોર ખૂબ ડરી ગયો હતો. ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે બીજા દિવસે કિશોરના પિતાએ તેના શરીર પર મારનાં નિશાન જોયાં હતાં. અંતે ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મુલુંડ-વેસ્ટમાં વીણા નગરની એક સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષના ચિરાગ મકવાણાએ કરેલી ફરિયાદ અનુસાર દિવાળી નિમિત્તે ૧૭ નવેમ્બરે સાંજે ઘરેથી પીએનટી કૉલોની તરફ ચાલીને જતો હતો ત્યારે કેશવ પાડા રાજીવ ગાંધી સ્કૂલ નજીક પહોંચતાં તેના જૂના મિત્રો શુભ પરમાર, જિજ્ઞેશ પરમાર અને રાહુલ વાઘેલા મળ્યા હતા. તેઓએ રસ્તામાં અટકાવીને ‘તું કિધર જા રહા હૈ? હમારે સાથ ચલ’ કહેતાં ફરિયાદીએ તેમની સાથે આવવાની ના પાડતાં તેઓએ તેને ધમકાવવાની શરૂઆત કરી અને ત્યાર બાદ મારવાની શરૂઆત કરી હતી. તેઓ રાજીવ ગાંધી સ્કૂલના મેદાન પાસેના જંગલમાં ફરિયાદીને લઈ ગયા હતા. ત્યાં ફરી તેઓએ પૈસાની માગણી કરી હતી. ફરિયાદીએ તેને કહ્યું કે મારી પાસે પૈસા નથી ત્યારે જિજ્ઞેશ પરમાર અને આકાશ મોરેએ તેનો હાથ પકડી લીધો હતો અને શુભ પરમાર અને રાહુલ વાઘેલાએ કપડાં તપાસતાં પૅન્ટના ખિસ્સામાં રાખેલા ૫૦૦ રૂપિયા બળજબરીથી છીનવી લીધા હતા. એ પછી ફરિયાદીનાં કપડાં કાઢીને તેને મારવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન માથું અને થાઇસ સાથે હાથ, કમર પર ક્રિકેટના સ્ટમ્પ વડે મારી વધુ પૈસાની માગણી કરી હતી. ફરિયાદીએ જ્યારે મદદ માટે બૂમો પાડી ત્યારે મેદાનની નજીક હાજર કેટલાક લોકો તેની મદદે આવ્યા હતા. શુભ પરમાર અને જિજ્ઞેશ પરમારે આવેલા લોકોને પણ ધમકાવ્યા હતા. આરોપીઓએ વધુ માર મારી ઑનલાઇન પૈસા મગાવવાનું કહેતાં ફરિયાદીએ તેના બીજા મિત્રને ફોન કરી ૨૦૦૦ રૂપિયા મગાવ્યા હતા. અંતે એ પૈસા મળ્યા બાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર પછી ફરિયાદી ઘરે પાછો આવી ગભરાઈને સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે તે નાહવા જઈ રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેના શરીર પર મારનાં નિશાન જોયાં હતાં. પિતાએ તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે ઘટેલી ઘટના કહી સંભળાવી હતી. અંતે ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથંબીરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ અમે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર પહેલાંના ગુના હોવાની માહિતી અમને મળી છે.’