આ પ્રકરણમાં બાંગુરનગર પોલીસે ટ્રકના રિજસ્ટ્રેશન નંબર પરથી ચાર લોકોની ધરપકડ કરી હતી
પોલીસે ધરપકડ કરેલા ચોરો પાસેથી બ્રિજનો કેટલોક ભાગ જપ્ત કર્યો છે
મુંબઈમાં ચોરોએ ૯૦ ફુટ લાંબા લોખંડના બ્રિજની ચોરી કરવાનો વિચિત્ર બનાવ બન્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજનું વજન છ હજાર કિલો હતું. ચોરોએ પહેલાં આ બ્રિજને ગૅસ-કટરથી કાપી નાખ્યો હતો અને પછી એને ટ્રકમાં નાખીને લઈ ગયા હતા. આ પ્રકરણમાં બાંગુરનગર પોલીસે ટ્રકના રિજસ્ટ્રેશન નંબર પરથી ચાર લોકોની ધરપકડ કરી હતી.
બાંગુરનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે ‘આ બ્રિજ અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીની માલિકીનો હતો. એને મલાડ વિસ્તારમાં રસ્તા પર એક ગટર ઉપર મૂકવામાં આવ્યો હતો. એનો ઉપયોગ મોટા પાવર કેબલનું વહન કરવા માટે થતો હતો. ત્યાર બાદ નાળા પર કાયમી બ્રિજ બની જતાં લોખંડનો આ બ્રિજ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો. બ્રિજની ચોરી વિશે માહિતી મળતાં પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને ખબર પડી કે બ્રિજ છેલ્લી વખત જૂન મહિનાના અંતમાં જોવા મળ્યો હતો. એથી પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ કર્યા બાદ એની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા. ફુટેજમાં એક મોટી ટ્રક બ્રિજ તરફ જતી જોવા મળી હતી. એથી પોલીસે રજિસ્ટ્રેશન નંબર પરથી ટ્રકને ટ્રૅક કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે જે કંપનીને બ્રિજ બનાવવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો એના કર્મચારીએ જ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી હતી અને બ્રિજનો સામાન પણ જપ્ત કર્યો હતો.’


