દૃશ્યમની સ્ક્રિપ્ટ રચીને સાક્ષી બનેલા ૩ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, પોલીસ-કમિશનરની મધ્યસ્થી પછી ઉકેલાયો કેસ
જયેશ પરમાર (ડાબેથી પહેલો) અને પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓ.
વિદ્યાવિહારના ખલઈ વિલેજમાં રહેતા ૩૩ વર્ષના રાજેશ પરમારના ૨૦૨૫ની ૯ ઑક્ટોબરે થયેલા મૃત્યુના કેસમાં નગરસેવક પ્રવીણ છેડા અને પરમાર પરિવાર દ્વારા મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને કરવામાં આવેલી રજૂઆત બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચારની ટીમે તાજેતરમાં પ્રીતમ યાદવ, પ્રકાશ ગુપ્તા અને ફૈઝાન અલી અમદમ શાહની ધરપકડ કરી છે. રાજેશની ડેડ-બૉડી ૨૦૨૫ની ૯ ઑક્ટોબરે કુર્લાના HDIL કમ્પાઉન્ડના બિલ્ડિંગ-નંબર ૯ નજીકથી મળી હતી. પ્રાથમિક તપાસમાં વિનોબા ભાવેનગર પોલીસે એને આત્મહત્યા ગણાવી હતી. જોકે પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરતાં કેસ રફેદફે કરવાના ઇરાદે પોલીસે ૧૭ વર્ષના ટીનેજર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ફરિયાદ નોંધી હતી. જોકે પરિવારજનોએ રાજેશની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરીને ૧૨ પુરાવા સાથે પોલીસ-કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આ પુરાવાના આધારે સતત ૪ મહિના ટેક્નિકલ ઍનૅલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે વિનોબા ભાવેનગર પોલીસે વિટનેસ બનાવેલા ૩ આરોપીની સંડોવણી સામે આવતાં તેમની ધરપકડ કરી છે. આ કેસમાં જયેશના મૃત્યુના ૧૩ મહિના બાદ તેના પરિવારને ન્યાય મળ્યો છે.
રાજેશના બનેવી નરેશ બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશના મૃત્યુ બાદ અમે વિનોબા ભાવેનગર પોલીસ-સ્ટેશનના સતત ધક્કા ખાધા હતા, પરંતુ પોલીસે અમારી વાત સાંભળી નહોતી. અમે જ્યારે પ્રવીણ છેડા સાથે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીની મુલાકાત લીધી ત્યારે પોલીસે માત્ર ૧૭ વર્ષના એક ટીનેજર સામે ફરિયાદ નોંધીને કેસ રફેદફે કરવાની કોશિશ કરી હતી. જોકે પ્રવીણ છેડા અને તેમણે આપેલા ઍડ્વોકેટ હિત શાહે પોલીસ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું અને કેસની વિગતવાર માહિતી માગતા રહ્યા હતા. અંતે કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર થયો ત્યારે પણ દર અઠવાડિયે ફૉલોઅપ લેવામાં આવતું હતું. આ તમામ પ્રયાસો બાદ ઘોર નિદ્રામાં સૂતેલું પોલીસતંત્ર જાગ્યું હતું અને યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેના પરિણામે આજે રાજેશના મૃત્યુના ૧૩ મહિના પછી અમને સાચો ન્યાય મળ્યો છે.’
ADVERTISEMENT
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચારના તપાસ-અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર શ્યામ ભીંસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ મે મહિનામાં અમારી પાસે ટ્રાન્સફર થઈને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં માત્ર એક ટીનેજર સામે જ તમામ આરોપો મૂકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓની કોઈ ભૂમિકા દર્શાવવામાં આવી નહોતી તેમ જ લોકલ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા રેકૉર્ડ પણ શંકાસ્પદ જણાયા હતા. આથી અમે નવેસરથી તપાસ શરૂ કરીને સૌપ્રથમ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યાંથી સૌથી મહત્ત્વનાં CCTV કૅમેરાનાં ફુટેજ જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત અન્ય આરોપીઓના કૉલ ડેટા રેકૉર્ડ (CDR) અને તેમના મોબાઇલના ખાનગી ડેટાની વિગતવાર માહિતી મેળવી હતી. એમાં કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ પર સતત ૪ મહિના સુધી વૉચ રાખી અને તેમને એવી પ્રતીતિ કરાવી કે અમારી કોઈ નજર તેમના પર નથી. આ કામ ખૂબ જ અઘરું હતું, પરંતુ અમે તેમનો પીછો છોડ્યો નહીં અને અંતે કેટલાક નક્કર પુરાવા હાથ લાગતાં તમામ આરોપીઓને એક પછી એક ઝડપી પાડીને અલગ-અલગ પૂછપરછ કરી હતી. આરોપીઓએ ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી એક સ્ક્રિપ્ટ તૈયાર કરી રાખી હતી, પરંતુ આખરે અમે તેમની એ સ્ક્રિપ્ટને તોડીને પુરાવાઓ સાથે તેમની ધરપકડ કરી છે. આ કેસમાં આગળની તપાસ હજી ચાલુ છે.’
આ કેસમાં છેલ્લા ૧૩ મહિનાથી ન્યાયની આશામાં બેઠેલા રાજેશનાં માતા કાંતા પરમારને આખરે સાચો ન્યાય મળ્યો છે એમ જણાવીને પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જબરદસ્ત અને ઝીણવટભરી તપાસ કરીને સાચા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે આ કેસ માટે અમારે સતત ફૉલોઅપ કરવાની જરૂર પડી હતી અને કેટલીક વાર પોલીસ-અધિકારીઓ સાથે વિવાદ પણ થયો હતો, પરંતુ અંતે પરિવારને ન્યાય મળ્યો એનો અમને ગર્વ છે.’
રાજેશ પરમાર મૃત્યુકેસની મુખ્ય વિગતો
૨૦૨૫ની ૯ ઑક્ટોબરે BMCના સફાઈ-કર્મચારી રાજેશ પરમારનો મૃતદેહ કુર્લાના HDIL કમ્પાઉન્ડના બિલ્ડિંગ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે એને આત્મહત્યા ગણાવીને ૧૭ વર્ષના ટીનેજર સામે ગુનો નોંધ્યો હતો. જોકે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ મૃતદેહ અસામાન્ય અંતરે પડ્યો હતો, કપડાં બદલાયેલાં હતાં, મોબાઇલની સ્ક્રીન તૂટેલી હતી અને શરીર પર ઈજાનાં નિશાનો હતાં એ છતાં પોલીસે યોગ્ય તપાસ નહોતી કરી. ઘટનાસ્થળે ૪ લોકો હાજર હોવા છતાં માત્ર એકને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં પ્રવીણ છેડા, જયેશનાં માતા કાંતાબહેન અને જયેશના સંબંધીઓએ મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીની મુલાકાત લઈને યોગ્ય તપાસ માટે માગણી કરી હતી.
