આરોપી ઝિયા અન્સારી ઉપર આઠ કલમ લગાવવામાં આવી છે એટલી જ કેક કાપવામાં આવી હોવાનો વિડિયો વાઇરલ થતાં પોલીસ કામે લાગી
તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટેલા ઝિયા અન્સારી નામના આરોપીનો ૧૨ એપ્રિલે બર્થ-ડે હતો
ગુનેગારોની વાહ-વાહ કરીને સમર્થકો દ્વારા ગુનેગારીને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. સોશ્યલ મીડિયામાં રીલ્સ અને વિડિયો બનાવીને વાઇરલ કરવાનો ભાઈલોકોનો શોખ હોય છે. આમ કરીને નામચીન ગુનેગારો યુવાનોને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. ભાંડુપમાં આવી જ એક ઘટના બની છે. તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટેલા ઝિયા અન્સારી નામના આરોપીનો ૧૨ એપ્રિલે બર્થ-ડે હતો ત્યારે તેના એક સમર્થકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ઝિયા અન્સારી પર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ૩૦૨, ૩૦૭, ૩૮૭ અને ૩૨૬ સહિત કુલ ૮ કલમ લગાવી છે. સોશ્યલ મીડિયામાં ગઈ કાલે વાઇરલ થયેલા વિડિયોમાં ઝિયા અન્સારીના સમર્થકે બર્થ-ડેની ઉજવણી માટે ‘ભાંડુપ કિંગ ઝિયા ૩૦૨, ૩૦૭, ૩૮૭ અને ૩૨૬’ લખેલી કેક તૈયાર કરાવડાવીને એ કાપી હોવાનું જણાયું હતું. એક આરોપીના બર્થ-ડેની આવી રીતે ઉજવણી કરવી એ ગંભીર બાબત હોવાથી વિડિયો જોયા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

