પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS)ના ઑફિસરોની ટીમ નાયર હૉસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ કરી હતી.
નાયર હૉસ્પિટલ
મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલ અને મુંબઈ ઍરપોર્ટને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાડી દેવાની ધમકીભરી ઈ-મેઇલ શનિવારે મળી હતી, જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. શનિવારે રાતે ૧૧ વાગ્યે નાયર હૉસ્પિટલના ડીનના ઑફિશ્યલ ID પર એ ઈ-મેઇલ મોકલવામાં આવી હતી.
ઈ-મેઇલ મળ્યા બાદ તરત જ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS)ના ઑફિસરોની ટીમ નાયર હૉસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે તપાસ બાદ કશું પણ શંકાસ્પદ નહોતું મળી આવ્યું એટલે એ ઈ-મેઇલ પોકળ ધમકી હોવાનું સિદ્ધ થયું હતું. ધમકીની એ ઈ-મેઇલ કોણે મોકલી અને શા માટે મોકલી એની શોધ હવે પોલીસ કરી રહી છે.
ADVERTISEMENT
લશ્કર-એ-જિહાદીના નામે ધમકીભર્યો વૉટ્સઍપ મેસેજ મોકલનારો નોએડાથી પકડાયો
મુંબઈમાં ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ આવી પહોંચ્યા છે, તેઓ કુલ ૩૪ હ્યુમન-બૉમ્બની મદદથી ૩૪ વાહનોમાં બ્લાસ્ટ કરીને આખું મુંબઈ ખેદાનમેદાન કરી નાખશે અને આ આતંકવાદીઓ ૪૦૦ કિલો RDXની મદદથી આ બૉમ્બબ્લાસ્ટ કરવાના છે એવું વૉટ્સઍપ પર અપાયેલી ધમકીમાં ૩ દિવસ પહેલાં જણાવવામાં આવ્યું હતું. એ ધમકી ફિરોઝ નામની વ્યક્તિએ લશ્કર-એ-જિહાદીના વૉટ્સઍપ ગ્રુપ પરથી મોકલી હતી. એ કેસમાં મુંબઈ પોલીસે તપાસ કરીને મૂળ બિહારના પણ હાલ દિલ્હી નજીકના નોએડામાં રહેતા ૫૧ વર્ષના જ્યોતિષી અશ્વિનીકુમારની ધરપકડ કરી છે. તે મૂળ બિહારના પાટલીપુત્રનો રહેવાસી છે. હાલ તે નોએડાના સેક્ટર-૭૯માં રહે છે. તેના પિતા સુરેશકુમાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઑફિસર હતા, જ્યારે માતા પ્રભાવતી ગૃહિણી હતાં.
પોલીસના જણાવ્યા મુજબ અશ્વિનીકુમાર સામે આ પહેલાં તેના જ મિત્ર ફિરોઝે પટનાના ફુલવારી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અશ્વિનીકુમારની ધરપકડ કરી હતી અને તે ૩ મહિના જેલમાં પણ રહી આવ્યો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં એવું જણાઈ આવ્યું હતું કે ફિરોઝને ખોટા ટેરરકેસમાં ફસાવી દેવા જ અશ્વિનીકુમારે તેના નામે આ ધમકીનો મેસેજ કર્યો હતો. પોલીસે તેની પાસેથી ૭ મોબાઇલ, ૩ સિમકાર્ડ, ૬ મેમરીકાર્ડ હોલ્ડર, સિમકાર્ડના એક્સટર્નલ સ્લૉટ, બે ડિજિટિલ કાર્ડ અને ઇલેક્ટ્રૉનિકની અન્ય આઇટમો જપ્ત કરી હતી.


