પાર્કિંગમાં રસીદ વગર લેવામાં આવતા વધારાના ચાર્જ અને લાંચ આપવાના બનાવો પર કાબૂ આવશે તેમ જ પોતાને પાર્કિંગ-સ્ટાફ તરીકે ઓળખાવતા નકલી અધિકારીઓની દુકાન બંધ થશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
મુંબઈગરાઓ પાસેથી પે ઍન્ડ પાર્કમાં નકલી અટેન્ડન્ટ બનીને મનફાવે એમ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો આવ્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ સમસ્યાનું સમાધાન ડિજિટલ પાર્કિંગ મૉડલ દ્વારા કાઢવામાં આવ્યું છે. એટલે કે ટૂંક સમયમાં જ BMCના પાર્કિંગમાં લેવાતો ચાર્જ વાહનના ફાસ્ટૅગ અકાઉન્ટમાંથી કપાશે. એને લીધે પાર્કિંગમાં રસીદ વગર લેવામાં આવતા વધારાના ચાર્જ અને લાંચ આપવાના બનાવો પર કાબૂ આવશે તેમ જ પોતાને પાર્કિંગ-સ્ટાફ તરીકે ઓળખાવતા નકલી અધિકારીઓની દુકાન બંધ થશે.
શરૂઆતમાં આ ડિજિટલ પાર્કિંગ મૉડલ BMCના અમુક પાર્કિંગ-લૉટમાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આખા શહેરના તમામ ૧૦૦ જેટલા પાર્કિંગ-લૉટમાં આ મૉડલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈમાં આવેલા BMCના પાર્કિંગ માટે ખાસ ઍપ બનાવવામાં આવશે. એમાં નજીકના પાર્કિંગ-લૉટમાં જગ્યા ઉપલબ્ધ છે કે નહીં એ જાણી શકાશે તેમ જ પાર્કિંગ-ચાર્જની વિગતો મળશે. QR કોડ સ્કૅન કરીને પાર્કિંગ-ચાર્જ ભર્યા બાદ દરેક ટ્રાન્ઝૅક્શનની ડિજિટલ રસીદ પણ મળશે.

