મુશ્કેલીમાં ફસાયેલા ડૉક્ટરોની મદદ માટે પહોંચી શકાય એ માટે AMCનું ઇમર્જન્સી નેટવર્ક
AMCના ઇમર્જન્સી રિસ્પૉન્સ નેટવર્કના બાઇક પર સવાર સભ્યો.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવકે ડૉક્ટરો પર હુમલો કર્યાની ઘટનાએ ફરી ડૉક્ટરો અને હૉસ્પિટલ સ્ટાફની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો કર્યો છે ત્યારે મુશ્કેલીમાં ફસાયેલા ડૉક્ટરો માટે ધ અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (AMC) દ્વારા પોતાનું જ ઇમર્જન્સી રિસ્પૉન્સ નેટવર્ક તૈયાર કરાયું છે. છેલ્લા બે દાયકામાં AMC દ્વારા આ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈના ૧૬,૦૦૦ ડૉક્ટરોનું પ્રતિનિધિત્વ કરતી AMC દ્વારા બનાવાયેલા મોટરસાઇકલ બેઝ્ડ નેટવર્ક ઇમર્જન્સી હોય ત્યાં ડૉક્ટરોની મદદે પહોંચે છે. આ સર્વિસ જીવન અૅમ્બ્યુલન્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની સહાયથી આ નેટવર્ક ચલાવવામાં આવે છે.
૨૪ કલાક કાર્યરત આ નેટવર્ક કટોકટીની પરિસ્થિતિમાં ડૉક્ટરોની મદદ માટે નજીકમાં રહેલા ડૉક્ટરો તથા પોલીસને અલર્ટ કરે છે જે તેમની મદદ માટે પહોંચે છે. અૅમ્બ્યુલન્સ સપોર્ટ તથા ડૉક્ટરોને લીગલ સપોર્ટ પણ આ નેટવર્ક આપે છે.
ADVERTISEMENT
આ નેટવર્કના સભ્યો મુંબઈ, થાણે, નવી મુંબઈ તથા મીરા-ભાઈંદરમાં બધે જ છે અને તે કાર્ડિયોપલ્મનરી રિસસ્સિટેશન CPR, ક્રાઉડ મૅનેજમેન્ટ, ફાયર રિસ્પૉન્સ તથા અન્ય કપરી પરિસ્થિતિઓને પહોંચી વળવા સક્ષમ છે અને તેમને ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવી છે.
૮થી ૧૦ મિનિટમાં જ પહોંચાડે છે મદદ
ઇમર્જન્સીમાં ફસાયેલા ડૉક્ટર દ્વારા મદદ માગવામાં આવે અેની ૮થી ૧૦ મિનિટમાં જ મોટરસાઇકલ પર સવાર નેટવર્ક સિસ્ટમના સભ્યો મદદ માટે પહોંચી જાય છે. પરિસ્થિતિની જાણ નજીકના AMCના ડૉક્ટર્સને તથા પોલીસને પણ કરી દેવાય છે. દર વર્ષે આશરે ૩૦થી ૩૫ ઇમર્જન્સી કૉલ આ નેટવર્કને મળે છે. આ સર્વિસના કારણે ડૉક્ટર્સ સાથે લગભગ ૧૦૦ જેટલા હિંસક બનાવોને બનતા રોકવામાં સફળતા મળી હતી.
ટોળાથી ડૉક્ટરોને બચાવવામાં પણ માહેર
નેટવર્કના સભ્યો ક્રાઉડ મૅનેજમેન્ટમાં માહેર હોવાથી વિફરેલું ટોળું ડૉક્ટર પર હુમલો કરવાનો પ્રયત્ન કરતું હોય એવી પરિસ્થિતિને પણ કાબૂમાં લઈ શકે છે તથા પોલીસ સાથે સહકાર સાધીને કામ કરે છે. આગ લાગવાની ઘટનાને પહોંચી વળવા માટે પણ તેમણે વિશેષ ટ્રેઇનિંગ લીધેલી છે.
