° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

પાલિતાણાદાદા મને બોલાવે છે…

07 March, 2021 09:49 AM IST | Mumbai | Rohit Parikh

પાલિતાણાદાદા મને બોલાવે છે…

અચાનક એક્ઝિટ : કલ્પના પારેખ

અચાનક એક્ઝિટ : કલ્પના પારેખ

‘મને ભ્રમણા થાય છે કે પાલિતાણાદાદા બોલાવે છે’ એમ કહીને એક જ મહિનામાં ત્રીજી વાર જૈનોના તીર્થ પાલિતાણા જવા નીકળેલાં વિદ્યાવિહાર (ઈસ્ટ)ની નીલકંઠ વૅલીનાં ધર્મિષ્ઠ અને દાનવીર ૭૫ વર્ષનાં કલ્પના હર્ષદ પારેખનું શુક્રવારે અમદાવાદથી નડિયાદ જતી વખતે રસ્તામાં હાઇવે પર કાર-અકસ્માતમાં ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. તેમની સાથે જાત્રા કરવા ગયેલાં ઘાટકોપરના સુધા પાર્કમાં રહેતાં ભાનુબહેન ઝાટકિયાને પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર આવ્યાં હતાં. આ સમાચાર પ્રસરતાં જ ઘાટકોપરના અને પોરવાડ વીશા જૈન સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ગુરુવારે સવારે નવકારશી (ચા-પાણી) કરતાં-કરતાં કલ્પનાબહેને તેમની પુત્રવધૂ ચૈતાલી કેયુર પારેખને કહ્યું કે ‘મને ભ્રમણા થાય છે કે પાલિતાણાદાદા બોલાવે છે.’

ચૈતાલીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી આ મહિનામાં ઑલરેડી બે વાર પાલિતાણા જઈ આવ્યાં હતાં. મમ્મીનો ૧૧ ફેબ્રુઆરીએ જન્મદિવસ હતો. કોવિડને લીધે અમારા પરિવારમાં જન્મદિવસની ઉજવણી કરવાની નહોતી એટલે મમ્મી એ દિવસે પાલિતાણા જાત્રા કરવા જતાં રહ્યાં હતાં. ઇન્શ્યૉરન્સ અને રી-ઇન્શ્યૉરન્સનું કામ કરતા મારા સસરા હર્ષદ પારેખ મમ્મીનો ૭૫મો જન્મદિવસ હોવાથી મમ્મીને સરપ્રાઇઝ આપવા તેમની પાછળ પાલિતાણા પહોંચી ગયા હતા. આમ છતાં મમ્મીએ ગુરુવારે મને ભ્રમણા થાય છે કે દાદા મને બોલાવે છે એટલે હું પાલિતાણા આદીશ્વર દાદાની જાત્રા કરવા જઉં છું એવી મારી સામે જાહેરાત કરી હતી. મને તો પહેલેથી કહી દીધું હતું કે તારે ના પાડવાની નથી. જોકે અમારા પરિવારના બધા લોકોએ મમ્મીને હમણાં-હમણાં બે વાર પાલિતાણા જઈ આવ્યાં છો તો જવું નથી એમ કહ્યું, પણ મમ્મી એકના બે થયાં નહોતાં. આમ પણ અમારા પરિવારમાં પહેલેથી જ રિવાજ છે કે મમ્મી ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન કરવાની વાત કરે તો પપ્પા હંમેશાં તેમની સાથે રહેતા હતા અને તેમને ઇનકાર કરતા નહોતા.’

મમ્મીની વર્ષો જૂની સિસ્ટમ છે કે તેઓ પાલિતાણા જવા મુંબઈથી અમદાવાદ પ્લેનમાં જાય અને એ પહેલાં અમારી કાર લઈને ડ્રાઇવર અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી ગયો હોય જેમાં મમ્મી અને તેમની સહેલીઓ પાલિતાણા જાત્રા કરવા જાય એમ જણાવીને ચૈતાલીએ કહ્યું હતું કે ‘મમ્મીએ ગુરુવારે સવારે પાલિતાણા જવાની વાત કરી એટલે અમે શુક્રવાર સવારની ૧૧ વાગ્યાની ફ્લાઇટની તેમની અને તેમની બહેનપણી ભાનુબહેન ઝાટકિયાની આવવા-જવાની ટિકિટ બુક કરી દીધી હતી તેમ જ ડ્રાઇવર પણ કાર લઈને અમદાવાદ પહોંચી ગયો હતો. સવારે અમારા રાજાવાડીના બંગલામાં બનાવેલા સીમંધરસ્વામી જૈન દેરાસરમાં મમ્મી પૂજા-સેવા કરીને મુંબઈથી ફ્લાઇટમાં અમદાવાદ પહોંચી ગયાં હતાં. બે વાગ્યે તેમણે મારી સાથે વાતચીત પણ કરી હતી અને પાલિતાણામાં ચાર વાગ્યે માંગલિક થઈ જતું હોવાથી મમ્મીએ પાલિતાણા જવાનો કાર્યક્રમ બીજા દિવસ પર ટાળ્યો હતો.’

જોકે તેમને જાત્રા કરવી જ હતી એટલે શુક્રવારે બપોરે કલ્પનાબહેન, ભાનુબહેન, તેમનો કામવાળો અને ડ્રાઇવર કાર લઈને અમદાવાદથી બરોડા જવા નીકળ્યાં હતાં. તેઓ બરોડા જઈ રહ્યાં હતાં ત્યારે નડિયાદ અને આણંદની વચ્ચે હાઇવે પર તેમની કાર સાથે પાછળથી આવતી એક ટ્રક જોરદાર રીતે અથડાઈ હતી. એમાં પાછળ ડાબી બાજુ બેઠેલાં કલ્પનાબહેન ઊછળીને કાર પર લાગેલા ટીવી સાથે અથડાતાં
તેમના માથામાં વાગ્યું હતું. તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. તેમની સાથે જઈ રહેલાં ભાનુબહેનને મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં હતાં અને કામવાળા અશોકને પણ માર લાગ્યો હતો. જોકે કારનો ડ્રાઇવર આદિત્ય બચી ગયો હતો.

અમારા પર બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ડ્રાઇવર આદિત્યનો અકસ્માતના સમાચાર આપવા માટે ફોન આવ્યો હતો એમ જણાવતાં ચૈતાલીએ કહ્યું હતું કે ‘ડ્રાઇવરે અમને ફોન પર કહ્યું હતું કે કારનો અકસ્માત થયો છે અને મમ્મીને જબરદસ્ત માર લાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. બરોડાથી ઍરબસમાં અમે મમ્મીની ડેડબૉડીને ઘાટકોપર લઈ આવ્યા હતા અને ગઈ કાલે સાંજના ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’

બંગલાનું દેરાસરમાં પરિવર્તન

કલ્પનાબહેન અને તેમના હસબન્ડ હર્ષદ પારેખ ડાબા હાથને ખબર ન પડે એ રીતે દાન કરતાં હતાં એમ જણાવતાં તેમના ફૅમિલી-ફ્રેન્ડ શશિકાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૭ વર્ષ પહેલાં આ દંપતી તેમના રાજાવાડી બંગલામાંથી નીલકંઠ વૅલીમાં રહેવા આવ્યું હતું. ત્યારે કલ્પનાબહેને હર્ષદભાઈને કહ્યું કે આપણે આપણા બંગલાને વેચી દેવાને બદલે એને ભગવાનના ઘરમાં પરવર્તિત કરીએ તો કેમ? દામ્પત્યજીવનની શરૂઆતથી એકબીજાને સદ્કાર્યોમાં હંમેશાં સહયોગ આપતા હર્ષદભાઈએ એક જ ક્ષણમાં કલ્પનાબહેનને સંમતિ આપી દીધી હતી. એને પગલે રાજાવાડીની કૉલોનીનો તેમનો બંગલો સીમંધરસ્વામી જૈન દેરાસરમાં પરિણમ્યો હતો.’

07 March, 2021 09:49 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પોલીસ સાથે ગેરવર્તન કરવાના અને અપશબ્દ બોલવાના આરોપસર મુલુંડના વેપારીની ધરપકડ

પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ મુલુંડ પોલીસે એક વેપારીની ધરપકડ કરી છે.

16 April, 2021 12:30 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

મુંબઈ: બ્રેક ધ ચેઇન ઇફેક્ટ : રસ્તાઓ પર બહુ જ પાંખી અવરજવર

કોરોનાને રોકવા સરકાર દ્વારા કડક પ્રતિબંધ લગાડવામાં આવ્યા હોવાથી ફરી એક વાર મુંબઈગરાનું જીવન સ્થગિત થઈ ગયું છે અને એ દેખાઈ રહ્યું છે. ટ્રેનોમાં માત્ર અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ અને બહુ જ જરૂરી કામ હોય તો જ લોકો પ્રવાસ કરે છે. રસ્તાઓ પણ ખાલીખમ

16 April, 2021 12:33 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

કોરોનાનો ખોટો નેગેટિવ રિપોર્ટ બનાવવાના આરોપસર લૅબના ટેક્નિશ્યનની થઈ ધરપકડ

લોકો પાસેથી રિપોર્ટદીઠ ૧૦૦૦ રૂપિયા લઈને કોઈ પણ જાતની ટેસ્ટ વિના મોબાઇલ પર મોકલી આપતો

16 April, 2021 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK