૪૮,૦૦૦ રૂપિયાની રોકડ સાથે ૧.૨૦ લાખની કિંમતનાં ૫૦ સીવેલાં બ્લાઉઝ પણ ચોરાયાં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભિવંડી વિસ્તારમાં એક અનોખી ચોરીનો બનાવ સામે આવ્યો છે. એમાં ચોરે મહિલાઓનાં સીવીને તૈયાર રાખેલાં ૫૦ મોંઘાં બ્લાઉઝ ચોરી લીધાં છે. આ બ્લાઉઝની કુલ કિંમત આશરે ૧.૨૦ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દુકાનમાં રાખેલી અંદાજે ૪૮,૦૦૦ રૂપિયાની રોકડ અને દુકાનમાં ઉપયોગમાં લેવાતો મોબાઇલ ફોન ચોરી થયા હોવાની ફરિયાદ ભિવંડીના પારનાકા નજીક દુકાન ધરાવતા ૩૮ વર્ષના ટેલરે ભિવંડી સિટી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાવી હતી. આ સમગ્ર બનાવથી દુકાનના માલિક તેમ જ ગ્રાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ કેસમાં ફરિયાદી ટેલરે પોતાની પાસે અગાઉ નોકરી કરતા એક કર્મચારી પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે એના આધારે તપાસ શરૂ કરી છે. ભિવંડીમાં બનેલી આ અનોખી ચોરી ચર્ચાનો વિષય બની છે.
ભિવંડી સિટી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ક્રિષ્ના ખરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે ૧૧ વાગ્યે દુકાનનો માલિક અને બે કર્મચારીઓ દુકાન વધાવીને ઘરે ગયા હતા. ગઈ કાલે સવારે ફરિયાદી દુકાને આવ્યો ત્યારે હૅન્ગરમાં લટકાવેલાં ૫૦ બ્લાઉઝ ગુમ જોવા મળ્યાં હતાં તેમ જ ૪૮,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને દુકાનમાં રાખેલો એક મોબાઇલ ફોન પણ ગાયબ હતાં. દુકાનના માલિકે તેની પાસે પહેલાં કામ કરતા એક કર્મચારી પર શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.’
આ ઘટનાને કારણે ગ્રાહકોને તેમનાં મોંઘાં કપડાં કેવી રીતે પાછાં આપવા એ વિશે દુકાનમાલિક ચિંતિત છે.
