Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધર્મના નામે ચરી ખાનારાઓ કરતાં પ્રબોધનકાર ઠાકરે ધર્માભિમાની હતા

ધર્મના નામે ચરી ખાનારાઓ કરતાં પ્રબોધનકાર ઠાકરે ધર્માભિમાની હતા

18 September, 2022 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરેએ પોતાના દાદાનો ધર્મ કેવો હતો એ વિશે શરદ પવારને સણસણતો જવાબ આપ્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ-મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગયા વર્ષથી મસ્જિદો પરનાં લાઉડસ્પીકર દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરીને હિન્દુત્વવાદી વલણ અપનાવ્યા બાદ એનસીપીના ચીફ શરદ પવારે રાજ ઠાકરેને સલાહ આપી હતી કે તેમણે તેમના દાદા પ્રબોધનકાર ઠાકરેનાં પુસ્તક વાંચવાં જોઈએ. ગઈ કાલે પ્રબોધનકાર ઠાકરેનો જન્મદિવસ હતો એ સંદર્ભે રાજ ઠાકરેએ શરદ પવારને જવાબ આપ્યો હતો કે ‘મારા દાદા હિન્દુત્વવાદી હતા. ધર્મના નામે તેઓ ચરી નહોતા ખાતા. તેમનાં ભાષણ અને લેખમાં છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના મહામાનવ હતા એ લોકોને યાદ કરાવતા હતા.

રાજ ઠાકરેએ ગઈ કાલે પોતાના દાદાની જન્મજયંતીએ ટ્વિટરમાં એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે પ્રબોધનકાર ઠાકરેનું એક ભાષણ મૂક્યું હતું. દાદાનું આ એક દુર્લભ ભાષણ છે એ બધાએ જરૂર સાંભળવું જોઈએ. મારા દાદાનો ધર્મ હિન્દુત્વનો વિરોધ કરનારો નહોતો, પરંતુ તેઓ કમાલના હિન્દુ ધર્માભિમાની હતા. ફક્ત ધર્મના નામે ચાલતાં ધતિંગ અને લોકોને ફસાવવાનું તેમને ગમતું નહોતું અને આવું કરનારાઓને તેઓ ફટકારતા હતા. તેમણે જીવનભર લોકોના મનમાંથી ધર્મનો ડર કાઢીને ધર્મમાં આસ્થા અને પ્રેમ નિર્માણ કર્યાં હતતાં. આજે રઝાકારી ઔલાદ માથું ઊંચકી રહી છે. અનેક જગ્યાએ મા-બહેનની છેડતી કરે છે. દાદાએ ભાષણમાં જેમ કહ્યું છે એમ આવા લોકોના ગાલ પર ચપાટ મારવી જોઈએ. કદાચ તમારા નેતા આવું કરતાં અચકાય, પણ તમે ગભરાતા નહીં.’



વેદાંત કંપની પાસેથી ૧૦ ટકા માગેલા? :આશિષ શેલાર


સેમી કન્ડક્ટર બનાવવા માટેનો વેદાંત ફૉક્સકૉન કંપનીનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી જવાના મામલે વિરોધ પક્ષો છેલ્લા કેટલાક દિવસથી એકનાથ શિંદે સરકારની જોરદાર ટીકા કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે બે ટ્વીટ કરીને સવાલ કર્યા હતા. પહેલી ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષમાં મહારાષ્ટ્રમાં ઉદ્યોગોને વીજળી અને બીજી સુવિધા અને અનુદાનની રકમ આપવા માટે તેમની પાસેથી ૧૦ ટકા લાંચ લેવામાં આવી હતી. આટલો ભ્રષ્ટાચાર સરકારમાં ચાલતો હતો એનું રહસ્ય નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉજાગર કર્યું હતું.’ બીજી ટ્વીટમાં આશિષ શેલારે લખ્યું હતું કે ‘વેદાંત-ફૉક્સકૉનનો દોઢ લાખ કરોડનો પ્રોજેક્ટ હતો, તો એમાં કેટલા ટકા માગવામાં આવ્યા હતા?’

આદિત્ય ઠાકરેએ ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે : રામદાસ કદમ


મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતા રામદાસ કદમે ગઈ કાલે યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ કર્યો હતો. આદિત્ય ઠાકરે મહા વિકાસ આઘાડી સરકારમાં પર્યાવરણ પ્રધાન હતા. એ સંબંધે રામદાસ કદમે આદિત્ય ઠાકરે પર મોટો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ મૂકતાં કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા લીધા હતા.’ આ સંદર્ભે તપાસ કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્ર લખ્યો હોવાનું રામદાસ કદમે કહ્યું હતું. 

દશેરા સભા શિવતીર્થ પર જ થશે : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાની પરંપરાગત દશેરા સભા બાબતે એકનાથ શિંદે જૂથ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ પક્ષના પદાધિકારીઓની બેઠક બોલવી હતી જેમાં તેમણે દશેરા સભા માટેની તૈયારી કરવાનું કહ્યું હતું. શિવસેના ભવનમાં થયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના વિભાગ પ્રમુખ અને ઉપવિભાગ પ્રમુખ સહિત મુખ્ય પદાધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ બધાને દશેરા સભાની તૈયારી કરવાની સાથે બીજા કેટલાક મહત્ત્વના આદેશ આપ્યા હતા. શિવતીર્થ પર શિવસેનાની દશેરા સભા થશે જ એટલે આ બાબતે કોઈ ભ્રમમાં ન રહે. મહિલા સંગઠન, યુવાસેનાના નેતાઓને દશેરા સભામાં લોકોને ગિરદી ભેગી કરવા માટેનું કામ શરૂ કરવાનું કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ આ સમયે વેદાંત ફૉક્સકૉન સેમી કન્ડક્ટર કંપની રાજ્યમાંથી બહાર જવા માટે અત્યારની સત્તાધારી સરકાર જ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. મહા વિકાસ આઘાડી સરકારે આ ૧.૫૪ લાખ કરોડ રૂપિયાનો પ્લાન્ટ મહારાષ્ટ્રમાં લાવવા માટે અથાક પ્રયાસ કર્યા હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈ બીએમસીને બે વખત પત્ર લખ્યા બાદ પણ હજી સુધી કોઈ જવાબ કે નિર્ણય ન લેતાં ગઈ કાલે દશેરા સભાની પરવાનગી બાબતે બીએમસી પાસેથી લેખિતમાં જવાબ આપવાની માગણી ઉદ્ધવ ઠાકરે જૂથે કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK