શિવસેનાના ભાગલા પડ્યા બાદ મીરા-ભાઈંદરમાં જગ્યાના અભાવે એકનાથ શિંદેની શિવસેનાએ કન્ટેનરમાં જ શાખાઓ શરૂ કરી છે. એના જવાબમાં BJPએ સુધરાઈના કમિશનરના બંગલાની સામે કન્ટેનર મૂકીને જનસંપર્ક કાર્યાલય બનાવી દીધું છે
મીરા-ભાઈંદરમાં કન્ટેનરમાં શરૂ કરવામાં આવેલી શિવસેનાની શાખા અને BJPએ કન્ટેનરમાં શરૂ કરેલું જનસંપર્ક કાર્યાલય.
મીરા-ભાઈંદરમાં આજકાલ શિવસેનાની કન્ટેનર શાખા સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જનસંપર્ક કાર્યાલયનો જંગ ચાલી રહ્યો છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ એકનાથ શિંદેની શિવસેના દ્વારા મીરા-ભાઈંદરમાં વિવિધ સ્થળે એક પછી એક કન્ટેનર શાખા શરૂ કરવામાં આવી રહી છે. શિવસેનાની આ પ્રકારની કન્ટેનર શાખામાં લોકોનાં કામ ઝડપથી થઈ રહ્યાં હોવાથી BJPના પેટમાં તેલ રેડાયું છે. મીરા-ભાઈંદરમાં શિવસેનાનું વર્ચસ વધશે તો ભવિષ્યમાં BJPની મુશ્કેલી વધી શકે છે એને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં BJPએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરના કાણકિયા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનની સામે એક કન્ટેનર મૂકીને જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન BJPના સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના હાથે કર્યું હતું.
કન્ટેનર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ કટાક્ષમાં કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ઉદાર દિલના છે. તેમનું માનવું છે કે વિવિધ સ્થળે કન્ટેનર શાખા શરૂ કરવાથી જનતાનાં કામ ઝડપથી થઈ શકશે. આથી તેઓ ગેરકાયદે મૂકવામાં આવેલા કન્ટેનર સામે કાર્યવાહી નથી કરતા. બીજી પાર્ટી કન્ટેનર શાખા શરૂ કરી શકે છે તો અમે પણ આવી જ રીતે કન્ટેનરમાં કાર્યાલય શરૂ કર્યું છે.’
ADVERTISEMENT
લોકોનું કહેવું છે કે કન્ટેનર શાખા અને કાર્યાલયના જંગમાં શહેરની સુંદરતા પ્રભાવિત થઈ રહી છે. એટલું જ નહીં, કન્ટેનર ફુટપાથ પર કે રસ્તાના ખૂણે કે નાળાની ઉપર મૂકવામાં આવ્યાં છે જેને લીધે આવવા-જવામાં મુશ્કેલી થાય છે.
ઉલ્લેખનીય છે કે મીરા-ભાઈંદરમાં BJP અને શિવસેના મોટા ભાગે યુતિમાં સ્થાનિક ચૂંટણી લડે છે, પણ છેલ્લા કેટલાક સમયમાં BJP અને શિવસેનાના સ્થાનિક નેતાઓ વચ્ચે મતભેદ શરૂ થયા છે ત્યારથી અહીં પોતાની તાકાત વધારવા માટે બન્ને પક્ષો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયાસનો જ એક ભાગ કન્ટેનર શાખાની લડાઈ છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર રાધોગોવિંદ શર્માએ કહ્યું હતું કે ‘અમે કાયદા પ્રમાણે ચાલીશું. કન્ટેનર શાખા કે કાર્યાલય કાયદેસર હશે તો અમે મંજૂરી આપીશું અને ગેરકાયદે હશે તો કાર્યવાહી કરીશું.’
શિવસેનાની શાખા માટે વધુ એક કન્ટેનર મીરા રોડમાં મૂકવામાં આવ્યું

મીરા-ભાઈંદરમાં શિવસેના અને BJP વચ્ચે કન્ટેનર શાખા અને કન્ટેનર કાર્યાલયનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુરુવારે મીરા રોડના શાંતિનગરના સેક્ટર ત્રણમાં શિવસેનાનું વધુ એક કન્ટેનર આવી પહોંચ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારના ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવક અશ્વિન કાસોદરિયાએ બે દિવસ પહેલાં એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એ માટે નવું કન્ટેનર લાવીને શાંતિનગરમાં મૂકવામાં આવ્યું છે જેમાં ટૂંક સમયમાં શિવસેનાની શાખાની શરૂઆત કરવામાં આવશે. શાંતિનગર ગુજરાતી વિસ્તાર છે એટલે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિમાં અહીં BJP ઉપરાંત શિવસેનામાંથી પણ ગુજરાતી ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઊતરવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે મીરા-ભાઈંદરમાં શિવસેનાના કન્ટેનરમાં અત્યાર સુધી ૧૬ શાખા છે એમાં એક શાખાનો વધારો થશે.
કન્ટેનર વૉરમાં થઈ પોલીસની પણ એન્ટ્રી

મીરા રોડમાં કાશીગાવ વિસ્તારમાં આવેલા જરીમરી મંદિરના ગેટ પાસે ગઈ કાલે પોલીસે એક કન્ટેનર લાવીને મૂક્યું હતું. પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓનો ભારે ત્રાસ છે એટલે સ્થાનિક રહેવાસીઓની માગણી મુજબ એક કન્ટેનર પોલીસચોકી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે એક કન્ટેનરને લાવીને મૂકવામાં આવ્યું છે જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કન્ટેનર ચોકીમાં એક ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને તહેનાત કરવામાં આવશે.


