માથામાં ઈજા થવાથી સેક્રેટરી અનંત તિવારીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું એટલે તેને પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
ભવન સોસાયટીના સેક્રેટરી અનંત તિવારી
ભાઈંદર-વેસ્ટમાં જે. પી. રોડ પરની ખાઉગલી પાસે પ્રકાશ ભવન નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બહાર ચંપલનો એક સ્ટૉલ છે. આ સ્ટૉલના માલિક અરવિંદ ઉર્ફે પપ્પુ કદમે પ્રકાશ ભવન સોસાયટીના સેક્રેટરી અનંત તિવારી પર બુધવારે રાત્રે અચાનક હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. અનંત તિવારીએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં લખ્યું છે કે તે સોસાયટીની કમિટીના સભ્યો સાથે બિલ્ડિંગના રીડેવલપમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આરોપી પપ્પુ કદમ તેમની પાસે ગયો હતો અને સોસાયટીની બહાર ચંપલનો બાંકડો લગાવવા માટે મંજૂરી આપવાનું કહ્યું હતું. સોસાયટીની બહારની જગ્યા મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની છે એટલે આવી મંજૂરી સોસાયટી ન આપી શકે. આ સાંભળીને પપ્પુ કદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તું બહુ શાણો બને છે, ઊભો રહે તને દેખાડું છું’ એમ કહીને માથા પર કોઈક વજનદાર વસ્તુ ફટકારી હતી. આ હુમલાથી માથામાંથી લોહી નીકળવા લાગતાં સોસાયટીના સભ્યોએ હુમલો કરનારાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બાઇક પર પલાયન થઈ ગયો હતો.
માથામાં ઈજા થવાથી સેક્રેટરી અનંત તિવારીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું એટલે તેને પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પપ્પુ કદમ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

