ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ-સ્ટેશને હવે આરોપી અને ડૉક્ટરની ધરપકડ કરી છે એટલું જ નહીં, દાટી દેવામાં આવેલા ભ્રૂણને પણ જમીનમાંથી તપાસ માટે બહાર કાઢવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગરમાં રહેતા આરોપીએ પાડોશમાં રહેતી ૧૭ વર્ષની ટીનેજર પર બળાત્કાર કર્યો હતો. એ પછી તે ગર્ભવતી થતાં તેની ઉંમરના ખોટા ડૉક્યુમેન્ટ્સ બનાવીને તેનો સાતમા મહિને બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ-સ્ટેશને હવે આરોપી અને ડૉક્ટરની ધરપકડ કરી છે એટલું જ નહીં, દાટી દેવામાં આવેલા ભ્રૂણને પણ જમીનમાંથી તપાસ માટે બહાર કાઢવામાં આવ્યું હતું.
બળાત્કારનો આ કિસ્સો જુલાઈ મહિનામાં બન્યો હતો. આરોપીએ ટીનેજર પર અવારનવાર બળાત્કાર કર્યો હતો. એ પછી ટીનેજર ગર્ભવતી થઈ હતી એટલે હોબાળો મચી ગયો હતો. આરોપીએ તેને ગર્ભપાતની ગોળીઓ ખાવા આપી હતી. જોકે એ પછી પણ ગર્ભપાત ન થતાં આરોપીની પત્ની અને મમ્મીએ ટીનેજરને ગર્ભપાત કરવા દબાણ કર્યું હતું. એ પછી ટીનેજરની ઉંમરના ખોટા દસ્તાવેજો બનાવીને તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. ડૉક્ટરે ગર્ભપાત કરવા હૉસ્પિટલમાં જવાની સલાહ આપી હતી. એ પછી સરકારી હૉસ્પિટલમાં સાતમા મહિને તેનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આરોપીની પત્ની અને મમ્મીએ એ ભ્રૂણને દફનાવી દીધું હતું. ટીનેજરની મમ્મી ગામથી આવ્યા બાદ તેને આ ઘટનાની જાણ થતાં ૨૩ ફેબ્રુઆરીએ પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. એ પછી પોલીસે ઍક્શન લઈ આરોપી અને ડૉક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


