Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખાડો કોઈનો જીવ લે એ પહેલાં ‘મિડ-ડે’એ જગાડ્યા સત્તાવાળાને

ખાડો કોઈનો જીવ લે એ પહેલાં ‘મિડ-ડે’એ જગાડ્યા સત્તાવાળાને

07 July, 2022 08:10 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

થાણેમાં બાઇકરનો જીવ ખાડાએ લીધાના એક દિવસ પછી ગઈ કાલે ‘મિડ-ડે’એ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલે પાર્લેમાંના મસમોટા જીવલેણ ખાડાઓ તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું અને એને કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ ભરી દેવાયા

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલે પાર્લે પાસે હાઇવેની વચ્ચે ખાડા જોવા મળ્યા હતા (ડાબે), ‘મિડ-ડે’એ એમએમઆરડીએના તંત્રને ખાડાની ગંભીરતાનો વિડિયો શૅર કરતાં તાત્કાલિક એના પર ઍક્શન લઈને ખાડા રિપેર કરાયા હતા(જમણે). (તસવીર : શાદાબ ખાન)

મિડ-ડે ઇમ્પૅક્ટ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલે પાર્લે પાસે હાઇવેની વચ્ચે ખાડા જોવા મળ્યા હતા (ડાબે), ‘મિડ-ડે’એ એમએમઆરડીએના તંત્રને ખાડાની ગંભીરતાનો વિડિયો શૅર કરતાં તાત્કાલિક એના પર ઍક્શન લઈને ખાડા રિપેર કરાયા હતા(જમણે). (તસવીર : શાદાબ ખાન)


થાણેના ઘોડબંદર રોડ પર મંગળવારે બાઇક પર જઈ રહેલા એક યુવાનનું ખાડાને લીધે મૃત્યુ થયા બાદ ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરીવલી તરફ જતી વખતે વિલે પાર્લેમાં ઍરપોર્ટનો જે ફ્લાયઓવર આવે છે એના પહેલાં રસ્તાની વચ્ચોવચ મોટા ખાડા પડી ગયા હોવાથી બાઇકરો માટે એ જીવલેણ બને એમ હોવાથી ‘મિડ-ડે’એ પ્રશાસનનું ધ્યાન દોરતાં કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ આ ખાડાને પૂરી દેવામાં આવ્યા હતા.

આ ખાડા અંદાજે બેથી અઢી ફુટ જેટલા હોવાથી અને એમાં વરસાદનું પાણી ભરાયું હોવાથી વાહનચાલકોને એનો અંદાજ રહેતો નહોતો. આ ઉપરાંત આવા રસ્તા પર વાહન અને ખાસ કરીને બાઇક પાસ થતાં બાઇકરોનું બૅલૅન્સ જતું હતું અને અકસ્માતની ભારોભાર શક્યતા હતી. આ જ કારણસર ‘મિડ-ડે’એ તાત્કાલિક એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસને વિડિયો મોકલ્યો હતો. તેમણે પણ એની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. મંગળવારે રાતે પડેલા મુશળધાર વરસાદને કારણે આ ખાડા પડ્યા હોવાનું જણાવીને તેમણે તરત જ સંબંધિત એન્જિનિયરને ટીમ સાથે ખાડા પૂરવા મોકલી હતી. આ ટીમે તાત્કાલિક આ ખાડાને પૂરવાનું કામ હાથ ધર્યું હતું. એથી આ અત્યંત મહત્ત્વના રસ્તા પર ખાડા જીવલેણ બને એ પહેલાં જ જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં.



વાહનચાલકોનું શું કહેવું છે?
વિરારથી મુંબઈની એક હૉસ્પિટલમાં ઘૂંટણનો ઇલાજ કરવા જતાં રેખા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ઘૂંટણનો ઇલાજ મુંબઈમાં ચાલી રહ્યો હોવાથી ફોર-વ્હીલર લઈને જવું જરૂરી હતું. દુખાવો વધુ હોવાથી ચેક-અપ કરવા જવું અનિવાર્ય બની ગયું હતું. એથી મુશળધાર વરસાદમાં પણ અમે નીકળ્યા હતા. રસ્તાઓ પર ખાડા તો સમજ્યા, પણ હાઇવે પર પણ આટલા જલદી ખાડા પડે એ નજરે જોયા. ઘોડાગાડીમાં બેઠા હોવાનો અનુભવ કરતાં-કરતાં અમે વિરારથી હાઇવે પર પહોંચ્યાં હતાં. વિલે પાર્લે પહોંચતાં રસ્તાની વચ્ચોવચ આ રીતના ખાડા પર મારા પતિનું ધ્યાન ન રહ્યું, કારણ કે વરસાદ પણ હતો અને ખાડામાં પાણી પણ ભરેલું હતું અને એક ટાયર એમાં જતાં જોરદાર ઝટકો લાગ્યો હતો. ખરું કહું તો મારી આંખમાંથી પાણી નીકળી ગયું એટલો દુખાવો થવા લાગ્યો હતો.’


મીરા રોડથી બાંદરા બાઇક પર જતા રાજેશ પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પરાંમાં કોઈ અંદરના રસ્તા પર ખાડા પડ્યા હોય તો એ જોઈને તમે બાઇકને થોડી બાજુએથી પાસ કરીને લઈ જઈ શકો છો અથવા તો સ્લો કરીને ચલાવી શકો છો, પરંતુ હાઇવે પર તો પાછળ પણ વાહનો ફુલ સ્પીડમાં આવતાં હોય એટલે સ્લો કરીએ તો પાછળ આવતું વાહન ઠોકર મારશે એવો ડર લાગતો હોય છે. મારી આદત છે કે હું બાઇક કૉર્નર પર ચલાવતો નથી. હાઇવે પર વચ્ચે બાઇક ચલાવીએ તો વધુ સેફ લાગે છે. જોકે ગઈ કાલે એક તો વરસાદ અને કામ પર જવામાં મોડું પણ થતું હતું. ત્યાં વિલે પાર્લે આવતાં જે ખાડા રસ્તા પર મળ્યા એમણે મને ભયભીત કરી નાખ્યો હતો. આવા ખાડા પર જતાં બૅલૅન્સ રહેતું નથી અને ખાડામાં પાણી ભરાઈ જતાં એનો અંદાજ પણ રહેતો નથી.’

એમએમઆરડીએનું શું કહેવું છે?
એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વરસાદની શરૂઆત પહેલાં અમે બધે તપાસ કરી હતી કે કોઈ ખાડા તો નથીને? જોકે મંગળવારે ભારે વરસાદને કારણે આ ખાડા પડ્યા હતા. આ વિશે અમને તમારા માધ્યમથી માહિતી મળતાં તાત્કાલિક પગલાં લઈ ત્યાં કામચલાઉ રિપેરિંગ કરીને ખાડા પૂરી દીધા છે. વરસાદ અટકે અને રસ્તો થોડો સુકાઈ ગયા બાદ આ ખાડા પર ડામરીકરણ કરવામાં આવશે. આવી કોઈ પણ માહિતી અમારા સુધી પહોંચશે તો અમે તરત ઍક્શન લઈશું. આવી કોઈ પણ સમસ્યા વિશે જાણકારી કરાશે તો લોકોને પણ કોઈ અડચણ આવશે નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2022 08:10 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK