પ્રવાસ જેના માટે શોખ નહીં પણ જીવનશૈલી છે એવી સોલો ટ્રાવેલર પૂર્વી પટેલ બ્લૉગ-રીલ્સના માધ્યમથી પોતાના ટ્રાવેલની રસપ્રદ સ્ટોરીઝ શૅર કરે છે એટલું જ નહીં, દરેકને કામમાં આવે એવી ટિપ્સ પણ આપે છે.
પૂર્વી પટેલ
જો તમે બૉલીવુડની સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ જોઈ હોય તો તમને રણબીર કપૂરનું પાત્ર બની તો યાદ હશેને? મસ્તીખોર, થોડો સાહસી તો થોડો નાદાન, આખી દુનિયા ફરવાનું સ્વપ્ન જોવાવાળો બની ઘણા માટે ફક્ત એક કાલ્પનિક પાત્ર જ છે, કેમ કે મોટા ભાગનાં ભારતીય માતા-પિતા પોતાનાં બાળકોને પરંપરાગત કારકિર્દી છોડીને પ્રવાસને જીવન કે કારકિર્દી તરીકે પસંદ કરવાની છૂટ ન આપે. જોકે વિચારો કે બની કોઈ વાસ્તવિક પાત્ર હોય અને એ પણ છોકરો નહીં પણ મુંબઈની એક છોકરી જે એક જિપ્સી જેવું જીવન જીવવા માગે અને પોતાની એક ટ્રાવેલર તરીકે આગવી ઓળખ બનાવે તો?
મળીએ મુંબઈ કી છોરી પૂર્વી પટેલને. મુંબઈની ગલીઓથી લઈને દુનિયાના અનેક દેશોની મુલાકાત સાથે આજે પૂર્વી એક બ્લૉગર અનો ઇન્સ્ટાગ્રામર તરીકે આગવી ઓળખ ધરાવે છે. પૂર્વી માટે પ્રવાસ એક શોખ નહીં પણ એક જીવનશૈલી છે. ૨૦ કરતાં વધુ દેશોની મુસાફરી કરનારી પૂર્વી મેઘાલયના સીક્રેટ વૉટરફૉલ્સ હોય કે પછી મૉલદીવ્ઝના પ્રાઇવેટ આઇલૅન્ડ, દરેક સ્થળમાં એક અલગ જ જાદુ શોધી કાઢે છે અને તેની વાતો દુનિયાભરના લોકો સુધી પહોંચાડે છે ટ્રાવેલ ટેલ્સ બાય પૂર્વીના માધ્યમથી. તે ફક્ત પોતે પ્રવાસ કરે છે એવું નથી, તેના હજારો ફૉલોઅર્સને પણ પોતાની સાથે પ્રવાસ કરાવે છે. પર્વતોની શાંતિથી લઈને શહેરોની ઝાકઝમાળ સુધી તે તેની સફર દરમિયાન મેળવેલા અનુભવો, પ્રવાસીઓને મદદરૂપ થાય એવી ટિપ્સ અને રસપ્રદ ફોટોઝ દ્વારા પોતાનાં અનોખાં બ્લૉગ અને રીલ્સ રજૂ કરે છે. લોકો જે પ્રવાસને ફક્ત મોજશોખ માને છે એને પૂર્વીએ એક સમાંતર કારકિર્દી બનાવી છે અને પોતાના આ સાહસ દ્વારા તે સાબિત કરી રહી છે કે જો દૃઢ મનોબળ હોય તો સફર પણ જીવનનો ભાગ બની શકે.
૨૦૨૫ના કુંભમેળામાં
પહેલા વીઝા-સ્ટૅમ્પનો હરખ
૩૪ વર્ષની પૂર્વી પૅશન-ટ્રાવેલર છે તેમ જ ચિમ્પ્ઝલૅબ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કો-ફાઉન્ડર અને ક્રીએટિવ ડિરેક્ટર છે. ઍડ્વર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ થયેલી પૂર્વી માટે મુસાફરી ફક્ત એક શોખ નથી, તેના પિતા દિલીપ પટેલ પાસેથી મળેલો વારસો છે. દરેક મધ્યમવર્ગીય ભારતીય પરિવારની જેમ જ્યારે તેણે તેના નવા પાસપોર્ટ પર પ્રથમ વીઝા-સ્ટૅમ્પ જોયો ત્યારે તે હરખઘેલી થઈ ગયેલી. ૨૦૧૦ની વાત છે. એ સમયે હજી તે ગ્રૅજ્યુએટ પણ નહોતી અને તે તેનાં મમ્મી-પપ્પા સાથે સિંગાપોર અને મલેશિયા ફરવા ગયેલી. આ સફરે તેને સમજાવ્યું કે મુસાફરી માટે તેનો પ્રેમ તેના માટે ઑક્સિજન જેટલો જરૂરી છે. જ્યારે પૂર્વી કમાવા લાગી ત્યારે તેણે ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. તેના શરૂઆતના પ્રવાસો સ્થાનિક હતા. મુખ્યત્વે મુંબઈ નજીકનાં સ્થળો, ટ્રેકિંગ વગેરે; જેના કારણે તેણે તેના બ્લૉગનું નામ ‘મુંબઈ કી છોરી’ રાખ્યું. જોકે જેમ-જેમ તે વૈશ્વિક સફરો કરવા માંડી અને વિવિધ દેશોની મુલાકાત લેતી થઈ એમ તેને લાગ્યું કે તેના બ્લૉગ માટે એક નવું નામ હોવું જોઈએ. આ જ વિચાર સાથે ‘ટ્રાવેલ ટેલ્સ બાય પૂર્વી’નો જન્મ થયો. ત્યાર બાદ તેણે પાછું વળીને જોયું નથી અને બ્લૉગ લખવા ઉપરાંત હવે તો તે ઇન્સ્ટાગ્રામ પર પણ છવાઈ ગઈ છે.
સિક્કિમની સંસ્કૃતિ જુઓ
પહેલી સોલો ટ્રિપ
૨૦૧૭માં પૂર્વીનાં લગ્ન નિશાંત સાથે થયાં. તેને લાગ્યું કે હવે તે તેના જીવનસાથી સાથે ટ્રાવેલ કરશે, પણ તેના પતિનો સ્વભાવ તેનાથી વિપરીત હતો. તે કામ અને કરીઅર પ્રત્યે ફોકસ્ડ હતો, પરંતુ તેમ છતાં તેણે પૂર્વીના ટ્રાવેલ-પૅશનને સપોર્ટ કર્યો અને તેને પહેલી વાર લૉન્ગ સોલો ટ્રિપ કરવા માટે તૈયાર કરી. પોતાના આ અનુભવની વાત કરતાં પૂર્વી કહે છે, ‘મેઘાલયની મારી પહેલી સોલો ટ્રિપમાં મને નિશાંતે ધક્કો મારીને મોકલાવી એમ કહું તો ખોટું નહીં. પણ આ પ્રવાસે મારું આખું જીવન બદલી નાખ્યું. મને સારા-નરસા અનેક અનુભવો થયા અને હું એક વ્યક્તિ તરીકે વધુ મૅચ્યોર બની. આ ટ્રિપમાં મારી રિટર્ન ફ્લાઇટ એક ઍરપોર્ટ પરથી બીજા પર ટ્રાન્સફર થઈ ગયેલી અને પછી મારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી એ મિસ થઈ ગઈ, પરંતુ આ બધામાં મને ઍરપોર્ટ સ્ટાફની જે મદદ મળી અને માણસાઈનો મેં જે અનુભવ કર્યો એ મને હંમેશાં યાદ રહેશે.’
જપાની ગુડિયા
લવ યુ જપાન
એક ટ્રાવેલર તરીકે પોતાનો અનુભવ શૅર કરતાં પૂર્વી જણાવે છે, ‘હું છેલ્લા દાયકાથી સોલો ટ્રાવેલ કરું છું. દેશ-વિદેશની સફર તમને ઘણું શીખવે છે. નવી સંસ્કૃતિ, નવા લોકો, પહેરવેશ, બોલી, જીવન જીવવાની રીત... આ બધા જ ઑથેન્ટિક અનુભવો મારા ફૉલોઅર્સ સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું. જપાન દેશના તો હું પ્રેમમાં પડી ગઈ છું. જો ભારત પછી મને ક્યાંક કાયમી વસવાટ કરવો હશે તો હું જપાન પર જ પસંદગીનો કળશ ઢોળીશ. એક આદર્શ સમાજ કેવો હોય, સેલ્ફ-ડિસિપ્લિન હોય કે પછી સ્વચ્છતાની વાત; આ દેશ પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. મારા માટે પ્રવાસ સાથે નવા લોકો સાથેની વાતચીત પણ અત્યંત મહત્ત્વની છે. નવા લોકો પાસેથી તમને નવો અભિગમ જાણવા મળે છે. હું જ્યારે પણ ટ્રાવેલ કરું છું ત્યારે એ સ્થળના લોકલ લોકો સાથે વાત જરૂર કરું છું.’
ડિઝનીલૅન્ડમાંં હસબન્ડ સાથે
બ્લૉગનો વિચાર કઈ રીતે આવ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં પૂર્વી કહે છે, ‘હું ટ્રાવેલ કરવા લાગી એટલે ફૅમિલી અને ફ્રેન્ડસર્કલમાં કોઈને પણ ફરવા જવું હોય તો મારો સંપર્ક કરવા લાગ્યા અને આ સીઝનમાં કયા સ્થળે જવુંથી માંડીને કઈ હોટેલ સારી, કેટલા દિવસ ટ્રિપ પર જવું જોઈએ સહિત અનેક પ્રશ્નો મને રેગ્યુલરલી આવવા લાગ્યા અને તેથી મને આઇડિયા આવ્યો કે વાય નૉટ સ્ટાર્ટ અ બ્લૉગ? અને પ્રવાસ દરેક માટે ઈઝી અને સુલભ બને એ હેતુથી મેં બ્લૉગ શરૂ કર્યો. મારે મારી સ્ટોરીઝ દ્વારા લોકોને હેલ્પ કરવી છે જેથી મિડલ ક્લાસ વ્યક્તિ પણ ઓછા બજેટમાં યાદગાર ટ્રાવેલ કરી શકે. હું મારી ભૂલો પરથી શીખીને લોકોને બનેતેટલી યુઝફુલ ટિપ્સ આપવાની કોશિશ કરું છું.’
શૂટિંગ માટે ૧૫ મિનિટ
બ્લૉગ-રીલના શૂટિંગ સાથે ઑથેન્ટિક અનુભવો માણવા મુશ્કેલ નથી પડતા? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે કહે છે, ‘મારો એક રૂલ છે. હું નવા સ્થળે જાઉં એ પહેલાં જ બધી તૈયારી કરી લઉં છું અને માત્ર ૧૫ મિનિટ માટે જ મોબાઇલ કે કૅમેરાનો ઉપયોગ કરીને બેસ્ટ શૉટ્સ લઈ લઉં છું. પછી હું ફક્ત એ સ્થળને માણું છું. આ કારણે ઑથેન્ટિક અનુભવો પર વધુ ધ્યાન આપી શકું છું. હું મારા ટ્રાવેલ-એક્સ્પીરિયન્સને જ્યારે શૅર કરું છું ત્યારે એક જ વસ્તુ મગજમાં હોય છે કે લોકોને શું જોઈએ છે. મારા ઑડિયન્સને પ્રૅક્ટિકલ કન્ટેન્ટ જોઈએ છે તો હું એ રીતે જ મારાં બ્લૉગ-રીલ બનાવું છું જેથી લોકોનો વધુ સમય ન બગડે અને તેમને સૌથી બેસ્ટ માહિતી મળે જે તેઓ પોતાના ટ્રાવેલિંગમાં યુઝ કરી શકે. મારી કન્ટેન્ટમાં હું ખાસ ધ્યાન રાખું છું કે બેસ્ટ સીઝન કઈ છે. તેમ જ તે સ્થળની ક્લાઇમેટ-કન્ડિશન પર પણ માહિતી આપું છું જેથી તેમને પહેલેથી ખબર હોય કે ત્યાં કેવાં કપડાં લઈ જવાં, કઈ રીતે તૈયારી કરવી, હું મિનિમમ અથવા મૅક્સિમમ બજેટ વિશે પણ ખાસ જણાવું છું. કેટલા બજેટમાં કેવી હોટેલો અથવા કઈ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ એના પર પણ હું ખાસ ભાર મૂકું છું.’
બજેટ મોટી ચૅલેન્જ
એક બ્લૉગર તરીકે તમારા માટે સૌથી મોટો પડકાર કયો? પૂર્વી કહે છે, ‘હું એક બજેટ-ટ્રાવેલર છું અને મારા માટે ફન્ડ અને બજેટ સૌથી મોટી ચૅલેન્જ છે. મારે દરેક સફર લિમિટેડ બજેટમાં કરવાની હોય છે, જેથી હું બીજા ટ્રાવેલ-પ્લાન માટે પૈસા બચાવી શકું. બ્રૅન્ડ કે ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગમાં કમાણી થાય તો થાય, નહીંતર તમારે ગાંઠના ગોપીચંદન કરવા પડે. આ ઉપરાંત ટ્રાવેલમાં તમે પ્લાનિંગ કરો એમ જ બધું થાય એ જરૂરી નથી. અચાનક વરસાદ આવે, ટ્રેન મિસ થઈ જાય જેવા અનેક કિસ્સા બને અને આખો પ્લાન ચેન્જ થાય.’
સોલો ટ્રાવેલ દરમિયાન પરિવારની યાદ આવે? આ પ્રશ્નના ઉત્તરમાં પૂર્વી કહે છે, ‘બહુ યાદ આવે અને તેથી જ મેં છેલ્લાં બે વર્ષથી નક્કી કર્યું છે કે વર્ષમાં અમુક ટ્રિપ પતિ સાથે એકલાં અને અમુક પરિવાર કે ફ્રેન્ડ સાથે કરવાની. હવે હું સોલો સાથે ડ્યુએટ અને ગ્રુપ ટ્રિપ પણ માણું છું.’
આત્મનિર્ભર, અલર્ટ
સોલો ટ્રાવેલિંગના અનુભવે શું શીખવાડ્યું? પૂર્વી કહે છે, ‘સૌથી પહેલાં જ્યારે તમે ટ્રાવેલિંગ એકલા કરો છો ત્યારે તમે આત્મનિર્ભર બની જાઓ છો. તમે પોતાને પોતાનું ધ્યાન રાખતાં બહુ સારી રીતે શીખી જાઓ છો. ઉપરાંત નવા લોકો અને નવું કલ્ચર તમને ઘણું શીખવાડે છે. સોલો ટ્રાવેલે મને અલર્ટ બનાવી છે. તમે બધી ચીજોને બહુ ધ્યાનથી, બારીકાઈથી ઑબ્ઝર્વ કરો છો. પોતાની સેફ્ટી માટે હંમેશાં જાગૃત રહો છો. પ્રવાસ તમને જીવનને માણવાનો, સમજવાનો મોકો આપે છે અને હું કહીશ કે મને મારી દરેક સફરે વધુ જીવંત બનાવી છે.’
આજે પૂર્વી દુનિયાભરમાં સફર કરીને તેના ફૉલોઅર્સને તેની સુંદર ટ્રાવેલ-સ્ટોરીઝ દ્વારા પ્રેરિત કરે છે. જો તમે પણ ક્યારેય બૅગ લઈને દુનિયાની સફર માણવા માગતા હો તો પૂર્વીની આ સફર તમારા માટે એક પ્રેરણા બની શકે. તે ફક્ત એક ટ્રાવેલર નથી, એક સ્ટોરી-ટેલર પણ છે. જો તેની નજરે દુનિયા જોવી હોય તો તેના બ્લૉગ જોવાનું ચૂકતા નહીં.
હું બહુ લકી છું કે મને ખૂબ જ સારો પરિવાર મળ્યો છે. મારી મમ્મી મારી ચિંતા કરે એટલી જ મારી ફિકર મારાં સાસુને હોય છે. પણ તે મારી મમ્મી કરતાં વધુ કૂલ છે અને મને વધુ છૂટ આપે છે.

