વેપારીને બોલાવીને મસાજના બહાને નગ્ન કર્યો અને પછી બ્લૅકમેઇલ કરીને ૩.૪૫ લાખ રૂપિયા પડાવ્યા : પાંચ જણની ગૅન્ગના બે પકડાયા
ઍન્ટિ-એક્સ્ટ્રૉર્શન સેલે ધરપકડ કરેલા બે આરોપી.
ભાઈંદર-ઈસ્ટમાં ઇન્દ્રલોક વિસ્તાર નજીક રહેતા ૪૬ વર્ષના પુરુષ સાથે છોકરી બની, ડેટિંગ-ઍપ્લિકેશનથી ફ્રેન્ડશિપ કરી, તેને મીરા રોડ બોલાવીને જબરદસ્તી ૩.૪૫ લાખ રૂપિયા પડાવી લેવાના આરોપમાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે ૨૬ વર્ષના સાગર રાવલ અને પચીસ વર્ષના રુષભ શિંદેની શુક્રવારે ધરપકડ કરી છે. પુરુષને મીરા રોડની એક કૉફીશૉપમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં હાજર મહિલા ત્યાર બાદ મસાજ કરવાના બહાને પોતાના ઘરે લઈ ગઈ હતી જ્યાં તેનાં કપડાં કઢાવ્યા બાદ પાછળથી આવેલા ચાર લોકોએ તેની મારઝૂડ કરીને તેનો વિડિયો બનાવ્યો હતો. એ વિડિયો તારા ઘરવાળાને બતાવીને સાથે સોશ્યલ મીડિયામાં મૂકી દઈશું એમ ધમકાવીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં છે.
આરોપીની પ્રાથમિક માહિતી તપાસતાં તેણે મીરા રોડ, ભાઈંદર, વસઈ, વિરારના બીજા ૮ જણ પાસેથી આવી રીતે પૈસા પડાવ્યા હોવાની માહિતી મળી છે. ઉપરાંત આવી રીતે છેતરપિંડીનો ભોગ બન્યા હો તો ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી છે.
ADVERTISEMENT
MBVVના ઍન્ટિ-એક્સ્ટ્રૉર્શન સેલના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ રાખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈંદરમાં રહેતા અને પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા ૪૬ વર્ષના વેપારી સાથે ડેટિંગ-ઍપ્લિકેશન પર પૂજા નામની યુવતીએ મિત્રતા કરી તેને મીરા રોડની બરિસ્તા કૉફીશૉપમાં મળવા માટે બોલાવ્યો હતો. એ સમયે મળેલી યુવતીએ વાતો-વાતોમાં વેપારીને કહ્યું હતું કે હું મસાજ બહુ જ સારો કરું છું, જો તમને પણ જોઈતો હોય તો તમે મારા ઘરે ચાલો, આજે ઘરે કોઈ નથી, હું તમને મસાજ કરી આપું છું. એમ કહી યુવતી વેપારીને પોતાના ઘરે લઈ ગઈ હતી. રૂમની અંદર પ્રવેશતાં જ પૂજા વેપારીને બેડરૂમમાં લઈ ગઈ હતી. ત્યાં તેમને કપડાં કાઢીને બેડ પર સૂઈ જવા માટે કહ્યું હતું. એ મુજબ વેપારી પોતાનાં બધાં કપડાં કાઢી બેડ પર સૂઈ ગયો હતો. એટલી વારમાં પાછળથી ચાર લોકો અચાનક રૂમમાં આવી પહોંચ્યા હતા જેમણે પહેલાં યુવતીને પોતાની છોકરી હોવાનું કહી એક લાફો તેને માર્યો હતો. ત્યાર બાદ વેપારીનો નગ્નાવસ્થાનો વિડિયો કાઢી તેની મારઝૂડ કરી હતી. આ બધા વચ્ચે ગભરાઈ ગયેલા વેપારીને છોડવા માટે તેમણે ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે વેપારી પાસે એ સમયે એટલા પૈસા ન હોવાથી તેણે ૩.૪૫ લાખ રૂપિયા લઈ વેપારીને છોડી મૂક્યો હતો જેની ફરિયાદ શુક્રવારે સાંજે કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.’
માસ્ટરમાઇન્ડ સાગર રાવલ છોકરી બની ડેટિંગ-ઍપ્લિકેશન પર નવા-નવા બકરા શોધતો હતો એમ જણાવતાં સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ રાખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની માહિતી મળતાં અમે તાત્કાલિક આરોપીની શોધ શરૂ કરી હતી. એ દરમ્યાન ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમે સાગરની ધરપકડ કરી હતી. તેના પર આ પહેલાંના પણ ગુનાની નોંધ હોવાની અમને માહિતી મળી છે. આ પાંચ લોકોની ગૅન્ગ છે જેમાંથી બેની અમે ધરપકડ કરી છે. મહિલા આરોપી સહિત બાકીના ત્રણ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.’

