એમબીબીએસ સ્ટુડન્ટની કથિત હત્યાના આરોપીઓએ એ માટેની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો : બન્ને આરોપીઓ ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

મિઠ્ઠુ સિંહ, અબ્દુલ જબ્બાર અન્સારી
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૯ વતી એમબીબીએસ સ્ટુડન્ટની કથિત હત્યાના આરોપી મિઠ્ઠુ સિંહ અને તેના મિત્ર અબ્દુલ જબ્બાર અન્સારીની બીજી નાર્કો ઍનૅલિસિસ ટેસ્ટ કરવાની મંજૂરી માગતી નવી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરતાં પબ્લિક પ્રોસિક્યુટર એમ. એસ. ચૌધરીએ કહ્યું હતું કે આ કેસમાં થયેલા નવા વિકાસ માટે સાયન્ટિફિક ટેસ્ટ ઘણી મહત્ત્વની છે.
જોકે આરોપીઓએ એ માટેની મંજૂરી આપવાનો ઇનકાર કરતાં તેમના વકીલે કહ્યું હતું કે આરોપીઓની એક ટેસ્ટ થઈ ગઈ છે અને એમાં પોલીસને કંઈ મળ્યું નથી. કોર્ટે પણ બીજી નાર્કો ટેસ્ટ માટે મંજૂરી ન આપતાં બન્ને આરોપીઓને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં સોંપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓની કસ્ટડી બે દિવસ લંબાવવાની અરજી સાથે તેમને ગઈ કાલે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું હતું કે મરનારના મૃતદેહની શોધ ચાલુ છે અને આરોપીએ જ્યાં લાશને ફેંકી દેવાનો દાવો કર્યો છે ત્યાં દરિયામાં ડાઇવર્સે એક વિશાળ ખાડો શોધી કાઢ્યો છે અને મૃતદેહને જ્યાં ફેંક્યો હતો એનું ચોક્કસ સ્થળ જાણવા માટે સર્ચ-ઑપરેશન દરમ્યાન આરોપીની હાજરી આવશ્યક છે.