અંધેરીમાં ચાલતા આ ગોરખધંધામાં આરોપીઓ પાસેથી અનેક દેશના ઇમિગ્રેશન વિભાગના નકલી સ્ટૅમ્પ સહિતની સામગ્રી મળી

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અંધેરીમાં ચાલતા નકલી વિઝા અને પાસપોર્ટ બનાવવાના રૅકેટ પકડીને બે આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ પાંચની ટીમની તપાસમાં જણાયું છે કે આરોપીઓએ અનેક લોકોને નકલી પાસપોર્ટ અને વિઝાને આધારે વિદેશમાં મોકલ્યા છે. આ કામ કરવા માટે તેઓ લોકો પાસેથી લાખો રૂપિયા લેતા હોવાનું પણ જણાયું છે.
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ પાંચની ટીમને માહિતી મળી હતી કે અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર મેટ્રો સ્ટેશન પાસે મધુબન ટાવરની સામેની શિવશક્તિ સોસાયટીની રૂમ-નંબર ૧૧૨માં નકલી પાસપોર્ટ અને વિઝા બનાવવામાં આવે છે. આથી પોલીસની ટીમે અહીં મંગળવારે સાંજે દરોડો પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં ૨૮ લોકોના પાસપોર્ટ, ૧૬ લોકોના પાસપોર્ટના પહેલા પેજની કલર પ્રિન્ટ, વિવિધ લોકોના વિવિધ દેશના ૨૪ વિઝા, બોગસ વિઝા બનાવવા માટે યુએઈ, મૉરિશ્યસ, થાઇલૅન્ડ, મલેશિયા, સાઉથ આફ્રિકા, સિંગાપોર, કૅનેડા સહિતના દેશોના ઇમિગ્રેશન વિભાગના બોગસ રબર-સ્ટૅમ્પ વગેરે મળી આવ્યું હતું. એટલું જ નહીં, કાર્યવાહીના
સ્થળેથી અનેક ભારતીય બૅન્કના ૪૦ બોગસ રબર-સ્ટૅમ્પ, કોવિડ વૅક્સિનનાં બોગસ સર્ટિફિકેટ, વિવિધ હૉસ્પિટલના મેડિકલ રિપોર્ટ વગેરેના ૪૧૪ નકલી સ્ટૅમ્પ, સ્ટૅમ્પિંગ મશીન, લૅમિલેશન મશીન, યુવી ટ્યુબલાઇટ મશીન, પીવીસી આઇડી કાર્ડ, ચિપવાળાં કોરાં સ્માર્ટ કાર્ડ, કલર પ્રિંટર, સ્કૅનર, સાત પેન ડ્રાઇવ અને કમ્પ્યુટર વગેરે મળી આવતાં પોલીસે આ બધું જપ્ત કર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે આથી ૬૨ વર્ષના અને ૩૮ વર્ષના બે આરોપીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરીને ૪ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી. આરોપીઓની પ્રાથમિક તપાસમાં તેમણે બોગસ પાસપોર્ટ અને વિઝાના આધારે અનેક લોકોને વિદેશમાં મોકલ્યા છે. તેઓ આ કામ કરવા માટે લાખો રૂપિયા વસૂલ કરતા હતા. યુનિટ પાંચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ઘનશ્યામ નાયરના જણાવ્યા મુજબ આ રૅકેટમાં અનેક લોકો સંકળાયેલા હોવાની શક્યતા છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછમાં વધુ માહિતી મેળવીને આગળની કાર્યવાહી કરાશે.