તેની પત્ની બહારથી આવી અને તેણે બહુ વાર સુધી દરવાજો ખખડાવ્યો છતાં તુષારે દરવાજો ન ખોલ્યો ત્યારે તેણે પાડોશી અને પોલીસને જાણ કરી હતી
મરાઠી ઍક્ટર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી
મરાઠી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં ઍક્ટિંગ કરનાર ૩૪ વર્ષના તુષાર ઘાડીગાવકરે ગઈ કાલે તેના ગોરેગામ-વેસ્ટના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ગોરેગામ પોલીસે જણાવ્યું હતું કે તેને ઘણા દિવસથી કામ મળ્યું ન હોવાથી તે ડિપ્રેશનમાં હતો અને આમ હતાશામાં આવીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગોરેગામ પોલીસે કહ્યું હતું કે તેની પત્ની બહારથી આવી અને તેણે બહુ વાર સુધી દરવાજો ખખડાવ્યો છતાં તુષારે દરવાજો ન ખોલ્યો ત્યારે તેણે પાડોશી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતાં તુષારે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાઈ આવ્યું હતું. તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે કામ ન મળતાં હતાશામાં સરી પડેલા તુષારને દારૂની લત લાગી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
તુષારના આત્મહત્યાના સમાચાર મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફરી વળતાં અનેક કલાકાર-કસબીઓએ આંચકો ખાધો હતો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

