જાલનામાં આંદોલન કરી રહેલા મરાઠા સમાજના મનોજ જરાંગેએ મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન સાથે ઉદયનરાજે તેમ જ સંભાજીરાજે ભોસલેના હાથે જ પારણાં કરવાની જીદ કરી છે

ફાઇલ તસવીર
રાજ્ય સરકારે તમામ રાજકીય પક્ષોના નેતાની બેઠક બોલાવીને મરાઠા આરક્ષણ બાબતે ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું કહેવાની સાથે જાલનામાં આંદોલન કરી રહેલા મનોજ જરાંગે આંદોલન પાછું ખેંચે એવો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ બાદ મનોજ જરાંગેએ સરકાર સમક્ષ પાંચ શરત રાખી હતી અને મુખ્ય પ્રધાન તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાનની સાથે ઉદયનરાજે અને સંભાજીરાજે ભોસલે આંદોલન સ્થળે આવશે તો જ પારણાં કરીશ એવી જીદ કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે જાલના જવાના હતા, પરંતુ તેઓ ન જતાં હવે મનોજ જરાંગે શું કરે છે એના પર બધાની નજર રહેશે.
મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવે એવી માગણી સાથે મનોજ જરાંગે ૧૬ દિવસથી જાલનામાં અનશન કરી રહ્યા છે. રાજ્ય સરકાર મરાઠાઓને કુણબીનું સર્ટિફિકેટ નહીં આપે ત્યાં સુધી પારણાં કર્યા બાદ પણ આંદોલન સ્થળેથી નહીં હટે એવું મનોજ જરાંગેએ મંગળવારે કહ્યું હતું. તેમની માગણી મુજબ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જાલના જવાની શક્યતા હતી. જોકે દેવેન્દ્ર ફડણવીસ અત્યારે રાજસ્થાનની મુલાકાતે છે અને ગઈ કાલે મોડી સાંજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજભવનમાં નીલમ ગોર્હેના પુસ્તકના પ્રકાશનના કાર્યક્રમમાં હતા. આથી સ્પષ્ટ થઈ ગયું હતું કે મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાન જાલના નહીં જાય. આથી મનોજ જરાંગે હવે શું કહે છે અને ક્યારે પારણાં કરે છે એ જોવાનું રહ્યું.
વિરોધીઓ મરાઠા સમાજનું આરક્ષણ ટકાવી ન શક્યા
ત્રણ દિવસ પહેલાં સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં મરાઠા આરક્ષણ બાબતે તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી ત્યારનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં ત્રણેય નેતાઓ ‘બોલીને નીકળીએ, કોઈ પણ રાજકીય વાત નહીં અને રાજકીય સવાલના જવાબ નહીં આપીએ’ એવું કહેતા સંભળાય છે. આ વિશે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘અમે પત્રકાર પરિષદ પહેલાં મરાઠા સમાજ, મરાઠા આરક્ષણ અને મનોજ જરાંગેના અનશન બાબતે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં જે ચર્ચા થઈ હતી એ વિશે ચર્ચા કરી હતી કે આપણે આ વિશે બોલીએ અને નીકળીએ, કોઈ પણ રાજકીય નિવેદન કે રાજકીય સવાલના જવાબ નહીં આપીએ એ બાબતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આવું કરીને કેટલાક લોકો જનતામાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો મરાઠા સમાજ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે એ જણાઈ આવે છે. આ સમાજને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે આરક્ષણ અપાવ્યું હતું. એ હાઈ કોર્ટમાં પણ ટક્યું હતું. કમનસીબે સુપ્રીમ કોર્ટમાં એ ટકી ન શક્યું. એ કોના કારણે ન ટકી શક્યું એ હું અહીં કહેવા નથી માગતો, પણ સંપૂર્ણ મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઈએ એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અમારી સરકારે મરાઠા સમાજના ૩૭૦૦ યુવાનો માટે વધુ પદ ઊભાં કર્યાં. સરકારની આરક્ષણ આપવાની ભૂમિકા સ્પષ્ટ અને પ્રામાણિક છે અને એટલે જ ઇતિહાસમાં પહેલી વખત અમે તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી.’
મુખ્ય પ્રધાન સહિત ૧૬ વિધાનસભ્ય અપાત્ર ઠરશે?
રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આજે શિવસેનાના વિધાનસભ્યોને સુનાવણી માટે બોલાવ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય અનિલ પરબે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત તેમની સાથે ગયેલા શિવસેનાના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરશે એ બીજેપી જાણતી હતી. એટલે સરકાર બચાવવા તેમણે એનસીપીમાં ભંગાણ કરાવીને અજિત પવારને સરકારમાં સામેલ કર્યા છે.’
પંઢરપુરમાં દર્શન માટે પહોંચેલા અનિલ પરબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોનો ચુકાદો પહેલેથી આપી જ દીધો છે. માત્ર એનો નિર્ણય લેવાનો બાકી છે. અત્યારે આ સરકાર સમય બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની ભૂમિકા, બંધારણની કલમ ૧૦ એ તમામ બાબતે કહ્યું છે એટલે પક્ષની અંદરના નિયમો હવે સ્પષ્ટ છે. આથી વિધાનસભાના સ્પીકર ટૂંક સમયમાં જ્યારે નિર્ણય જાહેર કરશે ત્યારે એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યો અપાત્ર ઠરશે. આમ થશે તો સરકાર તૂટી શકે છે એને ધ્યાનમાં રાખીને બીજેપીએ એનસીપીમાં ભંગાણ પડાવીને અજિત પવારને સરકારમાં સામેલ કર્યા છે.’
સનાતનના મુદ્દે ઉદયનિધિ સ્ટૅલિન સામે મીરા રોડમાં ફરિયાદ નોંધાઈ
ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટૅલિન સામે મીરા રોડમાં મંગળવારે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. તામિલનાડુના આ નેતાએ તાજેતરમાં સનાતન ધર્મની તુલના ડેન્ગી અને મલેરિયા સાથે કરી હતી એથી અનેક સનાતનીઓએ તેમની સામે વિવિધ રાજ્યોમાં પોલીસ-ફરિયાદ નોંધાવી છે. આવો જ એક એફઆઇઆર મંગળવારે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો હતો અને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસે ઉદયનિધિ સ્ટૅલિન સામે આઇપીસીની કલમ ૧૫૩-એ અને ૨૯૫-એ અંતર્ગત એફઆઇઆર નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઉદયનિધિ સ્ટૅલિન ડીએમકેના નેતા છે અને આ પક્ષ વિરોધી પક્ષોના સંગઠન ઇન્ડિયા (I.N.D.I.A.)માં સામેલ છે એટલે સનાતન ધર્મ વિશે અપમાનજનક નિવેદન બાબતે બીજેપીએ મુદ્દો બનાવીને વિરોધીઓ ભારતમાંથી સનાતન ધર્મને ખતમ કરવા માગે છે એટલે તેમનાથી સાવધાન રહેવાની લોકોને અપીલ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિવેદન બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહથી લઈને અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે એટલે આ મુદ્દો ગરમ થઈ ગયો છે.