૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં NCPના સુનીલ તટકરે માત્ર બે હજાર મતથી વિજયી થયા હતા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાયગડ લોકસભા બેઠકની ચૂંટણીમાં એકસરખાં નામોની રામાયણ સામે આવી છે. અહીં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના અનંત ગીતે સહિત ત્રણ અનંત ગીતે અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સુનીલ તટકરે સહિત બે સુનીલ તટકરે ચૂંટણીના મેદાનમાં ઊતર્યા છે. આ બે નેતાઓ તો તેમની પાર્ટીના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે, પણ તેમના જેવું જ નામ ધરાવતા ઉમેદવારો પણ મેદાનમાં છે એટલે મતદારો ભ્રમિત થાય એવી સ્થિતિ ઊભી થઈ છે. શિવસેના (UBT)ના અનંત ગંગારામ ગીતે ઉપરાંત અનંત પદ્મા ગીતે અને અનંત બાળોજી ગીતેએ ઉમેદવારી નોંધાવી છે. આવી જ રીતે NCPના સુનીલ દત્તાત્રય તટકરે ઉપરાંત સુનીલ દત્તારામ તટકરે નામની વ્યક્તિએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં NCPના સુનીલ તટકરે માત્ર બે હજાર મતથી વિજયી થયા હતા. આ વખતે પણ રસાકસીભરી લડત હોવાથી સમાન નામવાળા ઉમેદવારોને લીધે આ બન્ને નેતાઓની મુશ્કેલી વધી શકે છે.