હત્યા કર્યા પછી પોલીસ-સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મલાડ-ઈસ્ટમાં દિંડોશીના કાસમબાગ વિસ્તારમાં ૩૨ વર્ષના નીતિન જાંભળેએ તેની પત્ની કોમલ શેલાર બીજાં લગ્ન કરવાની તૈયારીમાં હોવાની જાણ થતાં રવિવારે રાતે છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ નીતિને મોડી રાતે દિંડોશી પોલીસ-સ્ટેશને આત્મસમર્પણ કર્યું હતું. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોમલ અને નીતિન છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતાં હતાં. રવિવારે રાતે નીતિને કોમલને તેની એક મિત્રના ઘરે મીટિંગ કરવાના બહાને બોલાવી હતી અને ત્યાં મિત્રની હાજરીમાં જ કોમલની હત્યા કરી નાખી હતી.
દિંડોશીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજય આફેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન જાંભળેએ શા માટે હત્યા કરી એની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક માહિતી અનુસાર દંપતી વચ્ચે અણબનાવ હતો. તેઓ પ્રથમ વખત ૨૦૦૯માં મળ્યાં હતાં. ત્યાર બાદ તેઓ વચ્ચે પ્રેમ થયો હતો. એ પછી ૨૦૧૯માં પરિવારના વિરોધ છતાં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. લગ્નના થોડા વખત પછી બન્ને વચ્ચે કોઈ ને કોઈ વાતે વિવાદ થતો રહેતો હતો એને કારણે કોમલ છેલ્લા ઘણા સમયથી મામાના ઘરે જતી રહી હતી. એ પછી નીતિનને ખબર પડી કે કોમલ બીજાં લગ્ન કરવાની તૈયારી કરી રહી છે એટલે રવિવારે રાતે નીતિને તેને મીટિંગ કરવાના બહાને તેની મિત્રના ઘરે બોલાવી હતી. કોમલ આવી કે તરત નીતિને તેને છરીના ઘા ઘા ઝીંકી દીધા હતા. એ પછી નીતિને પોલીસ-સ્ટેશન આવીને આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’


