મલાડના માલવણી વિસ્તારની આ ઘટનામાં પોલીસે અંધેરીના કૉલ સેન્ટરમાં કામ કરતા બે આરોપીઓની ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અંધેરીમાં આવેલી કૉલ સેન્ટરની એક ઑફિસમાં એગ્નલ ગોમ્સ નામના યુવકના અયોગ્ય વર્તન વિશે અભય સિંહ નામના ૨૭ વર્ષના યુવાને મૅનેજમેન્ટને ફરિયાદ કરી હતી. મૅનેજમેન્ટે આ બાબતે તપાસ કરતાં એગ્નલની વર્તણૂક સારી ન હોવાનું જણાતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. અભય સિંહની ફરિયાદને કારણે પોતાની નોકરી ગઈ હોવાથી બદલો લેવા માટે એગ્નલ ગોમ્સે તેના ફ્રેન્ડ આદિત્ય બેડેકરની મદદથી અભય સિંહ નાઇટ-શિફ્ટ કરીને તેના મલાડમાં આવેલા ઘરે જતો હતો ત્યારે મારપીટ કરીને તેને સ્કૂટર પર બેસાડ્યો હતો અને અપહરણ કર્યું હતું. અભિય સિંહને એકાંત સ્થળે લઈ જઈને તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ઑનલાઇન અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા એટલું જ નહીં, એક જગ્યાએ અભય સિંહને ૧૨ કલાક સુધી ગોંધી રાખીને તેને અર્ધનગ્ન કરીને વિડિયો બનાવ્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં જાહેર કરવાની તેને ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ અભય સિંહના હાથમાં ગાંજાનું પૅકેટ પકડાવીને તે નશીલા પદાર્થની હેરાફેરી કરતો હોવાનો વિડિયો શૂટ કર્યો હતો. બાદમાં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપીને અભય સિંહને તેના મલાડ-વેસ્ટમાં માલવણી વિસ્તારમાં આવેલા ઘર પાસે છોડી મૂક્યો હતો.
માલવણી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નગરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે વહેલી સવારની આ ઘટના બાદ શુક્રવારે ઘરે પહોંચ્યા બાદ અભય સિંહે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ એગ્નલ ગોમ્સ અને આદિત્ય બેડેકર સામે ખંડણીનો કેસ નોંધીને તેમને શોધવા માટે કેટલીક ટીમ બનાવી હતી. બાદમાં આ ટીમે બન્નેની ધરપકડ કરી હતી. ફરિયાદી અભય સિંહે એગ્નલ ગોમ્સની કંપનીના મૅનેજમેન્ટમાં ફરિયાદ કરી હતી એટલે તેની નોકરી જતી રહી હતી. એનો બદલો લેવા તેણે અભય સિંહનું અપહરણ કરીને લૂંટ્યો હોવાનું તપાસમાં જણાયું છે.’


