મલાડની સાઠગાંઠવાળી લાઉન્જમાં લઈ જઈને મોંઘો દારૂ, સિગારેટ ઑર્ડર કરી ૩૧,૯૦૦ રૂપિયાનું બિલ બનાવડાવ્યું
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટના ગોરાઈમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ૩૦ વર્ષના યુવકને ડેટના બહાને લલચાવીને પ્રીતિ નામની યુવતીએ મલાડના લાઉન્જમાં લઈ જઈને આશ્ચર્યજનક રીતે વધારે પડતું બિલ બનાવડાવીને ૩૧,૯૦૦ રૂપિયાનો ફટકો માર્યો હતો. આ મામલે મલાડ પોલીસે પ્રીતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડેટિંગ ઍપથી યુવક સાથે મિત્રતા કરીને યુવતીએ એક દિવસ વાત કર્યા બાદ બીજા જ દિવસે તેને મલાડ-વેસ્ટના લિન્ક રોડ પર ઇન્ફિનિટી મૉલ નજીક આવેલી એક લાઉન્જમાં મળવા બોલાવ્યો હતો. જોકે ત્યાં યુવતીએ લાઉન્જના પ્રતિનિધિઓ સાથે સાઠગાંઠ કરી વિવિધ ઑર્ડર કરી યુવકને છેતર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
૬ પેગ વ્હિસ્કી, ત્રણ સ્ટાર્ટર અને સિગારેટના પૅકેટનું બિલ ૩૧,૯૦૦ રૂપિયા ચૂકવ્યા બાદ મારી સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી એમ જણાવતાં યુવકે પોતાનું નામ ન આપવાની શરતે ઘટનાક્રમ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફીલ્ડ નામની ડેટિંગ ઍપ્લિકેશન પર પ્રીતિ નામની યુવતી સાથે મારી મિત્રતા થઈ હતી. પહેલા દિવસે જ તેણે મને પોતાનો વૉટ્સઍપ-નંબર શૅર કર્યો હતો. અમારી સામાન્ય વાતો ચાલી રહી હતી એ દરમ્યાન બીજા દિવસે તેણે મને મળવાનો ફોર્સ કરતાં હું તેને મળવા તૈયાર થયો હતો. ૧૨ મેએ સાંજે ૯ વાગ્યે અમે મલાડના ઇન્ફિનિટી મૉલ નજીક મળ્યાં ત્યારે પ્રીતિએ ડ્રિન્ક કરવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે નજીક આવેલી થ્રોન લાઉન્જમાં જવાનું કહ્યું. મેં તેને ઇન્ફિનિટી મૉલમાં ફૂડ-કોર્ટમાં આવવાનું કહેતાં તેણે થ્રોન લાઉન્જમાં જ જવાનો આગ્રહ કર્યો. એ પછી તેના આગ્રહને વશ થઈ હું તેની સાથે થ્રોન લાઉન્જમાં ગયો હતો. ત્યાં તેણે જતાંની સાથે જ વિદેશી વ્હિસ્કીના બે પેગ અને રેડ બુલનો ઑર્ડર કર્યો હતો. ત્યાર બાદ અડધો જ કલાકમાં તે વ્હિસ્કીના ચાર પેગ પી ગઈ હતી. તેણે સિગારેટ અને સ્ટાર્ટરનો પણ ઑર્ડર કર્યો હતો. થોડી વાર બાદ મારી નજીક આવીને વેઇટરે મને કહ્યું કે તમારું બિલ ૨૦,૦૦૦ કરતાં ઉપર ચાલ્યું ગયું છે. એ સાંભળીને હું ચોંકી ઊઠ્યો. તાત્કાલિક મેં આખું બિલ મગાવતાં વેઇટરે મને ૩૧,૯૦૦નું બિલ આપ્યું હતું જેમાં વ્હિસ્કીના એક પેગનો ચાર્જ ૧૫૦૦ રૂપિયા, સિગારેટના પૅકેટના ૯૦૦ રૂપિયા અને રેડ બુલનો ચાર્જ ૫૦૦ રૂપિયા હતો. એમ દરેક વસ્તુનો ચાર્જ વધારે જોવા મળતાં મેં વેઇટર સાથે દલીલબાજી કરી ત્યારે લાઉન્જના ચારેક પ્રતિનિધિઓ મારા ટેબલની નજીક ભેગા થઈ ગયા. તેમને જોતાં હું ગભરાઈ ગયો એટલે મેં એ વખતે તાત્કાલિક ત્યાંથી નીકળી જવાનું નક્કી કરીને ક્રેડિટ કાર્ડ અને ગૂગલપે દ્વારા ૩૧,૯૦૦ રૂપિયાનું બિલ ભરી દીધું હતું. લાઉન્જમાંથી નીકળ્યા બાદ પ્રીતિ પણ તરત ઘરે જતી રહી હતી.’ ઘરે આવીને શાંતિથી એક પછી એક બનેલી બધી બાબતો વિચારતાં મને ખાતરી થઈ ગઈ કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમ જણાવતાં યુવકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રીતિએ મને કહ્યું હતું કે તે મૂળ જયપુરની છે અને અત્યારે માત્ર આઠ દિવસ માટે મુંબઈ આવી છે. જોકે તેને મલાડના રસ્તા ઉપરાંત આ લાઉન્જની પણ યોગ્ય રીતે ખબર હતી. લાઉન્જમાં પ્રવેશ્યા બાદ અને વેઇટરને ઑર્ડર કરતી વખતે કોઈ રીતે મને એવું નહોતું લાગ્યું કે તે જયપુરની છે. મને શંકા ત્યારે પણ આવી હતી જ્યારે તેણે પનીરનાં બે સ્ટાર્ટર ઑર્ડર કર્યાં હતાં, પણ વેઇટરે અમને ડ્રાય મન્ચુરિયન સહિત ત્રણ સ્ટાર્ટર લાવી આપ્યાં હતાં. ત્યારે મેં પ્રીતિને ડ્રાય મન્ચુરિયન કોણે ઑર્ડર કર્યું એવું પૂછતાં તેણે જ ઑર્ડર કર્યું હોવાનું કહ્યું. મને યાદ છે કે વેઇટર પોતાની રીતે જ ડ્રાય મન્ચુરિયન લાવ્યો હતો. પ્રીતિએ એનો ઑર્ડર કર્યો જ નહોતો. બીજી વખત પ્રીતિ ત્યારે પકડાઈ ગઈ હતી જ્યારે તેણે સિગારેટનો ઑર્ડર કર્યો, પણ કઈ સિગારેટ જોઈએ છે એનું નામ તેણે વેઇટરને કહ્યું નહોતું. વેઇટર પોતાની રીતે મોંઘી સિગારેટનું પૅકેટ લઈ આવ્યો હતો. આ બધી બાબતો એકમેક સાથે મેળ ખાતી હોય અને વેઇટર અને પ્રીતિ વચ્ચે મિલીભગત હોય એવું લાગતાં મેં મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું વિચાર્યું હતું.’
પોલીસ શું કહે છે?
મલાડના પોલીસ-ઇન્સ્પેક્ટર અમોલ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે યુવતી સહિત લાઉન્જના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કોઈની ધરપકડ કરવામાં નથી આવી.’

