Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Weather Update: આવનાર પાંચ દિવસમાં ઠંડીના વધુ ચમકારા અનુભવાશે

Maharashtra Weather Update: આવનાર પાંચ દિવસમાં ઠંડીના વધુ ચમકારા અનુભવાશે

Published : 11 November, 2026 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Weather Update: હવે મહારાષ્ટ્રમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે અને આગામી કેટલાક દિવસો સુધી આકાશ ચોખ્ખું જણાશે અને દિવસે ગરમી તો રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવવા મળશે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


Maharashtra Weather Update: દિવાળીના દિવસો પછી મહારાષ્ટ્રના હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી વરસાદે રજા લઈ લીધી છે અને હવે આવનાર થોડાક દિવસ આકાશ ચોખ્ખું રહેશે. આજે રાજ્યના કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઇ અલર્ટ આપવામાં આવી નથી. તેથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે. આ સાથે જ હવે તાપમાનમાં આંશિક રીતે ઘટાડો થતો હોય તેવું જણાઇ રહ્યું છે. ધીમે ધીમે રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડી જામી રહી છે એવું કહી શકાય.

વેધર ડિપાર્ટમેન્ટ (Maharashtra Weather Update)ના અંદાજ મજબ આવનાર ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલમાં આ ઘટાડો થઈ રહ્યો હોવાને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીની હળવી લહેરો અનુભવાઈ રહી છે. જોકે, બપોરના સમયે સૂર્યદેવનો આકરો તાપ તો યથાવત જ છે. આમ, આખા દિવસ દરમિયાન તાપ અને પછી રાત્રિના સમયે અનુભવાતી ઠંડીને કારણે હાલ લોકોને મિશ્ર પ્રકારના હવામાનનો અનુભવ થઈ રહ્યો છે.



કોંકણમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં અહીં મહત્તમ તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન આશરે ૧૯ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આવનાર પાંચેક દિવસ સુધી આ તટીય વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન સૂકું રહેવાનો વરતારો છે.


ઉત્તર મહારાષ્ટ્રમાં તો હવે ઠંડીનો (Maharashtra Weather Update) સ્પર્શ થવા લાગ્યો છે. આવનાર સમયમાં આ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આશરે ૧૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. અહીં પણ આગામી ૨થી ૩ દિવસ હવામાન સૂકું રહેશે. પુણે સહિત પશ્ચિમ મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઘટીને ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ભલે આખો દિવસ દરમિયાન તડકો રહે પણ જ્યારે રાત્રે અને વહેલી સવારે ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે લોકોને રાહત થઈ રહી છે.

મરાઠવાડામાં પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડક જોવા (Maharashtra Weather Update) મળી રહી છે. અહીં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. આગામી ૪ થી ૫ દિવસ સુધી અહીં પણ હવામાન સૂકું જ રહેવાનો અંદાજ છે. આ સાથે વિદર્ભની વાત કરીએ તો અહીં પણ આગામી દિવસોમાં હવામાનમાં કોઈ વિશેષ ફેરફારની સંભાવના નથી. વિદર્ભમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. 


આમ, હવે મહારાષ્ટ્રમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે અને આગામી કેટલાક દિવસો સુધી આકાશ ચોખ્ખું જણાશે અને દિવસે ગરમી તો રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવવા મળશે. ટૂંકમાં મહારાષ્ટ્રમાં વિન્ટર સિઝનની આછીઆછી શરૂઆત તો થઈ જ ગઈ છે. આવનાર સમયમાં ઠંડીનું જોર વધશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK