Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?

શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?

23 June, 2022 10:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૫ વિધાનસભ્યમાંથી ૪૬ પોતાની સાથે હોવાનો દાવો કરતો પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખવાની સાથે વિધાનસભ્યોના પ્રતિનિધિની પણ નિયુક્તિ કરી

એકનાથ શિંદે

Maharashtra Political Drama

એકનાથ શિંદે


શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યોના પ્રતિનિધિ તરીકે સુનીલ પ્રભુની કરેલી નિયુક્તિને બળવો કરનારા એકનાથ શિંદેએ પડકારીને પોતાના વિશ્વાસુ ડૉ. ભરત ગોગાવલેની આ પદે ગઈ કાલે નિયુક્તિ કરી હતી. એટલું જ નહીં, હવે શિવસેનાના સર્વેસર્વા ઠાકરે પરિવારની વ્યક્તિ નહીં પણ પોતે છે એ માટેનો પત્ર રાજ્યની વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખ્યો હતો. આ પત્રમાં પોતાની સાથે શિવસેનાના ૪૬ વિધાનસભ્યો હોવાનો દાવો કરીને પત્રમાં શિવસેનાના ૩૪ અને ૪ અપક્ષ વિધાનસભ્યોની સહી હોવાનું જાણવા મળ્યું હતું.

શિવસેનામાં બળવો કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવા માટેની અંતિમ ચીમકી ઉદ્ધવ ઠાકરેએ નિયુક્ત કરેલા શિવસેનાના વિધાનસભ્યોના પ્રતિનિધિ સુનીલ પ્રભુએ ઉચ્ચારીને આ બાબતનો પત્ર પક્ષના તમામ વિધાનસભ્યોને ગઈ કાલે મોકલ્યો હતો. જોકે બળવો કરનારા એકનાથ શિંદેએ સુનીલ પ્રભુની નિયુક્તિને જ પડકારી છે. શિવસેનાના કુલ ૫૫ વિધાનસભ્યોમાંથી પોતાની સાથે ૪૬ વિધાનસભ્યો હોવાથી હવે પક્ષના તમામ નિર્ણયો પોતે જ લેશે એમ જાહેર કરીને પોતાના વિશ્વાસુ વિધાનસભ્ય ડૉ. ભરત ગોગાવલેને વિધાનસભ્યોના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.
એટલું જ નહીં, એકનાથ શિંદેએ રાજ્યની વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવળને એક પત્ર લખીને સુનીલ પ્રભુની નિયુક્તિને પડકારવાની સાથે પોતાની સાથે શિવસેનાના ૪૬ વિધાનસભ્યો હોવાનું જણાવ્યું હતું.



મહારાષ્ટ્રની અત્યારની વિધાનસભામાં શિવસેનાના કુલ ૫૫ વિધાનસભ્યો છે. આમાંથી ૪૬ વિધાનસભ્ય પોતાની સાથે હોવાનો દાવો એકનાથ શિંદેએ કર્યો છે. આથી પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે માત્ર ૯ વિધાનસભ્ય જ રહે છે. આ જ કારણસર એકનાથ શિંદેએ હવે શિવસેનામાં ઠાકરે પરિવાર નહીં પણ પોતે સર્વેસર્વા હોવાનો અણસાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખેલા પત્ર દ્વારા આપી દીધો હતો.


એકનાથ શિંદે બીજેપી સાથે સરકાર સ્થાપવાની શક્યતા

શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોએ ગઈ કાલે રાજ્યના ડેપ્યુટી સ્પીકર હરહરિ ઝીરવળને એક પત્ર લખ્યો હતો કે ‘૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી શિવસેના અને બીજેપીએ યુતિમાં લડી હતી. જનતાએ યુતિને સ્પષ્ટ બહુમત આપ્યો હોવા છતાં શિવસેનાના નેતાઓએ જનતા સાથે દ્રોહ કરીને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવાથી રાજ્યભરમાં ભારે આક્રોશ છે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વવાદી વિચારસરણીથી વિરુદ્ધ વિચાર ધરાવતા પક્ષો સાથે યુતિ કરવાથી પક્ષની સાથે રાજ્યને મોટું નુકસાન થયું છે. હિન્દુત્વવિરોધી વિચાર ધરાવતા પક્ષોનો સામનો કરવા માટે બીજેપી અને શિવસેનાની યુતિ થઈ હતી. જનતાએ યુતિને જબરદસ્ત સમર્થન આપીને સ્પષ્ટ બહુમતી આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK