અમે લોકો નથી ઇચ્છતા કે ગ્રાહકો હેરાન થાય, પણ સરકારે પોતાનું વલણ બદલવું જોઈએ એવું કહેનારા એમએસઈડીસીએલના કર્મચારીઓની પ્રાઇવેટાઇઝેશનના વિરોધમાં ૭૨ કલાકની સ્ટ્રાઇક : ભાંડુપ, મુલુંડ, થાણેના વાગળે એસ્ટેટ સહિત કેટલાક ભાગના અને નવી મુંબઈના ૮૬,૦૦૦ કર્મચારીઓ,
એમએસઈડીસીએલના કર્મચારીઓની પ્રાઇવેટાઇઝેશનના વિરોધમાં ૭૨ કલાકની સ્ટ્રાઇક
આજથી ત્રણ દિવસ ભાંડુપ, મુલુંડ, થાણેના વાગળે એસ્ટેટ સહિત કેટલાક ભાગમાં અને નવી મુંબઈમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી સરકારી કંપની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) સહિત ત્રણ સરકારી કંપનીઓના કુલ ૮૬,૦૦૦ કર્મચારીઓ, ઑફિસરો, એન્જિનિયરો અને તેમની સાથેના ૪૦,૦૦૦ જેટલા કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ એના ખાનગીકરણના વિરોધમાં ૭૨ કલાકની સ્ટ્રાઇક પર જવાના છે. મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી, અધિકારી અૅન્ડ અભિયંતા સંઘર્ષ સમિતિની અૅકશન કમિટીએ આ હડતાળની હાકલ કરી છે. જોકે લોકોને આ સમય દરમિયાન હાલાકી ન ભોગવવી પડે એ માટે યુનિયન દ્વારા જાહેર જનતાને પણ આગોતરી જાણ કરાઈ છે અને કહેવામાં આવ્યું છે કે મોબાઇલ ચાર્જ કરી લેવા અને પાણીની ટાંકીઓ ભરી લેવી જેથી વધુ હાલાકી ભોગવવી ન પડે. તેમના કર્મચારી યુનિયન મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી વર્કર્સ ફેડરેશનનું કહેવું છે કે ‘ખાનગી કંપનીઓ પોતાનો જ ફાયદો જોતી હોય છે, જ્યારે આ એક સરકારી ઉપક્રમ છે અને એનો લાભ અનેક સામાન્ય લોકોને મળે છે. જો એનું પ્રાઇવેટાઇઝેશન થશે તો આગળ જતાં એ કંપનીઓ જ્યારે ભાવ વધારશે ત્યારે સામાન્ય ગ્રાહકોએ જ એનો ભોગ બનવું પડશે અને એ વખતે તેમની પાસે કોઈ વિકલ્પ નહીં હોય.’
હાલમાં જ અદાણી ટ્રાન્સમિશને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પાસે ભાંડુપ, મુલુંડ, થાણે અને નવી મુંબઈમાં પૅરૅલલ પાવર ડિસ્ટ્રિબ્યુશનના લાઇસન્સ માટે અરજી કરી છે. એનો વિરોધ કરી રહેલા કર્મચારીઓના મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી વર્કર્સ ફેડરેશનના પ્રમુખ કૃષ્ણા ભોઈરે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાવર ડિસ્ટ્રિબ્યુશન એ વાયર ઉદ્યોગ છે. જો કોઈ નવી કંપની એમાં આવતી હોય તો એણે પહેલાં એમાં એ વાયર નાખવા, થાંભલા ઊભા કરવા વગેરે માટે હ્યુજ ઇમ્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. એ પછી જ એ ઇલેક્ટ્રિસિટીનું વિતરણ કરી શકતી હોય છે. નવી મુંબઈના થાણે-બેલાપુરના પટ્ટામાં જ ૩,૦૦૦ જેટલા ઇન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમર્સ છે. અદાણીની નજર એના પર છે. આ આખા વિસ્તારમાં એક પણ થાંભલો અદાણીએ નાખ્યો નથી. મહારાષ્ટ્રની ૧૬ કરોડ જનતામાંથી ૨.૮૬ કરોડ અમારા કન્ઝ્યુમર છે. તેમણે ભરેલા પૈસાથી આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરાયું છે. હાલ કંપની બહુ જ સારી રીતે પર્ફોર્મ કરી રહી છે. અહીં બૅલૅન્સ પેન્ડિંગ નથી, વીજચોરી નથી અને ૧૦૦ ટકા બિલ ભરાય છે. ડિમાન્ડ અને કલેક્શન ૧૦૦ ટકા છે. આવા સારી રીતે ચાલતા ઉપક્રમ માટે અદાણી દ્વારા પૅરૅલલ પાવર ડિસ્ટ્રિબ્યુશન માટે લાઇસન્સ માગવું યોગ્ય જણાતું નથી. ક્રૉસ સબસિડીનો ફાયદો તેઓ લેશે. આમાં એવું થશે કે હાલ જે પુઅર સેક્શન કે પછી વીકર સેકશનના ગ્રાહકો છે જેમને સામાજિક જવાબદારીના આધારે વીજળી ઓછા ભાવે અથવા ૧૦૦ યુનિટ ફ્રી આપવામાં આવે છે એ બધું બંધ થઈ જશે. એક વાર એમના હાથમાં કંપની જશે પછી ગ્રાહકોને થોડો વખત માટે તેઓ ઇલેક્ટ્રિસિટી ઓછા દરે આપશે, પણ પાછળથી ભાવ વધારશે જે ભરવા જ પડશે.’
ADVERTISEMENT
કૃષ્ણા ભોઈરે વધુમાં કહ્યું હતું કે ‘મૂળમાં સરકારને અમે આ સંદર્ભે અનેક રજૂઆત કરી છે, વારંવાર કરી છે, વિધાનસભ્યો, સંસદસભ્યો, જિલ્લા પરિષદના અધિકારીઓ, દરેક સ્તરે નાગર પંચાયતમાં પણ અમે આ માટે નિવેદનો આપ્યાં છે. અમારું કહેવું છે કે આનું પ્રાઇવેટાઇઝેશન રોકો. સરકાર પોતાનું વલણ બદલે એ માટે અમે નાગપુરમાં વિધાનસભા સામે દેખાવો કરીને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. થાણે અને વાશીમાં પણ રૅલી કાઢીને સભાઓ કરી, દેખાવો કર્યા; પણ સરકાર આ બાબતને ગંભીરતાથી લેતી જ નથી એટલે આખરે અમારે હડતાળનું શસ્ત્ર ઉપાડવું પડે છે. અમે અમારું કામ છોડીને રસ્તા પર ઊતરી આવશું. જો સરકારને એ વ્યવસ્થિત ચલાવવું હોય તો તેની યંત્રણા કામે લગાડે.’
ગ્રાહકો પાસે વીજળી ખરીદવાની ચૉઇસ હશે
આ સ્ટ્રાઇક સામે અદાણી ઇલેક્ટ્રિસિટી નવી મુંબઈ (એઈએનએમ) દ્વારા એવો ખુલાસો આપવામાં આવી રહ્યો છે કે ‘જે રીતે યુનિયન દ્વારા આ ખાનગીકરણ થઈ રહ્યું છે એમ કહેવામાં આવી રહ્યું છે એવું નથી. કંપનીએ પૅરૅલલ લાઇસન્સ માટે અરજી કરી છે એ ખરું, પણ એ હેઠળ કંપની પોતાનું કન્ઝ્યુમર નેટવર્ક વધારવાની છે. જે રીતે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકોને સપ્લાયરની ચૉઇસ આપવામાં આવી હતી એવું જ આમાં પણ બનશે. ગ્રાહકોએ વધુ ભાવ ચૂકવવા પડશે એ વાતો પાયાવિહોણી છે. જો એવું જ હોય તો કન્ઝ્યુમર્સ બીજો જે સપ્લાયર સસ્તા ભાવે સપ્લાય કરશે એની પાસેથી વીજળી ખરીદશે. વળી આમાં કોઈને આર્થિક નુકસાન પણ થવાનું નથી કે કોઈની નોકરી પણ ઝૂંટવી નહીં લેવાય. યુનિયનની જે માગ છે એ રાજકીય ઇરાદાથી પ્રેરિત લાગી રહી છે.’

