નવો GR બધા જ મરાઠાઓને OBC સર્ટિફિકેટ નહીં આપે : દેવેન્દ્ર ફડણવીસ ; જો અનામત આપવામાં વિશ્વાસઘાત કર્યો તો ચૂંટણીમાં ધૂળ ચટાડીશું : મનોજ જરાંગે
દેવેન્દ્ર ફડણવીસ, મનોજ જરાંગે
મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે મરાઠાઓને અનામતનો લાભ આપતો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બધા જ મરાઠાઓને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નું સર્ટિફિકેટ નહીં આપે, પણ તેમને જ આપશે જેઓ મરાઠવાડાના જેન્યુઇન કુણબી હશે. નવો GR OBC ક્વોટાને અસર નહીં કરે, GR બધા જ સીધેસીધા મરાઠાનો ઉલ્લેખ નથી કરતું, સર્ટિફિકેટ ફક્ત જેન્યુઇન કુણબીને જ મળશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સર્ટિફિકેટ ઇશ્યુ કર્યાં ત્યારે બ્રિટિશ ડૉક્યુમેન્ટના આધારે એ આપ્યાં હતાં. મરાઠવાડા એ વખતે બ્રિટિશરો હેઠળ નહોતું, એ વખતે એ નિઝામ હેઠળ હતું એથી એના રેકૉર્ડ્સ હૈદરાબાદ ગૅઝેટ્સમાંથી મળ્યા. જ્યારે બીજા વિસ્તારો માટે બ્રિટિશકાળના દસ્તાવેજો ગણતરીમાં લેવાયા એથી હૈદરાબાદ ગૅઝેટની વિગતો મરાઠવાડા રીજન માટે ઉપયોગમાં લેવાશે.’
ADVERTISEMENT
અમારી સરકાર હંમેશાં બધા લોકોના ભલા માટે કામ કરતી હોય છે, એક સમાજને કશું આપવા માટે બીજા સમાજ પાસેથી છીનવી લેવા જેવું કામ કરતી નથી એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમારી સરકાર કોઈ એક સમાજનું ભલું કરતી વખતે બીજા સમાજને અન્યાય કરતી નથી. હમણાં પણ એવું જ થયું, મરાઠાઓને અનામત આપતી વખતે OBC ક્વોટાને નુકસાન નથી પહોંચાડ્યું. અમે આ સંદર્ભે છગન ભુજબળ સહિત અન્ય ઘણા બધા OBC નેતાઓ સાથે વાતચીત કરી છે અને તેમણે પણ આ નિર્ણયને વધાવ્યો છે જેમાં છગન ભુજબળ પણ આવી જાય છે. તેઓ આ નિર્ણયથી અપસેટ નથી. જો તેમને એમ છતાં કોઈ શંકા હશે તો એ હું વાત કરીને ક્લિયર કરીશ.’
જોકે GR આવ્યા બાદ તરત જ છગન ભુજબળે કહ્યું હતું કે ‘હું આ GRનો સમાજના સભ્યો અને એક્સપર્ટ સાથે બેસીને અભ્યાસ કરીશ અને જો જરૂર જણાશે તો એની સામે અમે કોર્ટમાં પણ જઈશું.’
જ્યારે બીજી તરફ ડપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ એક GRથી મરાઠાઓની બધી સમસ્યાનો ઉકેલ આવી જશે એવું નથી. એક પછી એક સમસ્યાનો ધીમે-ધીમે ઉકેલ આવતો જશે.’
OBCને અન્યાય થયો હોય તો છગન ભુજબળે પ્રધાનપદ છોડી દેવું જોઈએ : સંજય રાઉત
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો OBCને અન્યાય થતો હોય તો છગન ભુજબળે પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે છગન ભુજબળ શિવસેનામાં હતા ત્યારે મંડલ કમિશનના OBC અનામતના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપ્યું હતું.
મરાઠા અનામતના મુદ્દે મુંબઈના આઝાદ મેદાન પર અનશન પર બેસેલા મનોજ જરાંગેએ મંગળવારે અનશન છોડીને પારણાં કર્યા બાદ ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું હતું કે જો સરકારે અમને કહ્યા પ્રમાણે બધા મરાઠાઓને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) અંતર્ગત અનામત ન આપી તો અમે એને ચૂંટણીમાં ધૂળ ચાટતી કરી દઈશું. મરાઠાઓને હૈદરાબાદ અને સાતારા ગૅઝેટમાંની જૂની કુણબીની નોંધના આધારે અનામત આપવાની વાતનો સરકારે એકરાર કર્યા બાદ મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાનમાં શરૂ કરેલા આંદોલનનો મંગળવારે અંત આણ્યો હતો.
મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘જો હૈદરાબાદ અને સાતારા ગૅઝેટનો એક મહિનામાં અમલ નહીં થાય તો અમે સરકારને એનો જવાબ ચૂંટણીમાં હરાવીને આપીશું. હું એ વાત પર ખાસ નજર રાખીશ કે સ્ટેપ-બાય-સ્ટેપ બધા મરાઠાઓને અનામતનો લાભ મળે, બધા જ મરાઠાઓનો એમાં સમાવેશ કરવામાં આવે. હું આખા રાજ્યના મરાઠાઓ માટે આંદોલન કરી રહ્યો છું. અનામતનું આ આંદોલન ચાલુ જ રહેશે, કારણ કે હજી કોકણના મરાઠાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કોકણના લોકોએ એટલે કે મરાઠાઓએ પણ આ અનામતનો લાભ લેવો જોઈએ, નહીં તો ૪૦-૫૦ વર્ષ પછી તેઓ પસ્તાશે. તેમણે કોઈના કહેવામાં આવી જઈને આવનારી પેઢીને સંકટમાં ન મૂકવી જોઈએ.’


