Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

મુંબઈ કુણાચી?

05 June, 2024 10:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ત્રણ, કૉન્ગ્રેસને ૧ અને એકનાથ શિંદેની શિવસેનાને માત્ર ૧ બેઠક મળી : ‍BJPના પીયૂષ ગોયલ મુંબઈ નૉર્થમાંથી જીત્યા : શિંદેસેનાના રવીન્દ્ર વાયકર માત્ર ૪૮ મતથી જીતી ગયા

મુંબઈના એકમાત્ર ગુજરાતી ઉમેદવાર મિહિર કોટેચાનો પરાજય થયો.  ( તસવીર સૌજન્ય - શાદાબ ખાન )

મુંબઈના એકમાત્ર ગુજરાતી ઉમેદવાર મિહિર કોટેચાનો પરાજય થયો.  ( તસવીર સૌજન્ય - શાદાબ ખાન )


લોકસભાની મુંબઈની છ બેઠકમાં વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીએ જબરદસ્ત આંચકો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉન્ગ્રેસે પહેલી વખત સાથે આવીને ચૂંટણી લડતાં મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેનાએ લોકસભાની છ બેઠકમાં પડકારનો સામનો કરવો પડ્યો છે અને છમાંથી ચાર બેઠક ગુમાવી છે. મહાયુતિની સમજૂતી મુજબ BJP અને શિવસેનાએ ૩-૩ બેઠક પર ચૂંટણી લડી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીંની તમામ બેઠકો મેળવનારી યુતિ મુંબઈ નૉર્થ અને મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠક જ જાળવી શકી છે. બાકીની મુંબઈ નૉર્થ ઈસ્ટ, મુંબઈ નૉર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ વગેરે ચારેય બેઠકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને કૉન્ગ્રેસે પરચમ લહેરાવ્યો છે.


મુંબઈ નૉર્થ
આ બેઠક પર મુખ્ય મુકાબલો BJPના કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને કૉન્ગ્રેસના ભૂષણ પાટીલ વચ્ચે હતો. ૨૦૦૯થી BJP અહીં સતત વિજય મેળવી રહી છે. આ વખતે પણ મોટા માર્જિનથી વિજય મેળવવાની શક્યતા હતી. ૨૦૧૪ અને ૨૦૧૯માં BJPના ગોપાલ શેટ્ટી ૪.૫૦ લાખથી વધુ માર્જિનથી વિજયી થયા હતા ત્યારે પીયૂષ ગોયલે આ બેઠક પર ૩.૫૩ લાખના તફાવતથી વિજય મેળવ્યો છે.



આ લોકસભા બેઠકમાં દહિસર, બોરીવલી, માગાઠાણે, કાંદિવલી-ઈસ્ટ, ચારકોપ અને મલાડ-વેસ્ટ વિધાનસભાનો સમાવેશ થાય છે. આમાંથી મલાડને બાદ કરતાં તમામ વિધાનસભાઓમાં BJPને વધુ મતદાન થયું હતું. માલવણીમાં કૉન્ગ્રેસને વધુ મત મળ્યા હતા.


મુંબઈ નૉર્થ વેસ્ટ

૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ આ બેઠક શિવસેનાને ફાળવવામાં આવતાં અહીંથી શિવસેનાએ જોગેશ્વરી-ઈસ્ટના વિધાનસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના નેતા રવીન્દ્ર વાયકરને ઉમેદવારી આપી હતી. તેમની સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષે અહીંના બે વખતના સંસદસભ્ય ગજાનન કીર્તિકરના પુત્રને મેદાનમાં ઉતાર્યા હતા. શિવસેના સામે શિવસેનાના મુકાબલામાં કાંટાની ટક્કર થઈ છે. બન્નેને લગભગ એકસરખા મત મળતાં ત્રણ વખત ફરીથી મતગણતરી કરવામાં આવી હતી. પહેલાં અમોલ કીર્તિકરને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ રવીન્દ્ર વાયકરે ફરીથી મતગણતરી કરાવતાં તેઓ ૨૦૦ મતથી આગળ થઈ ગયા હતા. આ મતગણતરીને અમોલ કીર્તિકરે પડકારી હતી એટલે ત્રીજી વખત મતોની ગણતરી કરવામાં આવી હતી. એમાં રવીન્દ્ર વાયકરનો માત્ર ૪૮ મતથી વિજય થયો છે. રવીન્દ્ર વાયકરને ૪,૫૨,૬૪૪ અને અમોલ કીર્તિકરને ૪,૫૨,૫૯૬ મત મળ્યા છે.


આ લોકસભા બેઠકમાં જોગેશ્વરી-ઈસ્ટ, દિંડોશી, ગોરેગામ, વર્સોવા, અંધેરી-વેસ્ટ અને અંધેરી-ઈસ્ટ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ વિધાનસભાઓમાં બન્ને પક્ષોનું સરખું વર્ચસ છે. જોકે શિવસેનામાં ભાગલા પડ્યા બાદ મત વિભાજિત થયા છે એટલે બન્ને શિવસેનાને એકસરખા મત મળ્યા છે.

મુંબઈ નૉર્થ ઈસ્ટ

આ બેઠક પર લોકસભાના એકમાત્ર ગુજરાતી ઉમેદવાર મિહિર કોટેચાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ૨૦૧૪માં અહીંથી BJPના કિરીટ સોમૈયા અને ૨૦૧૯માં મનોજ કોટક વિજયી થયા હતા. મુલુંડ, ભાંડુપ અને ઘાટકોપર જેવા ગુજરાતીઓના ગઢમાં જોકે ઉદ્ધવ ઠાકરેએ આ વખતે BJPને આંચકો આપ્યો છે. મિ​હિર કોટેચાને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર સંજય દિના પાટીલે ૨૯,૮૬૧ મતના માર્જિનથી હરાવ્યા છે. સંજય દિના પાટીલને ૪,૫૦,૯૩૭ અને મિહિર કોટેચાને ૪,૨૧,૦૭૬ મત મળ્યા છે. મિહિર કોટેચાનો પરાજય થતાં સંસદમાં મુંબઈમાંથી ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું છે.

આ લોકસભા બેઠકમાં મુલુંડ, વિક્રોલી, ભાંડુપ-વેસ્ટ, ઘાટકોપર-વેસ્ટ, ઘાટકોપર-ઈસ્ટ અને માનખુર્દ શિવાજીનગર વિધાનસભાઓનો સમાવેશ થાય છે. મિહિર કોટેચાને મુલુંડ અને 
ઘાટકોપર-ઈસ્ટમાં વધુ મત મળ્યા છે; જ્યારે સંજય દિના પાટીલને વિક્રોલી, ઘાટકોપર-વેસ્ટ અને માનખુર્દ શિવાજીનગરમાં વધુ મત મળ્યા છે તો ભાંડુપમાં બન્નેને લગભગ એકસમાન મત મળ્યા છે.

મુંબઈ નૉર્થ સેન્ટ્રલ

લોકસભાની આ બેઠક પર BJPએ ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટાઈ આવેલાં પૂનમ મહાજનને બદલે સ્પેશ્યલ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ઉમેદવારી આપી હતી. કૉન્ગ્રેસે ચાર વખતથી ધારાવી વિધાનસભામાંથી ચૂંટાઈ આવતાં અને મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડને ટિકિટ આપી હતી. BJP અહીંથી મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારને ચૂંટણી લડાવવા માગતી હતી, પરંતુ આશિષ શેલારે ચૂંટણી લડવાની ના પાડી હતી. તેમણે જેમને પણ ટિકિટ આપવામાં આવે તેને વિજયી બનાવવાની જવાબદારી લીધી હોવાનું કહેવાય છે. જોકે ઉજ્જવલ નિકમનો ૧૬,૫૧૪ મતથી પરાજય થયો હતો. ઉજ્જવલ નિકમને ૪,૨૯,૦૩૧ અને વર્ષા ગાયકવાડને ૪,૪૫,૫૪૫ મત મળ્યા હતા.

આ લોકસભા બેઠકમાં વિલે પાર્લે, ચાંદિવલી, કુર્લા, કાલિના, બાંદરા-ઈસ્ટ અને બાંદરા-વેસ્ટ વિધાનસભાઓ આવેલી છે. આમાંથી કૉન્ગ્રેસના બાંદરા-ઈસ્ટમાં એકમાત્ર વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકી છે. જોકે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ તેના પિતા બાબા સિદ્દીકીએ અજિત પવારને સમર્થન જાહેર કર્યું હતું. BJP અને શિવસેનાનું સારુંએવું વર્ચસ હોવા છતાં આ બેઠક મહાયુતિએ ગુમાવી છે.

મુંબઈ સાઉથ સેન્ટ્રલ

આ લોકસભા બેઠક ૨૦૦૯ને બાદ કરતાં ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૧૪ અને ૨૦૧૯માં શિવસેના પાસે રહી છે એટલે કે શિવસેનાની આ પરંપરાગત બેઠક છે. બે વર્ષ પહેલાં શિવસેનામાં ભાગલા થયા બાદ એકનાથ શિંદે જૂથમાં ગયેલા ૨૦૧૪ અને ૨૦૧૯થી આ બેઠકના સંસદસભ્ય રાહુલ શેવાળેને ફરી ઉમેદવારી આપવામાં આવી હતી. તેમની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ દેસાઈ મેદાનમાં હતા. આથી આ બેઠક પર શિવસેના સામે શિવસેનાનો મુકાબલો હતો. અનિલ દેસાઈને ૩,૯૫,૧૩૮ મત અને રાહુલ શેવાળેને ૩,૪૧,૭૫૪ મત મળતાં રાહુલ શેવાળેનો ૨૯,૮૬૧ મતથી પરાજય થયો છે. 
આ લોકસભા બેઠકમાં અણુશક્તિનગર, ચેમ્બુર, સાયન-કોલીવાડા, વડાલા, માહિમ અને ધારાવી વિધાનસભાનો સમાવેશ થાય છે. ધારાવી વિધાનસભામાં કૉન્ગ્રેસનાં વર્ષા ગાયકવાડ વિધાનસભ્ય છે. તેમના પિતા એકનાથ ગાયકવાડ આ બેઠક પર ૨૦૦૯માં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શિવસેના અને BJPની અહીં સારીએવી પકડ હોવા છતાં શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડતમાં ઉદ્ધવ ઠાકરે જૂથનો હાથ ઉપર રહ્યો છે.

મુંબઈ સાઉથ

૨૦૦૪ અને ૨૦૦૯માં આ બેઠક પર કૉન્ગ્રેસના મિલિંદ દેવરા સંસદસભ્ય તરીકે ચૂંટાવાની સાથે કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા હતા. નરેન્દ્ર મોદીના ઉદય બાદ ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીંથી BJP સાથેની યુતિમાં શિવસેનાના અરવિંદ સાવંત ચૂંટાઈ આવ્યા છે. શિવસેનાના ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે તેમને ફરી ઉમેદવારી આપી હતી તો એકનાથ શિંદે જૂથે અહીં ભાયખલાના વિધાનસભ્ય યામિની જાધવને ટિકિટ આપી હતી. ચૂંટણીના થોડા સમય પહેલાં કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને મિલિંદ દેવરા શિવસેનામાં જોડાયા હતા. જોકે એનો કોઈ ફાયદો નથી થયો. યામિની જાધવનો ૫૨,૬૭૩ મતથી પરાજય થયો છે. તેમને ૩,૪૨,૯૮૨ મત અને અરવિંદ સાવંતને ૩,૯૫,૬૫૫ મત મળ્યા હતા.

આ લોકસભા બેઠકમાં વરલી, શિવડી, ભાયખલા, મલબાર હિલ, મુંબાદેવી અને કોલાબા વિધાનસભાઓ આવેલી છે. મલબાર હિલ અને કોલાબામાં BJP, મુંબાદેવીમાં મુસ્લિમ અને બાકીની ત્રણેય વિધાનસભાઓમાં શિવસેનાનું વર્ચસ છે. આ ઉપરાંત પહેલી વખત દક્ષિણ મુંબઈના મુસ્લિમ મતદારોએ શિવસેનાને સાથ આપ્યો હોવાનું જણાયું છે એટલે ઉદ્ધવ ઠાકરેનો હાથ ઉપર રહ્યો છે.

મુંબઈની આસપાસ શું થયું?

થાણે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢની આ લોકસભા બેઠકમાં લાંબા સમયથી શિવસેનાની પકડ છે. થાણે ઉપરાંત નવી મુંબઈ અને મીરા-ભાઈંદર સુધી ફેલાયેલી આ બેઠકમાં મહાવિકાસ આઘાડીની ખાસ અસર જોવા નથી મળી એટલે મુખ્ય પ્રધાનના નજીકના ગણાતા નરેશ મ્હસ્કેનો અહીં આસાન વિજય થયો છે. ઉદ્ધવ ઠાકરેએ અહીં બે ટર્મના સંસદસભ્ય રાજન વિચારેને ટિકિટ આપી હતી, પરંતુ તેમનો ૨,૧૭,૦૯૬ મતથી પરાજય થયો છે. રાજ વિચારેને ૫,૧૫,૦૧૩ મત તો નરેશ મ્હસ્કેને ૭,૩૨,૧૦૯ મત મળ્યા છે. આ લોકસભા બેઠકમાં મીરા-ભાઈંદર, ઓવળા-માજીવાડા, કોપરી-પાંચપાખાડી, થાણે, ઐરોલી અને બેલાપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં BJP અને શિવસેનાની મજબૂત પકડ છે. આ વખતે અહીં શિવસેના વિરુદ્ધ શિવસેનાનો મુકાબલો હતો. એમાં નવો ઉમેદવાર આપ્યો હોવા છતાં એકનાથ શિંદેનો હાથ ઉપર રહ્યો છે.

કલ્યાણ
લોકસભાની આ બેઠક પોતાની પાસે રાખવા માટે સત્તાધારી પક્ષો BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટી વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. લાંબી મથામણ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્રને અહીંથી ત્રીજી વખત ઉમેદવારી આપવામાં આવી હતી જેને લીધે BJPના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે મુખ્ય પ્રધાને પોતાનું નાક બચાવવા માટે તમામ શક્તિ કામે લગાડીને અહીં અગાઉની ચૂંટણી કરતાં પાંચ ટકા વધુ મતદાન કરાવ્યું હતું. શ્રીકાંત શિંદેએ અહીં ૫,૮૯,૬૩૬ મત મેળવીને ઉદ્ધવ ઠાકરે જૂથનાં ઉમેદવાર વૈશાલી દરેકરને ૨,૦૯,૧૪૪ મતના માર્જિનથી પરાજિત કર્યાં છે. વૈશાલી દરેકરને ૩,૮૦,૪૯૨ મત મળ્યા છે.

આ લોકસભા બેઠકમાં કલ્યાણ-ઈસ્ટ, કલ્યાણ ગ્રામીણ, ડોમ્બિવલી, અંબરનાથ, ઉલ્હાસનગર અને મુંબ્રા-કલવા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક શિવસેના પાસે છે, પરંતુ આ વખતે શિવસેનામાં ભાગલા થવાથી મતોનું વિભાજન થવાની શંકા હતી. જોકે સ્થાનિક રહેવાસીઓએ સારું મતદાન કરીને શ્રીકાંત શિંદેને ત્રીજી વખત વિજયી બનાવ્યા છે.

ભિવંડી

આ લોકસભા બેઠકમાં BJPએ ૨૦૧૪ અને ૨૦૧૯ બાદ ત્રીજી વખત કપિલ પાટીલને ઉમેદવારી આપી હતી. અહીં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના બાલ્યામામા તરીકે જાણીતા સુરેશ ગોપીનાથ મ્હાત્રેને તો શરદ પવારે ટિકિટ ન આપતાં નારાજ થયેલા નરેશ સાંબરેએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આથી આ બેઠક પર ત્રિકોણીય લડત થઈ હતી. બાલ્યામામાને સૌથી વધુ ૪,૯૯,૪૬૪ મત મળ્યા હતા. કપિલ પાટીલને ૪,૩૩,૩૪૩ મત મળતાં તેમનો ૬૬,૧૨૧ મતથી પરાજય થયો છે. નરેશ સાંબરેને પણ ૨,૩૧,૪૧૭ મત મળ્યા હતા.

આ લોકસભા બેઠકમાં ભિવંડી ગ્રામીણ, શાહપુર, ભિવંડી-વેસ્ટ, ભિવંડી-ઈસ્ટ, કલ્યાણ-વેસ્ટ અને મુરબાડ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આમાં BJPની ​ભિવંડી-વેસ્ટ એકમાત્ર વિધાનસભા હોવા છતાં અગાઉની ચૂંટણીમાં શિવસેનાની મદદથી વિજય મળ્યો હતો. આ વખતે શિવસેનાની સાથે નૅશનલિસ્ટ પાર્ટીના પણ ભાગલા થયા હોવાથી મતોનું વિભાજન થયું છે એટલે આ બેઠક BJPએ ગુમાવવી પડી છે.

પાલઘર

આ લોકસભા બેઠક પર પણ ત્રિકોણીય લડત થઈ હતી. BJPએ હેમંત સાવરા, ઉદ્ધવ ઠાકરે જૂથે ભારતી કામડી અને હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડીએ બોઇસરના વિધાનસભ્ય રાજેશ પાટીલને ઉમેદવારી આપી હતી. ૨૦૧૪થી આ બેઠક BJP પાસે છે. ૨૦૧૪માં ચૂંટાઈ આવેલા ચિંતામણ વણગાનું ૨૦૧૭માં મૃત્યુ થયા બાદ ૨૦૧૮માં પેટાચૂંટણી યોજાઈ હતી એમાં કૉન્ગ્રેસમાંથી આવેલા BJPના રાજેન્દ્ર ગાવિત ચૂંટાયા હતા. ૨૦૧૯માં આ બેઠક ઉદ્ધવ ઠાકરેએ માગતાં BJPએ તેમને આપી દેતાં અહીંથી ફરી રાજેન્દ્ર ગાવિત ચૂંટાયા હતા. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ આ બેઠક મહાયુતિમાં BJPને ફાળે આવી હતી. BJPના હેમંત સાવરાને ૬,૦૧,૨૪૪ મત મળ્યા હતા, ઉદ્ધવ ઠાકરે જૂથનાં ભારતી કામડીને ૪,૧૭,૯૩૮ મત મળતાં તેમનો ૧,૮૩,૩૦૬ મતથી પરાજય થયો છે. રાજેશ પાટીલને ૨,૫૪,૫૧૭ મત મળ્યા છે.

આ લોકસભા બેઠકમાં દહાણુ, વિક્રમગડ, પાલઘર, બોઇસર, નાલાસોપારા અને વસઈ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્રણ બેઠકમાં ખુદ હિતેન્દ્ર ઠાકુર, તેમના પુત્ર ક્ષિતિજ અને રાજેશ પાટીલ વિધાનસભ્ય હોવા છતાં તેઓ ત્રીજા નંબરે રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK