શિવસેના (UBT)ના ૮ સંસદસભ્યોને ગુપ્ત રીતે મળ્યા હોવાની અટકળોઃ ઉદ્ધવસેનાના અરવિંદ સાવંતે લખીને આપ્યું કે હું નહીં જાઉં, એકનાથ શિંદે પોતે કહે છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી : ઑપરેશન ટાઇગરની ફરી ચર્ચા થઈ રહી છે ત્યારે ખુદ શિંદે, અરવિંદ સાવંતે રદિયો આપ્યો
એકનાથ શિંદે, અરવિંદ સાવંત
અનડિવાઇડેડ શિવસેનામાંથી ૪૦ વિધાનસભ્યોને સાથે લઈને શિવસેનાની ધુરા સંભાળનાર એકનાથ શિંદે શિવસેના (UBT)ના સંસદસભ્યોને પોતાની સાથે લેવા ઉત્સુક છે અને એ માટે તેઓ ઑપરેશન ટાઇગર ચલાવીને એ સંસદસભ્યોને યેનકેન પ્રકારેણ પોતાના પક્ષમાં સામેલ કરવાના પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચાએ પાછું જોર પકડ્યું છે.
બુધવારે મોડી રાતે થાણેના પોખરણ રોડ પર કુદરતી સાંનિધ્યમાં આવેલી એક જગ્યાએ તેમણે શિવસેના (UBT)ના સંસદસભ્યોની સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. શિવસેના (UBT)ના કુલ ૯ સંસદસભ્યોમાંથી ૬ એ બેઠકમાં હાજર રહ્યા હતા, બે જણે વિડિયો-કૉન્ફરન્સિંગથી ભાગ લીધો હતો અને એક સંસદસભ્ય અનિલ દેસાઈ આ બેઠકમાં હાજર નહોતા રહ્યા એવી ચર્ચા છે. આ ૮ સંસદસભ્યોએ તેઓ એકનાથ શિંદે સાથે જોડાવા તૈયાર છે એમ જણાવ્યું છે. જોકે બન્ને પાર્ટીએ આ બાતમીને રદિયો આપ્યો છે અને આવી કોઈ બેઠક થઈ જ ન હોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
એમ કહેવાય છે કે બુધવારે રાતે ૧૧ વાગ્યે શરૂ થયેલી એ મીટિંગ ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. એકનાથ શિંદે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નૅશનલ લીડર સાથે એ વખતે સતત સંપર્કમાં રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે એ ૮ સંસદસભ્યોને પૂરતો સપોર્ટ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
મને ઊભો ચીરી નાખવામાં આવશે તો પણ માતોશ્રીને નીચાજોણું નહીં કરું : અરવિંદ સાવંત, શિવસેના (UBT)ના સંસદસભ્ય
એકનાથ શિંદેની શિવસેનામાં અમારા સંસદસભ્યો જોડાવાના છે એવા સમાચારનો હું સખત વિરોધ કરું છું. દેશની જનતાએ જોવું જોઈએ કે ખોટા સમાચાર કઈ રીતે આપવામાં આવે છે. હવે એ બેઠકમાં હું પણ હતો એવા ગપગોળા ચલાવાયા છે. મારા બધા જ મોબાઇલ તમને આપું છું, ચેક કરી લો. જો મેં એક પણ વાર તેમની સાથે વાત પણ કરી હોય તો કહેશો એ શિક્ષા ભોગવવા હું તૈયાર છું. હું વંદનીય બાળાસાહેબ ઠાકરેનો શિવસૈનિક છું, UBTનો શિવસૈનિક છું. જો મને ઊભો ચીરી નાખવામાં આવશે તો પણ હું માતોશ્રીને નીચાજોણું નહીં કરું અને ઉદ્ધવજીને છોડીશ નહીં. બાળાસાહેબે મને વિધાનસભ્ય બનાવ્યો, ઉદ્ધવજીએ સંસદસભ્ય બનાવ્યો. તેમને છેતરવા એટલે માના દૂધને લજાવવા જેવું ગણાય.
આ બધી અફવાઓ પર ધ્યાન ન આપો, આવી કોઈ બેઠક થઈ જ નથી : એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ પણ એ મીટિંગ થઈ હોવાના સમાચારને પાયાવિહોણા ગણાવતાં કહ્યું હતું કે ‘આ સમાચારમાં કોઈ તથ્ય નથી, આવી અફવાઓ પર ધ્યાન ન આપો. છેલ્લા દોઢ વર્ષથી આવી અફવાઓ ઊડે છે. આવી કોઈ બેઠક થઈ જ નથી, આ બધી અફવાઓ છે.’ તેમણે મીડિયાને પણ આવા ન્યુઝ આપી સનસનાટી ફેલાવવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
