૨૩ અથવા ૨૪ મેએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે

ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૩૦ જૂન ૨૦૨૨ના રોજ સરકાર બનાવી હતી. તેમણે પદભાર સંભાળ્યાના લગભગ ૨૯ દિવસ પછી પ્રધાનમંડળનું પ્રથમ વાર વિસ્તરણ થયું હતું. ત્યાર બાદ કેટલાય દિવસો સુધી ખાતાંઓની ફાળવણી કરાઈ નહોતી. ખાતાંઓની ફાળવણી પછી પ્રધાનમંડળમાં ૨૮ જગ્યા બાકી હોવાથી કૅબિનેટના બીજા વિસ્તરણની ધારણા હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં પિટિશનને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી પડ્યું હતું.
હવે સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં શિંદે સરકારને રાહત આપતાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ થઈ હતી તથા વિસ્તરણનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. એ મુજબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના જૂથના પ્રધાનોની યાદી તૈયાર કરી છે. બીજી તરફ બીજેપીએ પ્રાદેશિક કારોબારી મીટિંગ માટે ગુરુવારે રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સાથે ચર્ચા કરી હતી. એને પગલે ૨૩ અથવા ૨૪ મેએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. બે દિવસ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે અને એ અગાઉ એકનાથ શિંદેએ પણ પ્રધાનમંડળના વિસ્તરણની વાત કહી હતી.